સુરતના કાપડ ઉદ્યોગ પર મંદીની માર, ખરીદી ઘટતાં વેપારીઓની ચિંતા વધી
Surat : દેશના સૌથી મોટા ટેક્સટાઈલ હબ ગણાતા સુરતના કાપડ ઉદ્યોગ પર હાલ ઘેરા સંકટના વાદળો છવાયા છે. વૈશ્વિક બજારમાં ચાલી રહેલી અસ્થિરતા અને કાચા માલના ભાવમાં થયેલા અસહ્ય વધારાની સીધી અસર સુરતની કાપડ બજાર પર જોવા મળી રહી છે. એક તરફ છેલ્લા 20 દિવસમાં રો મટિરિયલ અને ઈંધણના ભાવ આસમાને પહોંચતા ઉત્પાદન ખર્ચ (પ્રોડક્શન કોસ્ટ) ભારે વધી ગયો છે, તો બીજી તરફ બજારમાં જોઈએ તેવી ઘરાકી ન નીકળતા વિવર્સ, પ્રોસેસર્સ અને કાપડના વેપારીઓ મોટી આર્થિક ભીંસમાં મુકાયા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ક્રૂડ ઓઈલ, કેમિકલ અને કોલસાના ભાવે ઉદ્યોગકારોની કમર તોડી
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા ઉછાળાને કારણે પોલિએસ્ટર યાર્ન (સૂતર) અને ડાઈઝ-કેમિકલ સહિતની તમામ કાચી સામગ્રી મોંઘી થઈ ગઈ છે. આ ઉપરાંત, મિલોના બોઈલર ચલાવવા માટે અનિવાર્ય એવા કોલસાના ભાવ વધીને ₹11,000 થી ₹13,000 પ્રતિ ટન સુધી પહોંચી ગયા છે. લિગ્નાઈટનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી કોલસાના ભાવ નજીકના ભવિષ્યમાં ઘટે તેવી કોઈ શક્યતા જણાતી નથી. વધુમાં, ડીઝલ અને દરિયાઈ નૂર મોંઘું થતાં લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ વધ્યો છે, જેના લીધે ગ્રે મેન્યુફેક્ચરિંગ લુમ્સ ચલાવવા પરવડે તેમ રહ્યા નથી.
જૂનો સ્ટોક ભરાઈ રહેતા વેપારીઓએ નવા ગ્રે માલની ખરીદી મુલતવી રાખી
બજારની વર્તમાન અનિશ્ચિતતાને પગલે સુરતના કાપડના વેપારીઓ હાલ નવો માલ ખરીદવાનું જોખમ લેવાનું ટાળી રહ્યા છે. વેપારીઓ પાસે પહેલેથી જ તૈયાર માલનો જૂનો સ્ટોક પડ્યો છે, જેનો હજુ પૂરતો નિકાલ થયો નથી. આવી સ્થિતિમાં જો ઊંચા ભાવે ગ્રે કાપડ ખરીદીને પ્રોસેસિંગમાં મોકલવામાં આવે અને બજારમાં ખરીદી ન નીકળે તો મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે તેમ છે, જેથી નવી ખરીદી હાલ પૂરતી અટકાવી દેવાઈ છે.
આ પણ વાંચો:Microsoft યુઝર્સ સાવધાન! આઉટેજ બાદ સાયબર ફ્રોડનો ખતરો, કંપનીએ આપી ચેતવણી
ઓફરો છતાં ખરીદી ઠંડી, હવે લગ્નસરાની સિઝન પર વેપારીઓની આશા
મોંઘવારીના માર વચ્ચે સામાન્ય ગ્રાહકોની ખરીદશક્તિ ઘટી હોવાથી બજારમાં ‘એક પર એક ફ્રી’ જેવી આકર્ષક સ્કીમો મૂકવા છતાં ગ્રાહકો માત્ર જરૂરિયાત પૂરતી જ ખરીદી કરી રહ્યા છે. હાલ સુરતનું કાપડ માર્કેટ આગામી લગ્નસરાની સિઝન પર મીટ માંડીને બેઠું છે. વેપારીઓને આશા છે કે લગ્નસરાની ખરીદી પૂરજોશમાં નીકળશે તો જ મોંઘા ભાવે તૈયાર થયેલા માલનું યોગ્ય વળતર મળશે અને ઉદ્યોગ ફરી ધમધમતો થશે.











