
Gujarat News : ભાવનગરના બોરડીગેટમાં વિધર્મીઓની મિલકત ખરીદીની આગ ફરી ભડકી છે. જેમાં શહેરમાં જવાહર કોલોનીમાં હિન્દુ વિસ્તાર હોવા છતાં વિધર્મીએ મિલકત ખરીદી બિલ્ડીંગ બનાવવાનું કામ શરૂ કરતા સ્થાનિકોમાં રોષ ફાટયો હતો અને હિન્દુ સમાજના લોકોએ એકઠા થઈ ટાયર સળગાવી વિરોધ નોંધાવતા આખરે કામ અટકાવી દેતા મામલો હાલ પુરતો શાંત પડયો હતો.
સમગ્ર વિગત અનુસાર, ભાવનગરના બોરડીગેટ વિસ્તારમાં આવેલ જવાહર કોલોનીમાં આજે એક વિધર્મીએ બિલ્ડીંગને લગતું કામ શરૂ કરતા સ્થાનિક વિસ્તારના પુરૃષો, મહિલાઓનું ટોળું કામ બંધ કરાવવા દોડી ગયું હતું. આ સમયે વાતાવરણ ઉગ્ર બનતા લોકોએ રોડ ઉપર ટાયર સળગાવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી. તો બીજી તરફ હિન્દુઓના વિરોધને લઈ કામ બંધ કરી જેસીબીને લીલા તોરણે પાછું મોકલાયું હતું.
ભૂતકાળમાં અહીં કોમવાદની ઘટનાઓ પણ બની છે
આ બાબતે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અશાંતધારો લાગું હોવા છતાં પણ બોરડીગેટ વિસ્તારમાં જ ટૂંકા સમયમાં વિધર્મીઓએ અનેક હાઈરાઈઝ બિલ્ડીંગો ઉભી કરી દઈ વિસ્તારમાં કબજો જમાવવાના પ્રયાસો શરૂ કરી છે. ભૂતકાળમાં અહીં કોમવાદની ઘટનાઓ પણ બની છે. જો મોટાપાયે વિધર્મીઓ અહીં રહેવા આવે તો કોમી એકતા ન જળવાઈ અને લવ જેહાદના કિસ્સાઓ પણ બની શકે છે.
આ મામલે વિધર્મીઓ અને નગરસેવક સાથે થયું ધર્ષણ
આ વિસ્તારના એક નગરસેવકે વોટબેન્ક માટે ભૂમિકા ભજવી વિધર્મીઓને સાથે રાખી મિલકતનું કામ શરૂ કરાવી રહ્યાના ગંભીર આરોપ લગાવાયા હતા. આ મામલે વિધર્મીઓ અને નગરસેવક સાથે ઘર્ષણ પણ થયાનું સ્થાનિકોએ જણાવ્યું છે. ઉપરાંત માથાભારે શખ્સોને હવાલા આપી લોકોને ધમકાવ્યા હોવાનો અને વિધર્મીઓ દ્વારા હિન્દુ પાસેથી મિલકત ખરીદ્યા બાદ અંદરોઅંદર મિલકત ખરીદ-વેચાણ કરી બહુમાળીય ઈમારતો બનાવી મોટા સમૂહમાં આવવાનો પ્રયાસ કરી રહ્યાનો બળાપો ઠાલવ્યો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ મામલે કલેક્ટરને લેખિત રજૂઆત કરી અશાંતધારાની કડક અમલવારી થાય અને હિન્દુ સમાજના ગરીબ-મધ્યમવર્ગીય પરિવારો અહીં શાંતિથી રહી શકે તે માટે કોઈપણ સંજોગોમાં વિધર્મીઓને મિલકત ટ્રાન્સફર ન કરાઈ તેવી માંગણી ઉચ્ચારી હતી.
અશાંતધારા પછીના દસ્તાવેજોની ફાઈલો તપાસવી જરૂરી
વર્ષ 2023માં અશાંતધારાનો કાયદો અમલી બન્યા બાદથી પણ અસંખ્ય મિલકતોનું વેચાણ કરી દસ્તાવેજો થયા છે. ઘણાં દસ્તાવેજો થયા છે તેમાં પાડોશીની મંજૂરી પણ લેવાઈ નથી. તો પણ દસ્તાવેજો કેવી રીતે થયા ? અશાંતધારા લાગુ થયા પછી આજદિન સુધી થયેલા તમામ દસ્તાવેજોની ફાઈલોની ચકાસણી કરી જવાબદાર અધિકારી-કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરાય તેવી બોરડીગેટની મહાત્મા ગાંધી સોસાયટી, જવાહર કોલોની સહિતના વિસ્તારના લોકોએ આવી માંગ કરી છે.
આ પણ વાંચો : અમદાવાદમાં ટ્રાફિક ડ્યૂટી ફાળવવા ₹2000ની લાંચ લેતા બે હોમગાર્ડ ઝડપાયા, બે ફરાર












