ગુજરાત

ગળામાં સળિયો આરપાર છતાં બચ્યો જીવ: સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોની ટીમે માસૂમને આપ્યું નવું આયુષ્ય

Surat Madrasa Accident: સુરત શહેરના ઊન વિસ્તારમાંથી એક હૃદયકંપાવનારી અને ચમત્કારિક ઘટના સામે આવી છે. અહીં આવેલી એક મદરેસાના ત્રીજા માળેથી લપસીને નીચે પટકાયેલા 11 વર્ષના માસૂમ બાળકના ગળા અને મોંમાંથી લોખંડનો સળિયો આરપાર નીકળી ગયો હતો. અત્યંત નાજુક અને ગંભીર સ્થિતિમાં બાળકને ગળામાં સળિયા સાથે જ સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડૉક્ટરોની નિષ્ણાત ટીમે આશરે 3 કલાક લાંબી અને જટિલ સર્જરી પાર પાડીને બાળકના શરીરમાંથી સળિયો સફળતાપૂર્વક બહાર કાઢી તેને નવજીવન આપ્યું છે.

વરસાદી પાણીમાં પગ લપસતાં બની ભયાનક દુર્ઘટના

સુરતના ઊન વિસ્તારમાં આવેલા તિરુપતિ નગર નજીક મહેમૂદિયા મદરેસામાં અભ્યાસ કરતો 11 વર્ષીય નાવીદ ઉર્ફે નાઝિશ મોહમ્મદ મંગળવારે, 25 ઓગસ્ટના રોજ મદરેસાની છત પર રમી રહ્યો હતો. મદરેસાની બાજુમાં જ એક નવા મકાનનું કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું હતું. વરસાદને કારણે છત પર પાણી ભરાયેલું હોવાથી રમતાં રમતાં અચાનક નાઝિશનો પગ લપસી ગયો હતો અને તે સીધો ત્રીજા માળેથી નીચે બાંધકામ સાઈટ પર પટકાયો હતો. નીચે પટકાતાં જ કન્સ્ટ્રક્શન માટે ઊભા કરાયેલા પિલરનો એક તીક્ષ્ણ લોખંડનો સળિયો બાળકના ગળાના પાછળના ભાગમાંથી ઘૂસીને મોં વાટે આરપાર નીકળી ગયો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સ્થાનિકોએ સાવચેતીપૂર્વક સળિયો કાપી બાળકને હોસ્પિટલ પહોંચાડ્યો

દુર્ઘટના સર્જાતાં જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બાળકના ગળામાંથી સળિયો આરપાર નીકળેલો જોઈને સૌકોઈના હોશ ઊડી ગયા હતા. જોકે, સ્થાનિક લોકોએ ધીરજ ગુમાવ્યા વિના અત્યંત સાવચેતીપૂર્વક કટર વડે લોખંડના સળિયાને કાપીને બાળકને પિલરથી અલગ કર્યો હતો. ત્યારબાદ વિલંબ કર્યા વગર 108 એમ્બ્યુલન્સ મારફતે બાળકને ગળામાં ફસાયેલા સળિયા સાથે જ નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે ખસેડાયો હતો. જ્યાં ઈમરજન્સી મેડિકલ સ્ટાફે સ્થિતિની ગંભીરતા જોઈને તરત જ યુદ્ધના ધોરણે સારવાર શરુ કરી હતી.

ડૉક્ટરો માટે સૌથી મોટો પડકાર

સુરત સિવિલ હોસ્પિટલના સર્જરી યુનિટ હેડ ડૉ. દિવ્યાંગ દવેના જણાવ્યા અનુસાર, બાળકને લાવતાં જ કેઝ્યુઅલ્ટીમાં પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક સીટી સ્કેન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ દર્દીને સીધો ઓપરેશન થિયેટરમાં ખસેડાયો હતો. ડૉક્ટરો માટે સૌથી મોટો પડકાર એ હતો કે બાળકના મોંમાં સળિયો હોવાના કારણે એનેસ્થેસિયાની ટ્યુબ દાખલ કરવી અત્યંત મુશ્કેલ હતી. પરંતુ એનેસ્થેસિયાની ટીમે ભારે સૂઝબૂઝથી આ જટિલ કામગીરી સફળતાપૂર્વક પાર પાડી હતી. ડૉક્ટરોએ જણાવ્યું કે જો સહેજ પણ બેદરકારી થઈ હોત કે વધારે રક્તસ્ત્રાવ થયો હોત તો બાળકનો જીવ જઈ શકત.

3 કલાક ચાલેલું ઓપરેશન સફળ

નિષ્ણાત ડૉક્ટરોની ટીમે બે થી ત્રણ કલાક સુધી સતત જટિલ સર્જરી કરીને બાળકના ગળા અને મોંમાંથી લોખંડનો સળિયો સુરક્ષિત રીતે બહાર કાઢી લીધો હતો. ઓપરેશન સફળ રહ્યા બાદ હાલ બાળકને આઈસીયુ (ICU) વોર્ડમાં વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યો છે અને તેની સ્થિતિ હાલ સ્થિર જણાવાઈ રહી છે. તબિયત સંપૂર્ણ સ્થિર થયા બાદ તેને સામાન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

“બચવાના 20% પણ ચાન્સ નહોતા લાગતા”

નાઝિશનો પરિવાર અત્યંત ગરીબ હોવાથી અને ગામડે શિક્ષણનો ખર્ચ ઉઠાવી શકે તેમ ન હોવાથી તેના મામા સદરે આલમ તેને ભણાવવા માટે સુરત લાવ્યા હતા. બાળકના મામાએ ભાવુક થઈને જણાવ્યું કે, “જ્યારે મદરેસામાંથી ફોન આવ્યો અને અમે આ સ્થિતિ જોઈ ત્યારે ગભરાઈ ગયા હતા. બાળકને જોઈને એવું લાગતું હતું કે તેના બચવાના 20% પણ ચાન્સ નથી. પરંતુ સિવિલના ડૉક્ટરોએ બહુ સારું કામ કરીને મારા ભાણેજનો જીવ બચાવી લીધો છે.” ડૉક્ટરોએ પરિવારને સાંત્વના આપીને બેફિકર રહેવા જણાવ્યું છે.

આ પણ વાંચો: ભાજપના નેતાની પુત્રવધુનો આપઘાત, આંતરવસ્ત્રોમાંથી મળી સુસાઈડ નોટ

Back to top button