ટોપ ન્યૂઝનેશનલ

મણિપુરમાં ફરી હિંસાનો ભડકો: દંપતી સહિત 4 ના મોત, 6 વર્ષનો બાળક ગંભીર

Violence Erupts in Manipur’s Tamenglong: ઉત્તર-પૂર્વના રાજ્ય મણિપુરમાં ફરી એકવાર હિંસાનો ભડકો થયો છે. મણિપુરના તામેંગલોંગ જિલ્લામાં સશસ્ત્ર બંદૂકધારીઓ દ્વારા કરવામાં આવેલા બે અલગ-અલગ ગોળીબારના બનાવોમાં એક દંપતી સહિત 4 લોકોના કરૂણ મોત નીપજ્યા છે. આ ભયાનક ગોળીબારમાં 6 વર્ષનો એક માસુમ બાળક પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. રવિવારે આચરવામાં આવેલા આ આતંકી કૃત્ય બાદ સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ વ્યાપી ગયો છે અને સુરક્ષા દળોએ તપાસ હાથ ધરી છે.

કૈમાઈ પોલીસ સ્ટેશન હેઠળ દંપતી પર અંધાધૂંધ ગોળીબાર

પ્રથમ ઘટના રવિવારે સવારે 5:30 વાગ્યે તામેંગલોંગ જિલ્લાના કૈમાઈ પોલીસ સ્ટેશન હેઠળના ટોલોન ગામમાં બની હતી. સશસ્ત્ર ગુનેગારોએ એક પરિવારને નિશાન બનાવી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં 46 વર્ષીય લિંગઝાંગાઈ સિંગસિતનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હુમલામાં તેમના પતિ સેનેહ સિંગસિત અને 6 વર્ષના પુત્રને પણ ગોળીઓ વાગી હતી. ઈજાગ્રસ્ત પતિ-પુત્રને સારવાર માટે આસામની સિલચર મેડિકલ કોલેજ લઈ જવાઈ રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ સેનેહ સિંગસિતે પણ દમ તોડી દીધો હતો. હાલ ગંભીર રીતે ઘવાયેલા 6 વર્ષના બાળકની સારવાર ચાલુ છે.

લોંગપી ગામમાં વધુ બે નાગરિકોની હત્યા

પ્રથમ ઘટનાના થોડા જ કલાકો બાદ, બપોરે 3:00 વાગ્યાની આસપાસ નુંગબા પોલીસ સ્ટેશન વિસ્તારના લોંગપી ગામમાં બીજો હુમલો થયો હતો. આ હુમલામાં લોંગપી ગામના જિલી સિંગસન અને રેયોલ ગેંગટે નામના બે વ્યક્તિઓના મોત થયા હતા. પોલીસ સ્ટેશનથી 30 કિલોમીટર દૂર આવેલા આ ગામમાં ખરાબ રસ્તાઓના કારણે પોલીસ સમયસર પહોંચી શકી નહોતી, પરંતુ સોમવારે સવારે વિસ્તૃત તપાસ હાથ ધરવાની પુષ્ટિ કરાઈ છે.

નાગા અને કુકી જૂથો વચ્ચે આરોપ-પ્રત્યારોપ

કુકી સમુદાયના સંગઠન ‘વેસ્ટર્ન વિલેજ વોલેન્ટિયર્સ’ (WVV) એ આરોપ લગાવ્યો છે કે લોંગપી ગામમાં આ હુમલો NSCN-IM અને ZUF-K સંગઠનોના સશસ્ત્ર સભ્યો દ્વારા કરવામાં આવ્યો હતો. નિવેદન મુજબ, હુમલાખોરોએ ગોળીબાર કર્યા બાદ ગામના કેન્દ્ર તરફ આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થાનિક સ્વયંસેવકોના વળતા ગોળીબાર બાદ તેમને ભાગવું પડ્યું હતું. બીજી તરફ, કૈમાઈ નાગા ગામ સત્તામંડળે આ હુમલાની સખત નિંદા કરીને તમામ સમુદાયોને શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દ જાળવવા અપીલ કરી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

24 કલાકમાં આરોપીઓની ધરપકડની માંગ

આ ઘટના તે સમયે બની જ્યારે કુકી સમુદાય 1990 ના દાયકાની હિંસક ઘટનાઓની યાદમાં “કાળા દિવસ” ની પાલન કરી રહ્યો હતો. કુકી યુવા સંગઠન મહિલા પરિષદે આ કૃત્યને દુઃખદ અને નિર્દયી ગણાવ્યું છે. વિવિધ સ્થાનિક સંગઠનોએ સુરક્ષા દળો પાસે માંગ કરી છે કે 24 કલાકની અંદર તમામ ગુનેગારોની ઓળખ કરીને તેમની ધરપકડ કરવામાં આવે, જેથી પ્રદેશમાં વધુ તણાવ ફેલાતો અટકાવી શકાય.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં કડક કાર્યવાહી: 252 બિનઅધિકૃત મદરેસાઓ બંધ કરવાનો આદેશ, 100 ને શો-કોઝ નોટિસ

Back to top button