રખડતાં શ્વાન અને ઢોરના અકસ્માતો મુદ્દે હાઈકોર્ટની ટકોર, NHAI પાસે માગ્યો જવાબ

Ahmedabad High Court: ગુજરાતમાં રખડતાં શ્વાન અને હાઈવે પર રખડતાં ઢોરને કારણે સર્જાતા અકસ્માતોનો મુદ્દો ફરી હાઈકોર્ટમાં ચર્ચાયો છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશોને પગલે રખડતાં શ્વાન અંગે ચાલી રહેલી સુઓમોટો કાર્યવાહી દરમિયાન હાઈકોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ને હાઈવે પર ઢોરને કારણે થતા અકસ્માતો અટકાવવા માટે લેવાયેલાં પગલાં અંગે સવાલો કર્યા હતા. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આવી દુર્ઘટનાઓ રોકવા માટે માત્ર ડિવાઇડર ઊંચા કરવા જેવા ઉપાય પૂરતા નથી, પરંતુ નક્કર ઉકેલ શોધવો જરૂરી છે.
સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવા માટે અધૂરી વિગતો પૂરી કરવા સૂચના
આ કેસની સુનાવણી એક્ટિંગ ચીફ જસ્ટિસ માનસ રંજન પાઠક અને જસ્ટિસ નિખિલ કરિઅલની ખંડપીઠ સમક્ષ થઈ હતી. સુનાવણી દરમિયાન રજૂઆત કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે સંબંધિત સત્તાધિકારીઓ કાર્યવાહી કરી રહ્યા છે અને જરૂરી માહિતી એકત્ર કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવી રહી છે. જોકે, રેકર્ડમાં કેટલીક વિગતો ખૂટતી હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી હતી. સરકાર તરફથી જણાવાયું હતું કે સંબંધિત ઓથોરિટીએ જરૂરી માહિતી કોર્ટ સમક્ષ મૂકી દીધી છે. તેમ છતાં, જરૂર પડે તો નવેસરથી વિગતો રજૂ કરવાની તૈયારી દર્શાવવામાં આવી હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે કોર્ટ મિત્ર સાથે સંકલન કરીને રેકર્ડમાં ખૂટતી વિગતો પૂરી કરવા સૂચના આપી હતી, જેથી સુપ્રીમ કોર્ટ સમક્ષ રાજ્યનો પક્ષ યોગ્ય રીતે રજૂ કરી શકાય.
હાઈવે પર ઢોરને કારણે થતા અકસ્માતો અંગે ચિંતા
સુનાવણી દરમિયાન જસ્ટિસ નિખિલ કરિઅલે હાઈવે પર રખડતાં ઢોરને કારણે સર્જાતા અકસ્માતોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તાજેતરમાં રખડતાં ઢોરને કારણે લક્ઝરી કાર સાથે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાની ઘટનાનો ઉલ્લેખ કરતાં કોર્ટે આવા અકસ્માતો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે NHAIને સવાલ કર્યો હતો કે હાઈવે પર અચાનક સામે આવી જતાં ઢોરને કારણે થતા અકસ્માતો રોકવા માટે શું પગલાં લેવામાં આવી રહ્યાં છે. ગુજરાતના હાઈવે સારી સ્થિતિમાં હોવાથી વાહનો ઘણીવાર 100થી 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતાં હોય છે. આવી સ્થિતિમાં અચાનક કોઈ જાનવર સામે આવી જાય તો ગંભીર અકસ્માત સર્જાવાની અને જીવ ગુમાવવાની શક્યતા વધી જાય છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
‘ડિવાઇડર ઊંચા કરશો તો પણ કૂતરાં કૂદીને આવી જશે’
હાઈવેના ડિવાઇડર ઊંચા કરવાનો વિકલ્પ રજૂ કરવામાં આવ્યો ત્યારે હાઈકોર્ટે ટકોર કરી હતી કે ડિવાઇડર ઊંચા કરી દેવાથી પણ સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ નહીં આવે, કારણ કે કૂતરાં કૂદીને હાઈવે પર આવી શકે છે. કોર્ટે આ મુદ્દે ગંભીરતાથી વિચાર કરીને અસરકારક અને વ્યવહારુ ઉકેલ લાવવા પર ભાર મૂક્યો હતો. હવે રખડતાં શ્વાન અંગેની કાર્યવાહી સાથે હાઈવે પર રખડતાં ઢોરને કારણે થતા અકસ્માતો અટકાવવા માટે સંબંધિત સત્તાધિકારીઓ શું પગલાં લે છે તે મહત્ત્વનું રહેશે. કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો : ભારત સારા સંબંધો ઇચ્છે છે, પરંતુ આતંકવાદ સહન નહીં કરે: એસ. જયશંકર












