પશ્ચિમ બંગાળમાં કડક કાર્યવાહી: 252 બિનઅધિકૃત મદરેસાઓ બંધ કરવાનો આદેશ, 100 ને શો-કોઝ નોટિસ

West Bengal Madrasa Closure: પશ્ચિમ બંગાળ સરકારે સમગ્ર રાજ્યમાં હાથ ધરેલા એક વ્યાપક સર્વેક્ષણ બાદ મોટો નિર્ણય લીધો છે. માળખાકીય સુવિધાઓ અને જરૂરી સરકારી મંજૂરીઓનો અભાવ ધરાવતી 252 મદરેસાઓને તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય 100 થી વધુ મદરેસાઓને કારણ દર્શક (શો-કોઝ) નોટિસ જારી કરવામાં આવી છે. રાજ્યના લઘુમતી બાબતો અને મદરેસા શિક્ષણ મંત્રી ક્ષુદીરામ ટુડુએ સ્પષ્ટ કર્યું છે કે કાયદાકીય મંજૂરીઓ ધરાવતી અને નિયમ મુજબ ચાલતી તમામ સંસ્થાઓ યથાવત કાર્યરત રહેશે.
રાજ્યવ્યાપી સર્વેક્ષણ બાદ એક્શન
સરકાર દ્વારા જૂન 2026 ની શરૂઆતથી જ રાજ્યના તમામ જિલ્લાઓમાં સરકારી અને ખાનગી મદરેસાઓની સ્થિતિ જાણવા માટે ક્ષેત્ર-સ્તરીય સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેમાં સંસ્થાઓના માળખાકીય સેટઅપ, માન્યતાની સ્થિતિ અને વ્યવસ્થાપન પ્રણાલીનું ઊંડાણપૂર્વક મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. મંત્રીના જણાવ્યા અનુસાર, આ સમગ્ર પ્રક્રિયા મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના સીધા નિર્દેશ પર શરૂ કરવામાં આવી હતી, જેથી રાજ્યમાં માન્યતાપ્રાપ્ત અને અનધિકૃત રીતે ચાલતી સંસ્થાઓનો સચોટ આંકડો મેળવી શકાય.
રાજ્ય મંત્રી દિલીપ ઘોષનો ગંભીર આરોપ
દરમિયાન, રાજ્યના પંચાયતી રાજ મંત્રી દિલીપ ઘોષે મદરેસાઓની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે ભૂતકાળમાં કેટલીક સંસ્થાઓમાં ઉગ્રવાદી અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શખસો શિક્ષક તરીકે કામ કરતા ઝડપાયા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “સરકારની પરવાનગી અને કાયદા મુજબ ચાલતી મદરેસાઓ સામે કોઈ વાંધો નથી, પરંતુ મનસ્વી રીતે બિનઅધિકૃત સંસ્થાઓ ખોલીને દેશની સુરક્ષા માટે મુશ્કેલી ઊભી કરવા દેવામાં આવશે નહીં.”
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
100 સંસ્થાઓના જવાબ બાદ લેવાશે નિર્ણય
બીજી તરફ, વિપક્ષી તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય કુણાલ ઘોષે આ કાર્યવાહી સામે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે તમામ મદરેસાઓને એક જ ત્રાજવે ન તોલવી જોઈએ. સરકારી અધિકારીઓના જણાવ્યા મુજબ, જે 100 સંસ્થાઓને કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી છે, તેમના તરફથી મળનારા લેખિત જવાબોની તપાસ કર્યા બાદ આગળની આકરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો: 2029 સુધીમાં 21 રાજ્યોમાં લાગુ થશે UCC: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું મોટું નિવેદન












