વિવાદોમાં ઘેરાયા બાદ Nvidiaના CEO જેન્સન હુઆંગે આપ્યું રાજીનામું
Jensen Huang: Nvidiaના CEO જેન્સન હુઆંગે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. કથિત ચીની જાસૂસ સાથેના સંબંધોને લઈને વિવાદોમાં આવ્યા બાદ તેમણે આ નિર્ણય લીધો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેન્સન હુઆંગ છેલ્લા 33 વર્ષથી કંપનીનું નેતૃત્વ કરી રહ્યા હતા.
હુઆંગના રાજીનામા બાદ કંપનીનાં મુખ્ય નાણાકીય અધિકારી (CFO) કોલેટી ક્રેસને વચગાળાના CEO બનાવવામાં આવ્યા છે. હવે કંપનીનું બોર્ડ નવા કાયમી CEOની શોધ શરૂ કરશે. આ માટે કંપનીની અંદર અને બહાર બંને જગ્યાના સંભવિત ઉમેદવારોનાં નામ પર વિચારણા કરવામાં આવશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
કથિત સંબંધોના ખુલાસા બાદ વિવાદ વધ્યો
જેન્સન હુઆંગનું રાજીનામું એવા સમયે આવ્યું છે, જ્યારે તેમના અંગત સંબંધોને લઈને અનેક મોટા ખુલાસા થયાનો અહેવાલ સામે આવ્યો છે. અહેવાલો અનુસાર, હુઆંગના પોતાની જ કંપનીમાં કામ કરતી એક મહિલા અધિકારી સાથે સંબંધ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મહિલા અધિકારી તેમને રિપોર્ટ કરતી હોવાનું પણ કહેવાય છે. આ ઉપરાંત, તેમના એક એવી મહિલા સાથે પણ સંબંધ હોવાનો ખુલાસો થયાનો દાવો છે, જેને અમેરિકન અધિકારીઓએ ચીનની જાસૂસ ગણાવી હતી. આ ખુલાસાઓ બાદ કંપનીના બોર્ડે બુધવારે સાંજે કેટલાંક કલાક સુધી બેઠક કરી હતી અને નવા નેતૃત્વ અંગે નિર્ણય લીધો હતો.
Nvidiaના ભવિષ્યને લઈને અનેક સવાલો
જેન્સન હુઆંગના રાજીનામા બાદ Nvidiaના ભવિષ્યને લઈને અનેક સવાલો ઊભા થયા છે. Nvidia આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માટે ઉપયોગમાં લેવાતી ચિપ બનાવતી દુનિયાની સૌથી મોટી કંપનીઓમાંની એક છે. અનુમાન મુજબ, AI સંબંધિત મોટા પ્રોજેક્ટ્સમાં ઉપયોગમાં લેવાતી કમ્પ્યુટર ચિપના બજારમાં Nvidiaનો આશરે 90 ટકા હિસ્સો છે. કંપનીની આ મજબૂત સ્થિતિને કારણે તે વિશ્વની સૌથી મૂલ્યવાન કંપનીઓમાં સામેલ થઈ છે.
ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સહયોગી મનાય છે હુઆંગ
‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ના અહેવાલ અનુસાર, જેન્સન હુઆંગનો પ્રભાવ માત્ર બિઝનેસ પૂરતો મર્યાદિત રહ્યો નથી. તેઓ દુનિયાના સૌથી ધનિક લોકોમાં સામેલ છે અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સહયોગીઓમાં પણ ગણાય છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ટ્રમ્પને અગાઉથી જ હુઆંગના એક એવી મહિલા સાથેના સંબંધોની જાણકારી આપવામાં આવી હતી, જેને ચીનની ગુપ્તચર એજન્સી સાથે જોડાયેલી માનવામાં આવતી હતી. જોકે, ટ્રમ્પે આ મામલે કોઈ કાર્યવાહી કરી નહોતી. ગયા અઠવાડિયે ટ્રમ્પે હુઆંગનો બચાવ કરતાં તેમને એક સન્માનિત વ્યક્તિ ગણાવ્યા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે હુઆંગને એ વાતની જાણ નહોતી કે તે મહિલા ચીનની જાસૂસ હતી.
Nvidiaના શેરમાં મોટો ઘટાડો
અહેવાલ અનુસાર, ગુરુવારે Nvidiaના શેરમાં ભારે ઘટાડો નોંધાયો હતો. પ્રી-માર્કેટ ટ્રેડિંગ દરમિયાન કંપનીના શેરમાં 11 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડાને કારણે આ જ મહિનામાં કંપનીના માર્કેટ વેલ્યુમાંથી આશરે 1 ટ્રિલિયન ડોલર ઘટવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. Nvidiaના નેતૃત્વમાં આવેલા આ ફેરફારને કારણે રોકાણકારોમાં AI બિઝનેસના ભવિષ્ય અને તેની લાંબા ગાળાની સ્થિરતા અંગે અનિશ્ચિતતા વધી છે. સાથે જ ટેક્નોલોજી ક્ષેત્રની સૌથી મહત્ત્વપૂર્ણ કંપનીઓમાંની એકમાં ચાલી રહેલી સમસ્યાઓની વ્યાપક અર્થતંત્ર પર શું અસર થઈ શકે તે અંગે પણ ચિંતા વ્યક્ત થઈ રહી છે.












