બિહારમાં ગજબનો વિરોધ: ખરાબ રસ્તાથી કંટાળેલા લોકોએ ભાજપના સાંસદ અને ધારાસભ્યનું નામ આપ્યું
બિહારના બેગુસરાયમાં રસ્તાની બદતર હાલતથી પરેશાન ગ્રામજનોએ સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય સામે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. વર્ષોથી રસ્તાનું સમારકામ ન થતાં ગ્રામજનોએ રસ્તા પર પડેલા મોટા-મોટા ખાડાઓને જ સાંસદ ગિરિરાજ સિંહ અને ભાજપના ધારાસભ્ય કુંદન કુમારનાં નામ આપી દીધાં છે. કોઈ ખાડાને ‘ગિરિરાજ કુંડ’ તો કોઈને ‘કુંદન કુંડ’ નામ આપવામાં આવ્યું છે. એટલું જ નહીં, બંને નેતાઓની તસવીરોવાળી તકતીઓ પણ ખાડા પાસે લગાવવામાં આવી છે. આ અનોખા વિરોધનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
રસ્તાના ખાડાઓ પાસે નેતાઓની તસવીરોવાળી તકતીઓ લગાવી
આ સમગ્ર મામલો બેગુસરાય જિલ્લાના વીરપુર પ્રખંડની પર્રા પંચાયતનો છે. અહીં પર્રા-સરૌંજા રોડની જર્જરિત હાલતથી પરેશાન ગ્રામજનોએ વિરોધનો અનોખો રસ્તો અપનાવ્યો છે.
ગ્રામજનોએ સાંસદ ગિરિરાજ સિંહ અને ભાજપના ધારાસભ્ય કુંદન કુમારની તસવીરોવાળી તકતીઓ તૈયાર કરી હતી. તેના પર ખાડાઓને ‘ગિરિરાજ કુંડ’ અને ‘કુંદન કુંડ’ જેવા નામ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ ગ્રામજનો રસ્તા પર પહોંચ્યા અને અલગ-અલગ ખાડાઓ પાસે આ તકતીઓ લગાવી દીધી હતી.
વાયરલ વીડિયોમાં યુવાનો હાથમાં નેતાઓની તસવીરોવાળી તકતીઓ લઈને રસ્તાના ખાડાઓ પાસે જતા અને તેનું નામકરણ કરતા જોવા મળે છે.
વર્ષોથી રસ્તાની હાલત ખરાબ, વાહનચાલકો પરેશાન
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, પર્રા-સરૌંજા રોડની હાલત છેલ્લા કેટલાંય વર્ષોથી ખરાબ છે. અગાઉ આ રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ સમય જતાં રસ્તો ફરી જર્જરિત બની ગયો છે.
ગ્રામજનોનો આક્ષેપ છે કે વર્ષ 2020માં કુંદન કુમાર ધારાસભ્ય બન્યા બાદ છેલ્લા છ વર્ષમાં રસ્તાના સમારકામ માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.
રસ્તા પર ઠેર-ઠેર મોટા ખાડાઓ પડી ગયા હોવાથી બાઈક, રિક્ષા, ઓટો અને કારચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને વરસાદની સિઝનમાં ખાડાઓમાં પાણી ભરાઈ જતાં તેમની ઊંડાઈનો અંદાજ લગાવવો મુશ્કેલ બને છે. પરિણામે અકસ્માતનો ભય પણ રહે છે.
‘મોડલ પંચાયત’માં વિકાસના દાવાઓ સામે સવાલ
ગ્રામજનોની નારાજગીનું બીજું કારણ એ છે કે પર્રા પંચાયતને મોડલ પંચાયત તરીકે ઓળખાવવામાં આવે છે, પરંતુ અહીંના રસ્તાની હાલત વિકાસના દાવાઓ સામે સવાલ ઊભા કરે છે.
લોકોનું કહેવું છે કે રસ્તાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવી રહ્યો નથી. આથી હવે જનપ્રતિનિધિઓનું ધ્યાન ખેંચવા માટે ખાડાઓને તેમના નામ આપીને પ્રતીકાત્મક વિરોધ કરવામાં આવ્યો છે.
સમારકામ નહીં થાય તો આંદોલનની ચીમકી
ગ્રામજનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો વહેલી તકે પર્રા-સરૌંજા રોડનું સમારકામ શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
આ મામલે સંબંધિત જનપ્રતિનિધિઓ કે વિભાગનો પક્ષ સામે આવ્યો નથી. હાલ સોશિયલ મીડિયા પર ‘ગિરિરાજ કુંડ’ અને ‘કુંદન કુંડ’ના નામકરણનો વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે.
રસ્તાના ખાડાઓને નેતાઓનાં નામ આપીને કરવામાં આવેલો આ અનોખો વિરોધ હવે ચર્ચામાં છે. જોવાનું એ રહેશે કે ગ્રામજનોની આ વ્યંગાત્મક રજૂઆત બાદ તંત્ર જાગે છે કે પછી લોકોને હજુ પણ જર્જરિત રસ્તા પર જ અવરજવર કરવાની ફરજ પડશે.
આ પણ વાંચો: રાહુલ ગાંધીની દિલ્હીમાં મહારેલીથી વેપારીઓને ₹12 હજાર કરોડનું નુકસાન? 25 બજારોમાં વેપાર ઠપ











