મૈસુરુ-બેંગલુરુ એક્સપ્રેસવે પર બસનો અકસ્માત, ટ્રક પાછળ અથડાતાં નવ મુસાફરો ઘાયલ
Bus Truck Accident : કર્ણાટકના મૈસુરુ-બેંગલુરુ એક્સપ્રેસવે પર ગુરુવારે વહેલી સવારે મુસાફરોથી ભરેલી બસનો ગંભીર અકસ્માત થયો હતો. ચન્નાપટ્ટણા નજીક કેરળમ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC)ની સુપર ડીલક્સ એર બસ એક માલવાહક ટ્રકના પાછળના ભાગ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં બસના ડ્રાઈવર સહિત કુલ 9 લોકો ઘાયલ થયા છે.
કન્નૂરથી બેંગલુરુ જઈ રહી હતી બસ
મળતી માહિતી મુજબ, અકસ્માત વહેલી સવારે થયો હતો. અકસ્માતનો ભોગ બનેલી બસ કન્નૂરથી બેંગલુરુ જઈ રહી હતી. બસમાં અનેક મુસાફરો સવાર હતા અને અચાનક ટ્રક સાથે ટક્કર થતાં બસમાં અફરાતફરી મચી ગઈ હતી.
અકસ્મતમાં ઘાયલ થયેલા 9 લોકોમાંથી 3 લોકોને પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે ડ્રાઈવર અને કંડક્ટર સહિત 6 લોકોની હજુ સારવાર ચાલી રહી છે.
પોલીસ અને રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી
અકસ્મતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્મતને કારણે થોડા સમય માટે એક્સપ્રેસવે પર ટ્રાફિકની અવરજવર પણ પ્રભાવિત થઈ હતી. પોલીસે ક્ષતિગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
અકસ્માતનું કારણ શોધી રહી છે પોલીસ
પ્રાથમિક માહિતી પ્રમાણે બસ ટ્રકના પાછળના ભાગ સાથે અથડાતા આ અકસ્માત થયો હતો. જોકે, બસ ટ્રક સાથે કયા સંજોગોમાં અથડાઈ તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
બસની ઝડપ વધુ હતી કે રસ્તા પર કોઈ અન્ય પરિસ્થિતિને કારણે ડ્રાઈવરનું નિયંત્રણ છૂટ્યું હતું કે કેમ, તે સહિતના તમામ પાસાઓ તપાસવામાં આવી રહ્યા છે.
ઘાયલોની સ્થિતિ પર નજર
હાલમાં ઘાયલ મુસાફરો અને બસના કર્મચારીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અધિકારીઓ દ્વારા તેમની તબિયત પર સતત નજર રાખવામાં આવી રહી છે.
અગાઉ પણ થયો હતો મોટો અકસ્માત
આ પહેલાં ઓગસ્ટ મહિનામાં પણ બેંગલુરુ નજીક રાજ્ય પરિવહનની બસ અકસ્માતનો ભોગ બની હતી. મૈસુરુ-બેંગલુરુ એક્સપ્રેસવે પર થયેલા આ અકસ્માતમાં ડ્રાઈવર અને કંડક્ટરનાં મોત થયા હતા, જ્યારે 20 મુસાફરો ઘાયલ થયા હતા. ગંભીર ઈજાઓને કારણે બસના ડ્રાઈવર અને કંડક્ટરે સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો.
આ પણ વાંચો : તિહાડ જેલમાં બંધ યાસીન મલિકનો મોટો નિર્ણય, પત્નીને તલાક આપશે












