ટ્રેન્ડિંગનેશનલમીડિયા

બંગાળની ખાડીમાં મુરાસુ વાવાઝોડાનો ખતરો, આંધ્ર-ઓડિશામાં એલર્ટ

Cyclone Murasu : બંગાળની ખાડીમાં સર્જાયેલું ‘મુરાસુ’ વાવાઝોડું હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા પ્રમાણે, આ ચક્રવાત 3 નવેમ્બરની વહેલી સવારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. વાવાઝોડું ત્રાટકે ત્યારે પવનની ઝડપ 100થી 110 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં પવનના જોરદાર ઝાપટાં 120 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને આંધ્રપ્રદેશ અને ઓડિશામાં હાઈ એલર્ટ (High Alert) જાહેર કરાયું છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ વહીવટી તંત્ર સાથે બેઠક કરીને તૈયારીઓની સમીક્ષા કરી છે. દરિયાકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળોએ ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

ડીપ ડિપ્રેશનમાંથી ગંભીર ચક્રવાતમાં ફેરવાયું

બંગાળની ખાડીના પશ્ચિમ-મધ્ય અને તેની નજીકના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન (Deep Depression) વધુ મજબૂત બનતાં ‘મુરાસુ’ ચક્રવાતમાં ફેરવાયું છે. IMDના જણાવ્યા અનુસાર, 2 નવેમ્બરના રોજ સવારે 2.30 વાગ્યે આ વાવાઝોડું 13.6 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 82.5 ડિગ્રી પૂર્વ રેખાંશ પર હતું. છેલ્લા છ કલાકમાં તે આશરે 20 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધ્યું હતું. ત્યારબાદ તેની તીવ્રતા વધતાં તે ગંભીર ચક્રવાતી તોફાન (Severe Cyclonic Storm) બની ગયું છે.

તે સમયે વાવાઝોડું ચેન્નાઈથી 260 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વ, નેલ્લોરથી 290 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ અને મછલીપટ્ટનમથી 320 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં હતું. કાવલીથી તેનું અંતર 310 કિમી, ઓંગોલથી 330 કિમી અને વિશાખાપટ્ટનમથી આશરે 470 કિમી દક્ષિણમાં નોંધાયું હતું.

નેલ્લોર-નરસાપુર વચ્ચે લેન્ડફોલની આગાહી

હવામાન વિભાગે આગાહી કરી છે કે ‘મુરાસુ’ ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધીને 2 નવેમ્બરની રાત્રે 11.30 વાગ્યાથી 3 નવેમ્બરની સવારે 4 વાગ્યા દરમિયાન દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પહોંચી શકે છે. ઓંગોલ નજીક નેલ્લોર અને નરસાપુર વચ્ચે ગંભીર ચક્રવાતી તોફાન તરીકે લેન્ડફોલ (Landfall) થવાની શક્યતા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

લેન્ડફોલ સમયે પવનની ઝડપ 100થી 110 કિમી પ્રતિ કલાક રહેવાનો અંદાજ છે. પવનના ઝાપટાં 120 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આથી દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો માટે સાવચેતી રાખવી જરૂરી બની છે.

એક સપ્તાહમાં બીજું ચક્રવાતી તોફાન

બંગાળની ખાડીમાં એક સપ્તાહની અંદર સર્જાયેલું આ બીજું ચક્રવાતી તોફાન છે. આ પહેલાં 28 ઓક્ટોબરે ‘અર્ણબ’ વાવાઝોડું આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. તેની અસર આંધ્રપ્રદેશ અને ઓડિશામાં જોવા મળી હતી. હવે ફરી એક વાવાઝોડું નજીક આવતાં બંને રાજ્યોનું વહીવટી તંત્ર સતર્ક બન્યું છે.

ઉલ્લેખનીય છે કે ‘મુરાસુ’ નામ ભારતે સૂચવેલી ચક્રવાતનાં નામોની યાદીમાંથી લેવામાં આવ્યું છે. તમિલ ભાષામાં ‘મુરાસુ’નો અર્થ યુદ્ધનો નગારું થાય છે. વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા અને રાહતની તૈયારીઓ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : ગાંધીનગરમાં ઇન્સ્ટાગ્રામ પરથી બુક કરેલી સર્વિસ મોંઘી પડી: હોમ ક્લીનિંગના બહાને હેડ ક્લાર્કના ઘરમાંથી ₹6.16 લાખના દાગીના ચોરનાર રાજસ્થાનની ગેંગ ઝડપાઈ

Back to top button