કાશ્મીરમાં ફરી આતંક ફેલાવવાનું ષડયંત્ર? ફાયરિંગ પાછળ લશ્કરનો કમાન્ડર હોવાની આશંકા

CRPF Checkpost Firing : જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં CRPFની ચોકી પર થયેલા ફાયરિંગ બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. 11 નવેમ્બરે અખરન વિસ્તારમાં બનેલી આ ઘટનામાં આતંકવાદી સંગઠનોની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી લતીફ ભટની ભૂમિકા સહિત અનેક પાસાંઓની તપાસ કરી રહી છે. જોકે, આ હુમલામાં તેની સંડોવણીની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી.
CRPFના સફળ ઓપરેશનથી આતંકી સંગઠનોમાં ફફડાટ?
સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે આ હુમલા પાછળ સરહદ પારથી કાર્યરત આતંકવાદી સંગઠનોનો હાથ હોઈ શકે છે. CRPF અને અન્ય સુરક્ષા દળોની સફળ કાર્યવાહીથી નારાજ આતંકી જૂથો કાશ્મીરમાં ફરી ભયનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યાં હોવાની શક્યતા તપાસવામાં આવી રહી છે. એજન્સીઓ આ હુમલાને અગાઉની આતંકવાદી ઘટનાઓ સાથે જોડીને પણ તપાસ કરી રહી છે. ખાસ કરીને સ્થાનિક આતંકવાદી નેટવર્ક અને સરહદ પારથી મળતી મદદ અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
કોણ છે લશ્કરનો આતંકવાદી લતીફ ભટ?
સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, કુલગામનો રહેવાસી 22 વર્ષીય મોહમ્મદ લતીફ ભટ લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba) સાથે જોડાયેલો સ્થાનિક કમાન્ડર હોવાનું માનવામાં આવે છે. તે સંગઠનના મુખવટા સંગઠનો ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) અને કાશ્મીર રિવોલ્યુશનરી આર્મી (KRA) સાથે પણ જોડાયેલો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આ પહેલાં 22 જુલાઈ, 2026ના રોજ અનંતનાગના વ્યસ્ત લાલ ચોક વિસ્તારમાં પોલીસકર્મી અશિક હુસૈન કુરૈશીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસની તપાસ દરમિયાન સામે આવેલા CCTV ફૂટેજના આધારે પોલીસને લતીફની ઓળખ મળી હતી.
ત્યારબાદ 31 જુલાઈએ કુલગામ જિલ્લાના કેલમ વિસ્તારમાં ઈંટના ભઠ્ઠા પર કામ કરતા છત્તીસગઢના બે પરપ્રાંતીય શ્રમિકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસની તપાસમાં પણ લતીફનું નામ સામે આવ્યું હતું.
CRPF ચોકી પરના હુમલાની તપાસ હવે NIA કરશે
કુલગામમાં CRPFની ચેકપોસ્ટ પર થયેલા હુમલાની તપાસ હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) પણ કરશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, NIAની ટીમ ઘટનાસ્થળની મુલાકાત લેશે અને જરૂરી ફોરેન્સિક પુરાવા એકત્રિત કરશે. ટીમ ઘટનાસ્થળેથી ફોરેન્સિક નમૂનાઓ અને અન્ય મહત્વપૂર્ણ પુરાવા મેળવી શકે છે. આ તપાસ દ્વારા હુમલા પાછળના લોકો અને તેમના નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે.
કિશ્તવાડ આતંકવાદ વિરોધી અભિયાનનું મહત્વનું કેન્દ્ર
બીજી તરફ, જમ્મુ-કાશ્મીરનો કિશ્તવાડ વિસ્તાર લાંબા સમયથી સુરક્ષા દળોના આતંકવાદ વિરોધી અભિયાનનું મહત્વનું કેન્દ્ર રહ્યો છે. અહીંના દુર્ગમ જંગલો અને પહાડી વિસ્તારોમાં છુપાયેલા આતંકવાદીઓને શોધવા માટે સેનાની સાથે અન્ય સુરક્ષા દળો સતત કાર્યવાહી કરી રહ્યાં છે. જમ્મુથી આશરે 200 કિલોમીટર દૂર આવેલા કિશ્તવાડમાં સુરક્ષા દળોના સક્રિય ઓપરેશન દરમિયાન અગાઉ અનેક આતંકવાદીઓ માર્યા ગયા છે. કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે આ વિસ્તારમાં પણ સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો : નેપાળ : પેસેન્જર EV 500 મીટર ખાણમાં પડી, 14 લોકોના મોત, 6 ઘાયલ












