વર્લ્ડ

મસૂદ અઝહર મુદ્દે તાલિબાનનો પાકિસ્તાનને સણસણતો જવાબ: “આતંકી અફઘાનિસ્તાનમાં નથી”

Taliban Denies Pakistan Claims: અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પાકિસ્તાનના એ દાવાને સખત શબ્દોમાં ફગાવી દીધો છે જેમાં કહેવામાં આવ્યું હતું કે જૈશ-એ-મોહમ્મદનો સ્થાપક મસૂદ અઝહર અફઘાનિસ્તાનમાં રહીને પોતાના સંગઠનનું સંચાલન કરી રહ્યો છે. અફઘાન વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે મસૂદ અઝહર અફઘાનિસ્તાનની ધરતી પર હાજર નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અફઘાનિસ્તાન પોતાની જમીનનો ઉપયોગ અન્ય કોઈ પણ દેશ વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે કરવા દેશે નહીં.

FATF ના દબાણથી બચવા પાકિસ્તાનનો અફઘાનિસ્તાન પર દોષારોપણનો ખેલ

પાકિસ્તાન લાંબા સમયથી એવો દાવો કરતું આવ્યું છે કે મસૂદ અઝહર ભાગીને અફઘાનિસ્તાન જતો રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદ વિરોધી કડક પગલાં લેવા માટે પાકિસ્તાન પર સતત દબાણ વધી રહ્યું છે, ખાસ કરીને જ્યારે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) દ્વારા તેની કાર્યવાહીની સમીક્ષા કરવાનો સમય આવે છે. નોંધનીય છે કે પાકિસ્તાન 2018 થી 2022 સુધી FATF ની ગ્રે લિસ્ટમાં સામેલ હતું. આતંકવાદી ફંડિંગ રોકવામાં નિષ્ફળતા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકી સંગઠનો સામે કડક પગલાં ન લેવાને કારણે તેને ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવ્યું હતું. ત્યારબાદ અક્ટોબર 2022 માં પાકિસ્તાનને આ યાદીમાંથી બહાર કરવામાં આવ્યું હતું.

ભારતમાં થયેલા અનેક મોટા આતંકી હુમલાઓનો મુખ્ય સૂત્રધાર છે અઝહર

કુખ્યાત આતંકવાદી મસૂદ અઝહર ભારતમાં થયેલા અનેક ભયાનક આતંકવાદી હુમલાઓમાં મુખ્ય ગુનેગાર છે. તે 2001 નો સંસદ હુમલો, 2008 નો મુંબઈ આતંકી હુમલો, 2016 નો પઠાણકોટ એરબેઝ હુમલો અને 2019 નો પુલવામા આત્મઘાતી હુમલો જેવા મોટા કાવતરાંઓ સાથે સીધો જોડાયેલો છે. આ જ કારણોસર ભારત સરકાર લાંબા સમયથી તેની ધરપકડ અને સખત કાર્યવાહીની માંગ કરી રહી છે. મે 2019 માં સંયુક્ત રાષ્ટ્રે મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો, અને પાકિસ્તાને 2021 માં તેને તેની ગેરહાજરીમાં દોષિત પણ ઠેરવ્યો હતો.

ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળ્યા બાદ પાકિસ્તાનનું વચનભંગનું વલણ

પોતાનો બચાવ કરવા માટે પાકિસ્તાન સતત એવો દાવો કરતું રહે છે કે અઝહર મે 2019 માં ડ્યુરન્ડ લાઇન પાર કરીને અફઘાનિસ્તાન ભાગી ગયો હતો અને ત્યારથી તે ફરાર છે. જોકે, FATF ની ગ્રે લિસ્ટમાંથી બહાર આવ્યા બાદ પાકિસ્તાન આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવાના પોતાના અગાઉના વચનોમાંથી પાછળ હટી રહ્યું હોય તેમ જણાય છે. એશિયા/પેસિફિક ગ્રુપ (APG) ની સમીક્ષા દરમિયાન પણ પાકિસ્તાનની આ ટાળમટોળ નીતિ સામે આવી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પાકિસ્તાની દાવા પર ફરી એકવાર ફટકો

આ અગાઉ પણ સપ્ટેમ્બર 2022 માં તાલિબાન સરકારના પ્રવક્તાએ મસૂદ અઝહર અફઘાનિસ્તાનમાં હોવાના દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો હતો. તે સમયે તાલિબાને જણાવ્યું હતું કે પાકિસ્તાને અઝહરની હાજરી અંગે ક્યારેય ઔપચારિક સંપર્ક પણ કર્યો નથી. હવે તાજેતરમાં અફઘાન વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીના નિવેદને પાકિસ્તાનના દાવાઓને ફરી એકવાર ખોટા સાબિત કરી દીધા છે. તાલિબાનનું વલણ સ્પષ્ટ છે કે પાકિસ્તાન પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે બીજા દેશ પર આક્ષેપ કરવાનું બંધ કરે.

આ પણ વાંચો: જાપાનમાં રેકોર્ડ વરસાદ : એશિયન ગેમ્સના ખેલાડીઓને કરાયા સ્થળાંતર

Back to top button