ગુજરાત

અમદાવાદના 4,500 શિક્ષકો મહેનતાણાથી વંચિત: વસ્તી ગણતરીની કામગીરીના ₹4.50 કરોડ બે મહિનાથી અટકાયા

AMC School Teachers Salary Dues Pending: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત સ્કૂલ બોર્ડની શાળાઓના હજારો શિક્ષકોએ દેશની અતિ મહત્વની રાષ્ટ્રીય કામગીરી એવી વસ્તી ગણતરી નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરી હતી. પરંતુ કામગીરી પૂરી થયાના 2 મહિના બાદ પણ અંદાજે 4,500 જેટલા શિક્ષકોનું ₹4.50 કરોડનું મહેનતાણું હજુ સુધી ચૂકવવામાં આવ્યું નથી. કેન્દ્ર સરકાર તરફથી ગ્રાન્ટ ન મળી હોવાનું કારણ આગળ ધરીને ચૂકવણી અટકાવી દેવાતાં શિક્ષકોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે.

એક મહિના સુધી નિભાવી દ્વિપક્ષીય જવાબદારી

મે મહિનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓના શિક્ષકોને વસ્તી ગણતરી અને સુપરવાઇઝર તરીકેના ઓર્ડર આપવામાં આવ્યા હતા. શિક્ષકોએ 1 જૂન થી 30 જૂન દરમિયાન પોતાની નિયમિત શૈક્ષણિક કામગીરીની સાથે સાથે રાષ્ટ્રીય જવાબદારી પણ નિષ્ઠાપૂર્વક નિભાવી હતી. ગણતરીદાર અને સુપરવાઇઝર તરીકે ઘેર-ઘેર જઈ માહિતી એકત્ર કરવાથી લઈને જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા સુધીની તમામ કામગીરી શિક્ષકોએ પૂર્ણ કરી હતી, જેને અધિકારીઓ દ્વારા પણ સારો અભિપ્રાય મળ્યો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

શિક્ષક દીઠ ₹11,000 ની ચૂકવણી બાકી

નિયમ અનુસાર, વસ્તી ગણતરીની કામગીરી માટે એક શિક્ષક દીઠ અંદાજે ₹11,000 નું મહેનતાણું ચૂકવવાનું થાય છે. જેમાં પ્રથમ તબક્કાની કામગીરી માટે ₹9,000 અને તાલીમ માટેના ₹1,900 જેટલી રકમનો સમાવેશ થાય છે. જોકે, કામગીરી પૂર્ણ થયાને 2 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી, જેના કારણે આશરે 4,500 શિક્ષકો પોતાના હકના નાણાંની રાહ જોઈ રહ્યા છે.

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની સરકાર સમક્ષ રજૂઆત

મહેનતાણું ન મળતાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શિક્ષકોને વહેલી તકે નાણાં ચૂકવવામાં આવે તેવી ઉગ્ર માગ કરવામાં આવી છે. મહાસંઘના મહામંત્રી અવિનાશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, શિક્ષકોએ રજાઓ અને શૈક્ષણિક કાર્ય વચ્ચે પણ આ રાષ્ટ્રીય ફરજ શ્રેષ્ઠ રીતે બજાવી છે. આ અંગે ગુજરાત પ્રાંત કક્ષાએ પણ પત્ર લખીને સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે જેથી શિક્ષકોને તેમનું મહેનતાણું સત્વરે મળી રહે.

આ પણ વાંચો: બોટાદમાં મહિલા સશક્તિકરણને મળ્યો નવો વેગ, સ્વરોજગાર અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

Back to top button