Junagadh: રિક્ષાને નડ્યો અકસ્માત 5 વર્ષના માસૂમનું કરુણ મોત

Junagadh Accident News: જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ભંડૂરી ગામ પાસે એક કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો છે. દીકરીને તેના સાસરે વળાવવા જઈ રહેલા એક પરિવારની રિક્ષાને અકસ્માત નડતા 5 વર્ષના માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ કરુણ ઘટનાને પગલે આજોઠા ગામના આ પરિવારમાં છવાયેલો ખુશીનો માહોલ પળવારમાં માતમમાં ફેરવાઈ ગયો છે.
રખડતા પશુએ છીનવ્યો ઘરનો ચિરાગ
મળતી વિગતો અનુસાર, આજોઠા ગામનો આ પરિવાર પોતાની લાડકવાઈ દીકરીને સાસરે મૂકવા માટે રિક્ષામાં જઈ રહ્યો હતો. રિક્ષા જ્યારે ભંડૂરી ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક રસ્તા પર એક આખલો (ધણખૂટ) આડો ઉતર્યો હતો. હાઈવે પર અચાનક પશુ આવી જતાં રિક્ષા ચાલકે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ પ્રયાસમાં રિક્ષા પરથી કાબૂ ગુમાવતા રિક્ષા જોરદાર ફંગોળાઈને પલ્ટી મારી ગઈ હતી.
ઘટનાસ્થળે જ માસૂમનું મોત
આ અકસ્માત એટલો ભયાનક હતો કે રિક્ષામાં સવાર 5 વર્ષના બાળકને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. રિક્ષામાં સવાર અન્ય સભ્યોને પણ નાની-મોટી ઇજાઓ થઈ હતી, જેમને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે કેશોદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું.
તંત્ર સામે રોષ અને પોલીસ તપાસ
ઘટનાની જાણ થતા જ માળિયા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાઈવે પર રખડતા ઢોરના વધતા ત્રાસને કારણે એક માસૂમ બાળકે જીવ ગુમાવ્યો હોવાથી સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ પણ વાંચો: Ahmedabad: નારણપુરામાં 7 વર્ષના માસૂમ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય












