અમેરિકાના આકાશમાં લોકડાઉન: તમામ ફ્લાઈટ પર અચાનક બ્રેક લગાવી, હજારો મુસાફરો ફસાયા

ન્યૂયોર્ક: અમેરિકામાં શુક્રવારે બપોરે હવાઈ પરિવહન વ્યવસ્થા અચાનક ખોરવાઈ જતાં દેશભરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એર ટ્રાફિક કંટ્રોલ (ATC) કેન્દ્રોમાં ગંભીર ટેકનિકલ ખામી સર્જાતાં ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા તમામ ફ્લાઇટ્સને તાત્કાલિક અસરથી રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શરૂઆતની માહિતી મુજબ, દેશનાં 22 ATC કેન્દ્રોમાં કમ્યુનિકેશન સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી. જેના પગલે સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિમાનોની ઉડાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ અચાનક નિર્ણયથી અમેરિકાના વિવિધ એરપોર્ટ પર હજારો મુસાફરો અટવાઈ ગયા હતા. જોકે, બાદમાં કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી હતી.
22 ATC કેન્દ્રોમાં કમ્યુનિકેશન સિસ્ટમ ખોરવાઈ
અમેરિકાના પરિવહન સચિવ સીન ડફીએ જણાવ્યું હતું કે, કમ્યુનિકેશન સંબંધિત ટેકનિકલ ખામી દેશભરના 22 એર ટ્રાફિક કંટ્રોલ કેન્દ્રોને અસર કરી રહી હતી. આ કેન્દ્રો અલગ-અલગ એરપોર્ટ વચ્ચે ઉડાન ભરતાં વિમાનોને માર્ગદર્શન આપવા તેમજ હવાઈ અવરજવરનું નિયંત્રણ કરવા માટે જવાબદાર હોય છે. આ કેન્દ્રોની સિસ્ટમમાં ખામી સર્જાતાં વિમાનોની અવરજવર પર સીધી અસર પડી હતી. FAAની ટેકનિકલ ટીમો સિસ્ટમમાં ખામી સર્જાવાનું ચોક્કસ કારણ શોધવા માટે કામે લાગી હતી. જોકે, પ્રાથમિક તબક્કે આ સમસ્યા પાછળનું કારણ સ્પષ્ટ થયું નહોતું.
FAAએ જાહેર કર્યો ‘ગ્રાઉન્ડ સ્ટોપ’નો આદેશ
ટેકનિકલ ખામી બાદ FAA દ્વારા સત્તાવાર નોટિસ જાહેર કરીને તમામ ફ્લાઇટ્સ રોકવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ઉડ્ડયન ક્ષેત્રની ભાષામાં આ પ્રક્રિયાને ‘ગ્રાઉન્ડ સ્ટોપ’ કહેવામાં આવે છે. આ આદેશ હેઠળ સુરક્ષાનાં કારણોસર વિમાનોને ઉડાન ભરતાં અટકાવવામાં આવે છે. FAAએ અસાધારણ પરિસ્થિતિ અને મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું. આદેશને પગલે અમેરિકાના અનેક એરપોર્ટ પર ફ્લાઇટ્સની અવરજવર ખોરવાઈ હતી. સ્થાનિક તેમજ અન્ય ફ્લાઇટ્સના સમયપત્રક પર અસર થતાં હજારો મુસાફરોને વિલંબ અને અનિશ્ચિતતાનો સામનો કરવો પડ્યો હતો.
ગૃહ સુરક્ષા વિભાગે મુસાફરોને ન ગભરાવવાની અપીલ કરી
આ સમગ્ર ઘટનાને લઈને અમેરિકાના ગૃહ સુરક્ષા વિભાગ (DHS)ના વડા દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, દેશભરના એર ટ્રાફિક કંટ્રોલ કેન્દ્રોમાં કમ્યુનિકેશન સિસ્ટમ નિષ્ફળ જતાં FAAએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ ફ્લાઇટ્સ રોકવાનો નિર્ણય લીધો છે. તેમણે લોકોને આ સ્થિતિમાં ગભરાવાની જરૂર ન હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો: સફેદ આંખો અને ભયાનક ચહેરો, ‘Hero Ki Horroroine’નો ફર્સ્ટ લુક જોઈને ધ્રૂજી જશો












