વિશ્વના 64 દેશોમાં ઘટી રહી છે વસ્તી, ભારત સહિત દુનિયા માટે સંદેશ

Population Decline : એક સમય હતો જ્યારે દુનિયાભરમાં ઝડપથી વધી રહેલી વસ્તી (Population Growth)ને સૌથી મોટી ચિંતાઓમાંની એક માનવામાં આવતી હતી. વધતી વસ્તી સામે સંસાધનોની અછત કેવી રીતે ઊભી થશે તેની ચર્ચા થતી હતી. પરંતુ હવે વૈશ્વિક વસ્તીનું ચિત્ર ધીમે ધીમે બદલાઈ રહ્યું છે. દુનિયાના 64 દેશો અને વિસ્તારો એવા છે, જ્યાં વસ્તી પોતાના સર્વોચ્ચ સ્તર (Peak Population)ને પાર કરી ચૂકી છે અને હવે તેમાં ઘટાડો શરૂ થયો છે.
આ સ્થિતિ માત્ર નાના દેશો પૂરતી મર્યાદિત નથી. ચીન જેવી મોટી અર્થવ્યવસ્થા પણ આ બદલાવનો સામનો કરી રહી છે. જાપાન, દક્ષિણ કોરિયા અને થાઈલેન્ડ સહિતના અનેક એશિયન દેશોમાં જન્મદર (Birth Rate) સતત નીચે જઈ રહ્યો છે.
ચીન સહિત અનેક દેશોમાં વસ્તી ઘટતી થઈ
પૂર્વ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં ચીન, હોંગકોંગ, તાઈવાન, જાપાન, દક્ષિણ કોરિયા અને થાઈલેન્ડ વસ્તી ઘટાડાના તબક્કામાં પહોંચી ચૂક્યા છે.
યુરોપમાં પણ ઈટાલી, જર્મની, સ્પેન, પોલેન્ડ, યુક્રેન, રશિયા અને ઓસ્ટ્રિયા જેવા દેશોમાં (Population Decline) જોવા મળી રહ્યો છે. કેરેબિયન અને લેટિન અમેરિકાના કેટલાક દેશો તથા પ્રદેશો પણ આ યાદીમાં સામેલ છે.
યુરોપ અને જાપાન આ પરિવર્તનના તબક્કામાં એક દાયકાથી વધુ સમય પહેલાં પ્રવેશી ચૂક્યા હતા. જાપાનમાં અનેક વિસ્તારોમાં બાળકોની સંખ્યા ઘટતાં શાળાઓ બંધ થવાની સ્થિતિ સર્જાઈ છે. પૂર્વ યુરોપના કેટલાક દેશોમાં ઓછો જન્મદર ઉપરાંત યુવાનોનું વિદેશમાં સ્થળાંતર (Migration) પણ વસ્તી ઘટાડવાનું મોટું કારણ બન્યું છે.
2.1થી નીચેનો ફર્ટિલિટી રેટ ચિંતાજનક
વસ્તીને લાંબા ગાળે સ્થિર રાખવા માટે સામાન્ય રીતે એક મહિલા દીઠ સરેરાશ 2.1 બાળકોનો ફર્ટિલિટી રેટ (Fertility Rate) જરૂરી માનવામાં આવે છે. પરંતુ દુનિયાની અડધાથી વધુ વસ્તી હવે એવા દેશોમાં રહે છે, જ્યાં આ દર 2.1થી નીચે પહોંચી ગયો છે.
શહેરીકરણ (Urbanization), મોંઘવારી, મકાનના વધતા ખર્ચ, શિક્ષણ અને બાળકોના ઉછેરનો ખર્ચ પણ દંપતીઓના નિર્ણયોને અસર કરી રહ્યા છે. બીજી તરફ મહિલાઓમાં શિક્ષણ અને રોજગારની તકો વધવાથી લગ્ન તથા માતૃત્વની ઉંમર પણ પાછળ ધકેલાઈ રહી છે.
આ તમામ સામાજિક અને આર્થિક પરિવર્તનોની સીધી અસર હવે વસ્તીના આંકડાઓમાં જોવા મળી રહી છે.
ભારત માટે પણ મહત્વનો સંદેશ
હાલ ભારત દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે, પરંતુ વૈશ્વિક અંદાજો મુજબ ભારતની વસ્તી પણ આગામી દાયકાઓમાં તેના સર્વોચ્ચ સ્તરે પહોંચશે.
અંદાજ મુજબ 2060ના દાયકામાં ભારતની વસ્તી આશરે 170 કરોડ સુધી પહોંચી શકે છે. ત્યારબાદ ભારતમાં પણ વસ્તી ઘટાડાનો તબક્કો શરૂ થવાની શક્યતા છે.
વિશ્વની કુલ વસ્તી અંગેના અંદાજો દર્શાવે છે કે વૈશ્વિક વસ્તી (Global Population) પણ સદીના મધ્ય બાદ ધીમે ધીમે સ્થિર થવાની દિશામાં આગળ વધી રહી છે અને લગભગ 2084ની આસપાસ 10.3 અબજના સ્તરે વૈશ્વિક પીક જોવા મળી શકે છે.
અમેરિકા કેમ અલગ છે?
ઓછો જન્મદર હોવા છતાં અમેરિકાની વસ્તીમાં હાલ તાત્કાલિક ઘટાડો થતો નથી. તેનું એક મોટું કારણ ઈમિગ્રેશન (Immigration) છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
વિદેશમાંથી યુવાનો અને કુશળ કામદારોનું આગમન અમેરિકાની વસ્તી અને વર્કફોર્સ (Workforce)ને મજબૂત રાખવામાં મદદ કરે છે. આથી ભવિષ્યમાં ઈમિગ્રેશન નીતિ પણ અનેક દેશોની અર્થવ્યવસ્થા માટે મહત્વની બની શકે છે.
ઘટતી વસ્તીથી કયા પડકારો ઊભા થશે?
વસ્તી ઘટવાની સાથે સૌથી મોટો પડકાર કામકાજની ઉંમરના લોકોની સંખ્યા ઘટવાનો રહેશે. કંપનીઓને કર્મચારીઓની અછતનો સામનો કરવો પડી શકે છે અને રોબોટિક્સ (Robotics), ઓટોમેશન (Automation) તથા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ વધવાની શક્યતા છે.
બીજી તરફ વૃદ્ધોની સંખ્યા વધશે. પેન્શન (Pension), આરોગ્યસંભાળ (Healthcare) અને સામાજિક સુરક્ષા પર સરકારોનો ખર્ચ વધી શકે છે, જ્યારે ટેક્સ ભરનારા યુવાનોની સંખ્યા ઘટી શકે છે.
ભારત અને આફ્રિકા માટે આગામી 20-30 વર્ષ મહત્વપૂર્ણ
ભારત અને આફ્રિકાના અનેક દેશો પાસે હજુ યુવા વસ્તી (Young Population)નો મોટો લાભ છે. તેને ડેમોગ્રાફિક ડિવિડન્ડ (Demographic Dividend) કહેવામાં આવે છે.
પરંતુ આ યુવા વસ્તીને યોગ્ય શિક્ષણ (Education), કૌશલ્ય (Skills) અને રોજગાર (Employment) ન મળે તો આ તક ભવિષ્યમાં પડકાર બની શકે છે.
વિશ્વમાં બદલાતી વસ્તીનું આ ચિત્ર સ્પષ્ટ સંકેત આપે છે કે 21મી સદીમાં પડકાર માત્ર વધતી વસ્તીને નિયંત્રિત કરવાનો નહીં, પરંતુ ઘટતી અને વૃદ્ધ થતી વસ્તી (Aging Population) સાથે અર્થવ્યવસ્થા અને સમાજને કેવી રીતે અનુકૂળ બનાવવો તેનો પણ રહેશે.
આ પણ વાંચો : ઝારખંડના મંત્રી સુદિવ્ય કુમાર સોનુનું અચાનક નિધન, હાર્ટ એટેકથી થયું મોત












