શીલજ હિટ એન્ડ રનઃ ભાજપ MLA ના ભત્રીજા સામે પોલીસની ઢીલી નીતિ, દેખાડા પૂરતો કરાયો બ્લડ રિપોર્ટ!

Ahmedabad hit and run case : અમદાવાદના શીલજમાં ખુદની લક્ઝુરિયસ રેન્જ રોવર કારથી એક નિર્દોષ બાઈકચાલકને કચડીને મોતને ઘાટ ઉતારનારા બાપુનગરના ભાજપના MLA દિનેશ કુશવાહના ભત્રીજાને બચાવવા માટે પોલીસે રીતસરની લાજ નેવે મૂકી દીધી હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. કેમ કે, આ પહેલાં DySPએ બ્લડ ટેસ્ટ અંગે જવાબ આપવાનું ટાળ્યું હતું. પરંતુ આરોપીએ મીડિયા સમક્ષ બ્લડ ટેસ્ટ થયાનું કહ્યું હતું. આમ હવે રાંડ્યા પછીનું ડાહપણ આપતા હોય તેમ પોલીસે આરોપીને છાવરવા અકસ્માતના 17 કલાક સુધી તેને પકડવાની તસ્દી લીધી નહીં.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
30 કલાક બાદ દેખાડા પૂરતાનો ટેસ્ટ?
એટલું જ નહીં, દારૂ કે નશાની પુષ્ટિ ન થઈ શકે તેવા બદઈરાદા સાથે ઘટનાના 30 કલાક બાદ માત્ર દેખાડા ખાતર આરોપીનો બ્લડ ટેસ્ટ કરાવ્યો હોવાનું પોલીસ હવે રદિયો આપી રહી છે. બીજી તરફ, હવે કારની સાચી સ્પીડ જાણવા માટે RTO, FSL અને રેન્જ રોવર કંપની આ ત્રણેય પાસેથી ટેકનિકલ રિપોર્ટ માગ્યો છે.
શું હતી ઘટના?
ગત 11 નવેમ્બરે MLA દિનેશ કુશવાહના ભત્રીજા રાઘવેન્દ્ર કુશવાહે રેન્જ રોવર કારની ટક્કરે એક બાઈકચાલકને અડફેટે લેતા એક યુવકનું મોત થયું હતું. આરોપી અકસ્માત સર્જીને તે સ્થળ પરથી ભાગી ગયો હતો. આ કેસમાં આરોપીને છાવરવા માટે પહેલા તો પોલીસે 17 કલાક બાદ ધરપકડ કરી. એટલું જ નહીં DySPએ બ્લડ ટેસ્ટ અંગે વાત ટાળ્યા બાદ પોલીસે પોતાની ભૂલ સુધારવા ઘટનાના 30 કલાક પછી આરોપીનો બ્લડ ટેસ્ટ કરાવ્યો છે.
પોલીસે જણાવ્યું કે, સાક્ષીઓના નિવેદનો અને પ્રાથમિક તપાસ મુજબ આ અકસ્માત આગળની ગાડી અને બાઈક વચ્ચે ઊભી થયેલી ગેરસમજના કારણે સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આરોપીના કહેવા પ્રમાણે આગળની ગાડી અચાનક ઊભી રહેતા બાઈકચાલકને બચાવવા જતાં તેની ગાડી બાઈક સાથે અથડાઈ હતી. આરોપી મીડિયા સામે જાતે પોલીસ સ્ટેશનમાં હાજર થયાનો દાવો કરે છે. પરંતુ હકીકતમાં પોલીસે સાક્ષીઓ પાસેથી ગાડીનો નંબર મેળવીને બીજા દિવસે તેના ઘરેથી જ આરોપીની ધરપકડ કરી વાહન કબ્જે કર્યું હતું. હાલમાં તેને સળંગ બે દિવસમાં 25થી 26 કલાક પૂછપરછ કર્યા બાદ જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ આર્થિક મોરચે સારા સમાચાર! એક્સપોર્ટમાં આવ્યો ઉછાળો, વેપાર ખાધમાં ઘટાડો
અકસ્માતના 30 કલાક પછી આરોપીનું બ્લડ સેમ્પલ લેવાયું
વધુમાં જણાવ્યું કે, આ કેસમાં આગળની કાર્યવાહી હવે FSL અને ટેકનિકલ રિપોર્ટ પર નિર્ભર છે. અકસ્માતના આશરે 30 કલાક પછી આરોપીનું બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું હતું. જો રિપોર્ટમાં નશાકારક પદાર્થનું સેવન કર્યાનું સામે આવશે તો કેસમાં નવી કલમો ઉમેરવામાં આવશે. આ ઉપરાંત, પ્રાથમિક તપાસમાં ગાડી બહુ ઓવરસ્પીડમાં હોવાનું જણાયું નથી. તેમ છતાં વાહનની ચોક્કસ સ્પીડ જાણવા માટે RTO, FSL અને રેન્જ રોવર કંપની આ ત્રણેય પાસેથી ટેકનિકલ રિપોર્ટ માંગવામાં આવ્યા છે.
આરોપીના કૉલ ડિટેલ રેકોર્ડ ચેક કરાશે
અકસ્માત બાદ 17 કલાક સુધી આરોપી ક્યાં હતો તે પૂછતાં તે ડરી ગયો હોવાના બહાના આપી રહ્યો હતો. જો કે, પોલીસ આરોપીની વાતો પર સીધો ભરોસો કરવાના બદલે તેના CDR એટલે કે કૉલ ડિટેલ રેકોર્ડની રાહ જોઈ રહી છે, જેના એનાલિસિસ બાદ જ સાચી હકીકત સામે આવશે. સમગ્ર કેસની તપાસ PSI દ્વારા કરવામાં આવી રહી છે અને આરોપીને જ્યારે પણ નિવેદન માટે બોલાવવામાં આવે ત્યારે તેને ફરજિયાત હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે.
શીલજ હિટ એન્ડ રન કેસમાં ભાજપ MLAના ભત્રીજા સામે ઢીલી નીતિ











