ટ્રેન્ડિંગનેશનલમીડિયા

દ્વારકા એક્સપ્રેસવે ટનલમાં 200ની સ્પીડે કાર દીવાલ સાથે અથડાઈ! 22 વર્ષના યુવકનું મોત

Car Accident  :  દિલ્હીના દ્વારકા એક્સપ્રેસવે (Dwarka Expressway)ની ટનલમાં પૂરપાટ ઝડપે દોડી રહેલી કારનો ભયાનક અકસ્માત સર્જાયો છે. અંદાજે 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી કાર અચાનક કાબૂ બહાર જતાં ટનલની દીવાલ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનું એન્જિન બહાર ફંગોળાઈ ગયું હતું અને વાહનમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં કારચાલક 22 વર્ષીય યુવકનું મોત થયું છે.

80ની જગ્યાએ 200ની ઝડપે દોડી રહી હતી કાર

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ અભિનવ સિંહ તરીકે થઈ છે. તે મૂળ બિહારના મુઝફ્ફરપુરનો રહેવાસી હતો અને ગુરુગ્રામના સેક્ટર-42માં રહેતો હતો. અકસ્માત સમયે તે લુધિયાણાથી ગુરુગ્રામ પરત ફરી રહ્યો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

શિવમૂર્તિ ઇન્ટરચેન્જ નજીક ટનલનો રસ્તો નેશનલ હાઇવે-48 સાથે જોડાય છે, ત્યાં આ અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અભિનવ પોતાની મોડિફાઇડ ફોક્સવેગન વર્ટસ કાર ચલાવી રહ્યો હતો. ટનલમાં વાહનો માટે મહત્તમ ઝડપ મર્યાદા 80 કિલોમીટર પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે. જોકે, CCTV ફૂટેજમાં તેની કાર અંદાજે 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી જોવા મળી હતી. ઝડપને કારણે વળાંક પાસે કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર સીધી ટનલની દીવાલ સાથે અથડાઈ હતી.

અકસ્માત પહેલાં સ્નેપચેટ પર મોકલ્યો હતો સ્પીડનો વીડિયો

આ અકસ્માતની તપાસમાં વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતની થોડી ક્ષણો પહેલાં અભિનવે કારના સ્પીડોમીટરના ફોટા અને વીડિયો બનાવ્યા હતા. ત્યારબાદ આ વીડિયો અને તસવીરો તેણે સ્નેપચેટ (Snapchat) મારફતે પોતાના મિત્રોને મોકલ્યાં હતાં. હવે દિલ્હી પોલીસ આ ડિજિટલ પુરાવા મેળવવાનો પ્રયાસ કરી રહી છે. તપાસ માટે સ્નેપચેટ પર મોકલવામાં આવેલા વીડિયો અને તસવીરો રિકવર કરવાની કામગીરી ચાલી રહી છે.

પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપાયો

અકસ્મતમાં જીવ ગુમાવનાર અભિનવના મૃતદેહનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ તેને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. અભિનવની માતા બિહારમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. પોલીસ દ્વારા તેમને અકસ્માતની જાણ કરવામાં આવી છે.

ઓવરસ્પીડિંગ ફરી બની જીવલેણ

દ્વારકા એક્સપ્રેસવેની ટનલમાં બનેલી આ ઘટના ઓવરસ્પીડિંગના જોખમને ફરી ઉજાગર કરે છે. ખાસ કરીને ટનલ અને વળાંકવાળા રસ્તાઓ પર નિર્ધારિત ઝડપ મર્યાદાનું પાલન કરવું અત્યંત જરૂરી છે. રસ્તા પર સ્ટંટબાજી અને બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ માત્ર ચાલક જ નહીં, પરંતુ અન્ય લોકોના જીવ માટે પણ જોખમ ઊભું કરી શકે છે.

આ પણ વાંચો : અમદાવાદથી છપરા જતા મુસાફરો માટે રાહત! 14 નવેમ્બરે દોડશે વન-વે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન

Back to top button