ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

ટીમ ઈન્ડિયાનો ધમાકો, ત્રીજી વનડેમાં ઝિમ્બાબ્વેને 8 વિકેટે હરાવ્યું

ODI: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે નવી કેપ્ટન સ્મૃતિ મંધાનાના નેતૃત્વમાં ઘરઆંગણે ઝિમ્બાબ્વે સામે ટી-20 સિરીઝમાં ક્લીન સ્વીપ કર્યા બાદ હવે વનડે સિરીઝમાં પણ મહેમાન ટીમનો 3-0થી સફાયો કર્યો છે. બંને ટીમો વચ્ચે વનડે સિરીઝની ત્રીજી મેચ વડોદરાના સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મુકાબલામાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઝિમ્બાબ્વે મહિલા ટીમ 39.5 ઓવરમાં માત્ર 131 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી વૈષ્ણવી શર્માએ પાંચ વિકેટ ઝડપીને શાનદાર બોલિંગ કરી હતી. ત્યારબાદ પ્રતિકા રાવલ અને શેફાલી વર્માની અણનમ અડધી સદીની મદદથી ભારતીય ટીમે માત્ર 17 ઓવરમાં બે વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

વૈષ્ણવી શર્માની સ્પિન બોલિંગનો જાદુ, પાંચ વિકેટ ઝડપી

ઝિમ્બાબ્વે મહિલા ટીમ સામેની ત્રીજી વનડેમાં ભારતીય સ્પિનર વૈષ્ણવી શર્માએ પોતાની બોલિંગથી પ્રભાવિત કર્યા હતા. તેણે 10 ઓવરમાં 39 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત ક્રાંતિ ગૌડ અને સાયલી સતઘરેએ પણ બે-બે વિકેટ મેળવી હતી. ભારતીય બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે ઝિમ્બાબ્વેની ટીમ 131 રનમાં સમેટાઈ ગઈ હતી. ઝિમ્બાબ્વે તરફથી મોડેસ્ટર મુપાચિકવાએ 37 રન અને કેપ્ટન જોસેફિન નકોમોએ 35 રન બનાવ્યા હતા. ટીમની ઇનિંગ્સ દરમિયાન સાત ખેલાડીઓ બે આંકડાનો સ્કોર પણ કરી શક્યા નહોતા. ભારતીય મહિલા ટીમે આ વનડે સિરીઝની પ્રથમ મેચ નવ વિકેટે જીતી હતી, જ્યારે બીજી મેચમાં 121 રનના મોટા અંતરથી વિજય મેળવ્યો હતો. ત્રીજી મેચમાં આઠ વિકેટે જીત સાથે ભારતે સિરીઝમાં ક્લીન સ્વીપ પૂર્ણ કર્યો હતો.

આ પણ વાંચો:વૈભવ સૂર્યવંશીની ICC T20I રેન્કિંગમાં મોટી છલાંગ, ટોપ-50માં મેળવી જગ્યા

ICC મહિલા ચેમ્પિયનશિપમાં ભારતની સ્થિતિ મજબૂત

ICC મહિલા ચેમ્પિયનશિપ 2025-29ના ચક્રમાં ભારતીય મહિલા ટીમની આ પ્રથમ વનડે સિરીઝ હતી. ત્રણેય મેચ જીતીને ટીમ ઇન્ડિયાએ કુલ છ પોઇન્ટ મેળવ્યા છે. અહેવાલ મુજબ, ભારતીય મહિલા ટીમ છ પોઇન્ટ સાથે હાલ સાતમા સ્થાને છે. ભારતીય ટીમની આગામી વનડે સિરીઝ ડિસેમ્બર 2026માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન રમાશે. આ સિરીઝની શરૂઆત 16 ડિસેમ્બરથી થશે, જેમાં કુલ ત્રણ વનડે મેચ રમાવાની છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ભારતીય મહિલા ટીમ ત્રણ વનડે મેચ ઉપરાંત એક ટેસ્ટ મેચ અને ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચની સિરીઝ પણ રમશે. નવા કેપ્ટન સ્મૃતિ મંધાના માટે આ પ્રવાસ એક મોટો પડકાર બની શકે છે.

આ પણ વાંચો:વૈભવ સૂર્યવંશીની ICC T20I રેન્કિંગમાં મોટી છલાંગ, ટોપ-50માં મેળવી જગ્યા
Back to top button