લાઈફસ્ટાઈલહેલ્થ

IVF દ્વારા જન્મેલા બાળકોમાં સ્વાસ્થ્ય જોખમો અંગે મોટો ખુલાસો: ‘જમ્પિંગ જીન્સ’ માં ફેરફારથી કેન્સર અને હૃદય રોગનું જોખમ વધી શકે

IVF Children Long Term Health Risks Study: વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના આંકડા અનુસાર, વિશ્વભરમાં 15% થી વધુ યુગલો વંધ્યત્વ (ઇનફર્ટિલિટી) ની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આધુનિક તબીબી વિજ્ઞાનમાં ‘ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન’ (IVF) એ લાખો નિઃસંતાન યુગલો માટે માતા-પિતા બનવાનો નવો માર્ગ ખોલ્યો છે. જોકે, આ પદ્ધતિના અનેક ફાયદાઓ હોવા છતાં, IVF દ્વારા જન્મેલા બાળકોના લાંબા ગાળાના સ્વાસ્થ્યને લઈને વિજ્ઞાનીઓમાં નવી ચિંતાઓ ઊભી થઈ છે. તાજેતરના વ્યાપક રોગચાળાના અભ્યાસ મુજબ, સામાન્ય રીતે જન્મેલા બાળકોની સરખામણીએ IVF બાળકોમાં ભવિષ્યમાં ચોક્કસ જટિલ રોગો થવાનું જોખમ વધુ હોઈ શકે છે.

IVF દરમિયાન ગર્ભ પરના તણાવથી DNA માં ફેરફાર

‘અમેરિકન જર્નલ ઓફ ઑબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી’ માં પ્રકાશિત થયેલા નવા અભ્યાસમાં તપાસ કરવામાં આવી હતી કે શું IVF પ્રક્રિયા દરમિયાન ગર્ભ પર પડતો તણાવ (સ્ટ્રેસ) જીનોમમાં DNA સિક્વન્સની પ્રવૃત્તિમાં ફેરફાર કરે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે કુદરતી રીતે ગર્ભધારણ કરાયેલા બાળકોની સરખામણીએ IVF દ્વારા જન્મેલા બાળકોના જીનોમમાં LINE-1 DNA ની કુલ માત્રા વધુ જોવા મળી હતી. સામાન્ય રીતે આપણું DNA એક જ જગ્યાએ સ્થિર રહે છે, પરંતુ LINE-1 એવા જનીનોના સમૂહનો ભાગ છે જે માનવ જીનોમની સંરચનામાં ફેરફાર કરી શકે છે.

‘જમ્પિંગ જીન્સ’ શું છે?

વૈજ્ઞાનિક ભાષામાં આ જમ્પિંગ જનીનોને ‘ટ્રાન્સપોઝેબલ એલિમેન્ટ્સ’ તરીકે ઓળખવામાં આવે છે. આ DNA ના એવા ટુકડા છે જે જીનોમમાં એક સ્થાનથી બીજા સ્થાને ‘કૂદી’ શકે છે અથવા પોતાની નવી નકલો બનાવીને અન્ય જગ્યાએ સ્થાયી થઈ શકે છે. માનવ DNA નો લગભગ 45% થી 50% ભાગ આ જમ્પિંગ જીન્સથી બનેલો હોય છે. જ્યારે આ જનીનો કૂદીને DNA માં ખોટી જગ્યાએ ગોઠવાઈ જાય છે, ત્યારે તેઓ સામાન્ય જનીનોના કાર્યોમાં અડચણ ઊભી કરે છે. આ દખલગીરીના કારણે જનીની પરિવર્તન (મ્યુટેશન) થાય છે અને આનુવંશિક રોગો જન્મ લે છે.

મેટાબોલિક, હૃદય રોગ અને કેન્સર સંબંધિત જનીનોનું પ્રમાણ વધુ મળ્યું

IVF પ્રક્રિયા દરમિયાન આ જમ્પિંગ જીન્સ ખોટી જગ્યાએ સ્થાયી થઈ જવાનું જોખમ વધી જાય છે. સંશોધકોએ સામાન્ય અને IVF બાળકોના સ્વાસ્થ્યની સરખામણી કરતા જાણવા મળ્યું કે IVF બાળકોમાં મેટાબોલિક રોગો, હૃદય રોગ, ન્યુરોસાયકિયાટ્રિક વિકારો અને કેન્સર સાથે સંકળાયેલા જનીનોનું સ્તર વધારે હતું. જોકે, વિજ્ઞાનીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રાથમિક સંશોધન છે અને તેનો અર્થ એવો બિલકુલ નથી કે IVF થી જન્મતા દરેક બાળકને આ બીમારીઓ થશે જ.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

વંધ્યત્વ સામે IVF હજુ પણ સૌથી કારગર વિકલ્પ

IVF (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) ને સામાન્ય ભાષામાં “ટેસ્ટ ટ્યુબ બેબી” પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. કુદરતી રીતે ગર્ભધારણ કરવામાં અસમર્થ યુગલો માટે આ તબીબી પદ્ધતિ એક વરદાન સમાન છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં, વંધ્યત્વના વધતા પ્રમાણને કારણે નવા IVF સેન્ટરો ઝડપથી ખૂલી રહ્યા છે અને IVF કરાવતા યુગલોની સંખ્યામાં 2026 માં પણ સતત વિક્રમી વધારો નોંધાઈ રહ્યો છે.

આ પણ વાંચો: બાળકોને શિસ્ત કેવી રીતે શીખવવી? માતા-પિતા અપનાવે આ સરળ રીત

Back to top button