ઝારખંડમાં ભયાનક અકસ્માત, સ્કૂટી સવારને બચાવવા દોડેલા 7 લોકોનાં મોત

Trailer Accident-7-Dead : ઝારખંડના ખૂંટી જિલ્લામાં ગુરુવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. કર્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોશાંબી કોલોની નજીક બેકાબૂ 18 પૈડાંના ટ્રેલરે રસ્તા પર ઊભેલા લોકોને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં ચાર મહિલાઓ અને ત્રણ બાળકો સહિત સાત લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
સ્કૂટી સવારને બચાવવા દોડી આવ્યા હતા ગ્રામજનો
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ગુરુવારે રાત્રે આશરે 10:15 વાગ્યે એક સ્કૂટી સવારનું વાહન પરથી બેલેન્સ છૂટી ગયું હતું અને તે રસ્તા નજીકની ઝાડીઓમાં જઈ પડ્યો હતો. તેનો અવાજ સાંભળીને આસપાસના લોકો મદદ માટે ઘરની બહાર દોડી આવ્યા હતા. કેટલાક યુવકો ઝાડીઓમાં ફસાયેલા સ્કૂટી સવારને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જ્યારે મહિલાઓ અને બાળકો રસ્તાની બાજુમાં ઊભાં રહીને આ ઘટના જોઈ રહ્યાં હતાં. તે દરમિયાન તોરપા તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા 18 પૈડાંના ટ્રેલરે રસ્તા કિનારે ઊભેલા નવ લોકોને અડફેટે લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.
એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત
આ અકસ્માતે અનેક પરિવારોમાં શોકની લાગણી ફેલાવી છે. સ્થાનિક રહેવાસી બિરસા નાયકના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. તેમની પત્ની કસીલા દેવી, પુત્રી અંજલિ કુમારી અને એક વર્ષના દોહિત્ર સૌરભ નાયકનું અકસ્માતમાં મોત થયું છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર અન્ય લોકોમાં માંદૂ દેવી, પાકો દેવી, તુતી કુમારી અને ગોલુ કુમારનો સમાવેશ થાય છે. ઘાયલોને તાત્કાલિક ખૂંટીની સિવિલ હોસ્પિટલ અને તોરપા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
અંધારું અને તીવ્ર વળાંક અકસ્માતનું કારણ બન્યાં
ઘટનાની જાણ થતાં જ ખૂંટીના પોલીસ અધિક્ષક ઋષભ ગર્ગ મોડી રાત્રે હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘાયલોની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. એસપીએ જણાવ્યું હતું કે કર્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેલવે ફાટક નજીક સ્કૂટી અકસ્માતગ્રસ્ત થયા બાદ લોકો મદદ માટે એકત્ર થયા હતા. સ્થળ પર તીવ્ર વળાંક અને અંધારું હોવાથી ટ્રેલરચાલકને રસ્તા પર ઊભેલા લોકો દેખાયા નહોતા. પરિણામે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. અત્યાર સુધીમાં સાત લોકોનાં મોત થયાં છે, જ્યારે ઘાયલ બાળકીની સ્થિતિ જોખમ બહાર હોવાનું જણાવાયું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
અકસ્માત બાદ ટ્રેલરચાલક અને ક્લીનર ફરાર
અકસ્મત સર્જાયા બાદ ટ્રેલરચાલક અને ક્લીનર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. તેમની ધરપકડ કરવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. પોલીસે અકસ્માત સર્જનાર ટ્રેલર જપ્ત કરી લીધું છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક સ્કૂટી સવારની મદદ કરવા ગયેલા લોકો સાથે બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જ્યો છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ઉલટફેર થવાના સંકેત? શરદ પવાર અને પ્રફુલ્લ પટેલ વચ્ચે દોઢ કલાકની મુલાકાત












