PM મોદીએ શેર કર્યો ચાણક્ય નીતિનો શ્લોક, જીવનની પાંચ મહત્વપૂર્ણ બાબતો સમજાવી

Chanakya Niti Shlok : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ચાણક્ય નીતિનો એક સંસ્કૃત શ્લોક શેર કર્યો છે. આ શ્લોકના માધ્યમથી તેમણે જીવનમાં ધર્મ, ધન, અનાજ, ગુરુની શીખ અને દવાઓનું મહત્વ સમજાવ્યું છે. ચાણક્ય નીતિમાં જણાવેલી આ વાતો આજના સમયમાં પણ એટલી જ ઉપયોગી છે. શ્લોકમાં આ પાંચ બાબતો માત્ર જીવનમાં હોવી જ નહીં, પરંતુ તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો પણ જરૂરી હોવાનું જણાવાયું છે.
શું છે PM મોદીએ શેર કરેલા શ્લોકનો અર્થ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર ચાણક્ય નીતિનો નીચેનો સંસ્કૃત શ્લોક શેર કર્યો છે.
‘ધર્મં ધનં ચ ધાન્યં ચ ગુરોર્વચનમૌષધમ્। સુગૃહીતં ચ કર્તવ્યમન્યથા તુ ન જીવતિ॥’
આ શ્લોકનો સરળ અર્થ એવો થાય છે કે ધર્મ, ધન, અનાજ, ગુરુનાં વચનો અને ઔષધિ એટલે કે દવાઓનો યોગ્ય રીતે સ્વીકાર અને ઉપયોગ કરવો જોઈએ. આ પાંચ બાબતો જીવન માટે ખૂબ જ જરૂરી છે. પરંતુ તેનો યોગ્ય ઉપયોગ ન કરવામાં આવે તો તેનો પૂરો લાભ મળી શકતો નથી.
ચાણક્ય નીતિના 14મા અધ્યાયનો છે શ્લોક
વડાપ્રધાન દ્વારા શેર કરવામાં આવેલો આ શ્લોક આચાર્ય ચાણક્યની પ્રસિદ્ધ રચના ‘ચાણક્ય નીતિ’ના 14મા અધ્યાયના 19મા શ્લોકમાંથી લેવામાં આવ્યો છે. તેમાં જીવનને સુખી, સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવા માટે પાંચ મહત્વપૂર્ણ બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે. ચાણક્યના મતે વ્યક્તિના જીવનમાં નૈતિકતા, આર્થિક સદ્ધરતા, ભોજન, યોગ્ય માર્ગદર્શન અને સ્વાસ્થ્યનું વિશેષ મહત્વ છે. આ પાંચેય બાબતોનું યોગ્ય સંતુલન જાળવવું જરૂરી છે.
ધર્મ એટલે માત્ર પૂજા નહીં, સારા કર્મો પણ જરૂરી
શ્લોકમાં ધર્મનો અર્થ માત્ર પૂજા-પાઠ પૂરતો સીમિત નથી. તેમાં સત્યના માર્ગે ચાલવું, સારા કર્મો કરવા, નૈતિકતાનું પાલન કરવું અને પોતાની જવાબદારીઓ નિભાવવી પણ સામેલ છે. ચાણક્યના મતે વ્યક્તિએ જીવનમાં હંમેશાં સદાચારને પ્રાથમિકતા આપવી જોઈએ. સારા કર્મો અને યોગ્ય આચરણથી જ વ્યક્તિનું જીવન સાર્થક બને છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ધન અને અનાજનો સંગ્રહ મુશ્કેલ સમયમાં આવે છે કામ
ચાણક્ય નીતિમાં ધનની સાથે અનાજના મહત્વ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. વ્યક્તિએ મહેનત અને ઈમાનદારીથી ધન કમાવવું જોઈએ અને તેનો ઉપયોગ પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે કરવો જોઈએ. સાથે જ ભવિષ્યમાં આવી શકે તેવી મુશ્કેલીઓ માટે નાણાંની બચત પણ જરૂરી છે. આ ઉપરાંત અનાજનો પૂરતો સંગ્રહ હોવો પણ એટલો જ મહત્વપૂર્ણ છે. ભોજન દરેક વ્યક્તિની મૂળભૂત જરૂરિયાત છે. મુશ્કેલ સમયમાં પરિવારને ખોરાકની અછત ન પડે તે માટે અગાઉથી આયોજન કરવું જોઈએ.
ગુરુની શીખ અને દવાઓનો યોગ્ય ઉપયોગ પણ જરૂરી
આચાર્ય ચાણક્યએ ગુરુનાં વચનોને પણ જીવનની મહત્વપૂર્ણ બાબતોમાં સ્થાન આપ્યું છે. ગુરુ કે માર્ગદર્શક પાસેથી મળેલી સારી સલાહ માત્ર સાંભળવા પૂરતી નથી, પરંતુ તેને જીવનમાં ઉતારવી પણ જરૂરી છે. યોગ્ય માર્ગદર્શન વ્યક્તિને મુશ્કેલ પરિસ્થિતિમાં સાચો નિર્ણય લેવામાં મદદરૂપ બને છે. આ સાથે શ્લોકમાં ઔષધિ એટલે કે દવાઓના યોગ્ય ઉપયોગનું પણ મહત્વ સમજાવવામાં આવ્યું છે. બીમારીના સમયે યોગ્ય દવા અને સમયસર સારવાર લેવી જરૂરી છે. દવાઓનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો જ તેનો લાભ મળી શકે છે.












