ટ્રેન્ડિંગનેશનલમીડિયા

અમિત શાહની દિલ્હી પોલીસ સાથે બેઠક! ડ્રગ્સ તસ્કરી અને સંગઠિત ગુનાઓ સામે કાર્યવાહીના આદેશ

Amit Shah Meeting:  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે દિલ્હી પોલીસ મુખ્યાલય ખાતે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (LG), પોલીસ કમિશનર સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આશરે સાડા ત્રણ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં સંગઠિત ગુનાઓ, ડ્રગ્સની હેરાફેરી, હથિયારોની દાણચોરી અને કાયદો-વ્યવસ્થાને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ગૃહમંત્રીએ ગુનાખોરી સામે કડક કાર્યવાહી કરવા અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના નિર્દેશ આપ્યા હતા.

સંગઠિત ગુનાઓ અને ડ્રગ્સ તસ્કરી સામે કડક કાર્યવાહી

સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં અમિત શાહે પોલીસના વરિષ્ઠ અધિકારીઓને સંગઠિત ગુનાઓ, નશીલા પદાર્થોની તસ્કરી, હથિયારોની ગેરકાયદેસર સપ્લાય અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ સામે અસરકારક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તેમણે પોલીસ અધિકારીઓને આવા ગુનાઓનો સામનો કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરવા પણ સૂચના આપી હતી. આ ઉપરાંત, દિલ્હી અને નેશનલ કેપિટલ રિજન (NCR) આસપાસના શહેરોની પોલીસ વચ્ચે વધુ સારો સંકલન સ્થાપિત કરવા પર ભાર મૂક્યો હતો. બેઠકમાં કાયદો-વ્યવસ્થા મજબૂત બનાવવા, પોલીસિંગની વ્યૂહરચનામાં સુધારો કરવા અને ગુનાહિત નેટવર્ક સામે અસરકારક કાર્યવાહી કરવાની પદ્ધતિ વિકસાવવા અંગે પણ ચર્ચા થઈ હતી.

છઠ્ઠ પૂજા માટે સુરક્ષા અને ભીડ વ્યવસ્થાની સમીક્ષા

છઠ્ઠ પૂજાના તહેવારને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રીએ દિલ્હીમાં સુરક્ષા અને ભીડ વ્યવસ્થાપનની તૈયારીઓની પણ સમીક્ષા કરી હતી. આ ઉત્સવ 16 નવેમ્બર સુધી ચાલશે. રાજધાનીમાં 1,400થી વધુ નિર્ધારિત ઘાટ પર લાખો શ્રદ્ધાળુઓ પહોંચવાની સંભાવના છે. આવી સ્થિતિમાં પૂરતા પોલીસ કર્મચારીઓની તૈનાતી, ભીડ નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થા જાળવવી પોલીસ માટે મુખ્ય પ્રાથમિકતા રહેશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

24 ઓક્ટોબરે પણ યોજાઈ હતી સુરક્ષા સમીક્ષા બેઠક

ઉલ્લેખનીય છે કે અમિત શાહે 24 ઓક્ટોબરે પણ દિલ્હી પોલીસ મુખ્યાલય ખાતે સુરક્ષા સમીક્ષા બેઠક યોજી હતી. તે સમયે ડ્રગ્સની તસ્કરી, સંગઠિત ગુનાઓ, ટ્રાફિક જામ અને મહિલાઓની સુરક્ષા મજબૂત બનાવવાના ઉપાયો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગુરુવારે યોજાયેલી બેઠકમાં અગાઉના નિર્ણયોની સમીક્ષા સાથે ગુનાખોરી અને સુરક્ષા પડકારો સામે વધુ અસરકારક પગલાં લેવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Microsoft Outlook અને Microsoft 365ના સર્વર ઠપ, વિશ્વભરના યુઝર્સને લૉગિનમાં મુશ્કેલી

Back to top button