વડોદરામાં સામૂહિક આપઘાતની ઘટના: માતાએ દીકરા-દીકરી સાથે જીવન ટૂંકાવ્યું, કારણ અકબંધ
Vadodara: શહેરના માંડવી વિસ્તારમાંથી સામૂહિક આપઘાતનો અત્યંત હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. દલા પટેલની પોળ (નરસિંહજીની પોળ) ખાતે રહેતા સોની પરિવારે અગમ્ય કારણોસર અંતિમ પગલું ભરી લેતાં સમગ્ર પંથકમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે. 50 વર્ષીય વિધવા માતાએ પોતાના યુવાન પુત્ર અને પુત્રી સાથે ઘરમાં જ ગળેફાંસો ખાઈ સામૂહિક રીતે મોતને વહાલું કરી લીધું છે. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
બપોરના સમયે ત્રણેયે એકસાથે ભર્યું આત્યંતિક પગલું
પ્રાથમિક વિગતો અનુસાર, ગતરોજ બપોરના સમયે આરતીબેન સોની (ઉં.વ. 50), તેમનો મોટો પુત્ર નીલકંઠ સોની તેમજ નાની પુત્રી જેની સોનીએ અગમ્ય કારણોસર ઘરમાં ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. આસપાસના પડોશીઓને ગંધ આવતાં તેમણે તપાસ કરી હતી, જેમાં ત્રણેય સભ્યો મૃત હાલતમાં લટકતા મળી આવતાં તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી.
એક વર્ષ પૂર્વે મોભીનું હાર્ટ એટેકથી નિધન થયું હતું
સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક આરતીબેનના પતિનું આશરે એક વર્ષ અગાઉ હાર્ટ એટેકના કારણે આકસ્મિક અવસાન થયું હતું. પરિવારના મુખ્ય મોભી ગુમાવ્યા બાદ પરિવાર ભારે આઘાત અને આર્થિક કે માનસિક વિમાસણમાં હોવાની શક્યતા સેવાઈ રહી છે. જોકે, આ આત્યંતિક પગલાં પાછળ કોઈ આર્થિક સંકટ, માનસિક તણાવ કે અન્ય કોઈ પારિવારિક કારણ જવાબદાર છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
આ પણ વાંચો: ‘પરીક્ષા આવે છે, ભણવા બેસ’ માતાની ટકોર બાદ પુત્રએ જીવન ટૂંકાવ્યું
પોલીસે મૃતદેહો પીએમ અર્થે ખસેડી તપાસના ચક્રો ગતિમાન કર્યા
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ઉચ્ચ પોલીસ અધિકારીઓ, સ્થાનિક પોલીસ સ્ટાફ અને એફએસએલ (FSL)ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. ઘરમાંથી કોઈ સ્યૂસાઇડ નોટ મળી આવી છે કે નહીં તેમજ આપઘાત પાછળનું ચોક્કસ કારણ શોધવા માટે પોલીસે આસપાસના રહીશો અને સંબંધીઓની પૂછપરછ શરૂ કરી છે.












