સ્પામ કોલ્સ અને મેસેજ મોકલનારાઓ પર TRAI ની લાલ આંખ: 3 મહિનામાં 1.24 લાખથી વધુ ટેલિકોમ કનેક્શન પર તવાઈ

Trai Cracks Down On Spam Calls: દેશભરમાં અજાણ્યા સ્પામ કોલ્સ અને વારંવાર આવતા પ્રમોશનલ મેસેજથી ત્રાહિમામ પોકારી ઉઠેલા મોબાઈલ ગ્રાહકોને રાહત આપવા માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ કડક કાર્યવાહી હાથ ધરી છે. નાણાકીય વર્ષ 2026-27 ના બીજા ક્વાર્ટર એટલે કે જુલાઈથી સપ્ટેમ્બર, 2026 ના સમયગાળા દરમિયાન અનસોલિસિટેડ કોમર્શિયલ કોમ્યુનિકેશન (UCC) નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 1.24 લાખથી વધુ ટેલિકોમ કનેક્શન અને સંસાધનો સામે સખત પગલાં લેવામાં આવ્યા છે. આ ઉપરાંત, નિયમો નેવે મૂકનાર 374 એન્ટિટીઓને 1 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી છે, જેથી તેઓ આ સમયગાળા દરમિયાન કોઈ નવા ટેલિકોમ સંસાધનો મેળવી શકશે નહીં.
1.24 લાખથી વધુ નંબરો પર સખત કાર્યવાહી
TRAI દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર અહેવાલ મુજબ, પ્રથમ વખત સ્પામ નિયમોનું ઉલ્લંઘન કરનારા 110,325 ટેલિકોમ કનેક્શનની આઉટગોઇંગ સેવાઓ 15 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. જ્યારે વારંવાર ચેતવણી છતાં નિયમોનું ઉલ્લંઘન કરનારા 13,777 કનેક્શનને 1 વર્ષ માટે કાયમી ધોરણે ડિસ્કનેક્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે જ 3,725 SMS હેડર્સ પણ બ્લોક કરી દેવામાં આવ્યા છે, જેનાથી ગેરકાયદેસર પ્રમોશનલ મેસેજ પર મોટો અંકુશ આવ્યો છે.
3 મહિનામાં 15.29 લાખ સ્પામ ફરિયાદો મળી
અહેવાલમાં જણાવાયું છે કે જુલાઈથી સપ્ટેમ્બર, 2026 ના 3 મહિનાના ગાળામાં TRAI ને અનિચ્છનીય કોમર્શિયલ કોલ્સ અને મેસેજ અંગે કુલ 15.29 લાખ ફરિયાદો પ્રાપ્ત થઈ હતી, જેમાંથી 7.23 લાખ ફરિયાદોને કાર્યવાહીપાત્ર ગણીને પગલાં લેવાયા હતા. નોંધપાત્ર છે કે આ સમયગાળા દરમિયાન દેશના ટેલિકોમ નેટવર્ક્સ પરથી 714.01 બિલિયન કોલ્સ અને 702.28 બિલિયન SMS મોકલવામાં આવ્યા હતા, જે મુજબ દર 10 લાખ આઉટગોઇંગ કોલ્સ સામે આશરે 2.14 સ્પામ ફરિયાદો નોંધાઈ છે.
AI ટેક્નોલોજી બની સ્પામ સામેનું હથિયાર
સ્પામરોને નાથવા માટે ટેલિકોમ કંપનીઓ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત અત્યાધુનિક સિસ્ટમનો ઉપયોગ કરી રહી છે. TRAI ના મતે, બીજા ક્વાર્ટરમાં AI સિસ્ટમોએ 19.9 અબજ શંકાસ્પદ કોલ્સ અને સંદેશાઓને સફળતાપૂર્વક ઓળખી કાઢ્યા હતા, જેમાં 18.28 અબજ કોલ્સ અને 1.62 અબજ SMS નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, શંકાસ્પદ સંસ્થાઓને 45.9 મિલિયનથી વધુ ચેતવણી સૂચનાઓ અપાઈ હતી અને 34,025 શંકાસ્પદ મોકલનારાઓનું ઇ-કેવાયસી (e-KYC) વેરિફિકેશન કરાયું હતું, જેમાંથી કેવાયસી નિષ્ફળ જતાં 9,977 નંબરો ડિસ્કનેક્ટ કરાયા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
92.9% ફરિયાદો TRAI DND એપ પર નોંધાઈ
સ્પામ સામે ફરિયાદ નોંધાવવા માટે ગ્રાહકોમાં ‘TRAI DND’ એપ સૌથી વધુ લોકપ્રિય બની છે. કુલ ફરિયાદોમાંથી 14.21 લાખ એટલે કે 92.9% ફરિયાદો આ એપ દ્વારા જ મળી હતી, અને 30 સપ્ટેમ્બર, 2026 સુધીમાં આ એપ 42.36 લાખ વખત ડાઉનલોડ થઈ ચૂકી છે. ગ્રાહકોમાં જાગૃતિ લાવવા માટે TRAI એ રેડિયો, ટીવી, અખબારો અને સોશિયલ મીડિયા પર ઝુંબેશ ચલાવવાની સાથે 322 જાગૃતિ કાર્યક્રમો યોજ્યા હતા, જેમાં 31,000 લોકો જોડાયા હતા, તેમજ ગ્રાહકોને 3 અબજથી વધુ જાગૃતિ SMS મોકલવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: 2.5 વર્ષથી ગૂમ મહિલાને Google અને ChatGPTએ તેના પરિવાર સાથે મિલાવી, આ રીતે થયો ચમત્કાર












