અમદાવાદમાં ટ્રાફિક ડ્યૂટી ફાળવવા ₹2000ની લાંચ લેતા બે હોમગાર્ડ ઝડપાયા, બે ફરાર

Homeguard Bribery : અમદાવાદમાં ટ્રાફિક પોઈન્ટ પર ડ્યૂટી ફાળવવાના બદલામાં હોમગાર્ડ કર્મચારીઓ દ્વારા લાંચ માગવામાં આવતી હોવાનો મામલો સામે આવ્યો છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ કાર્યવાહી કરીને રૂ. 2,000ની લાંચ લેવાના કેસમાં બે હોમગાર્ડને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ ટ્રાફિક ડ્યૂટી ચાલુ રાખવા માટે દર મહિને રૂ. 1,000ના હપ્તાની માગણી કરી હોવાનો આક્ષેપ છે. આ કેસમાં અન્ય બે આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
ટ્રાફિક ડ્યૂટીના બદલામાં દર મહિને રૂ. 1,000ની માગણી
ફરિયાદી ઈ-ડિવિઝન હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવે છે. ‘H’ ટ્રાફિક પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ ટ્રાફિક પોઈન્ટ પર ડ્યૂટી ફાળવવાની જવાબદારી ડિવિઝન કમાન્ડર વિજયભાઈ જાદવ, કમ્પ્યુટર ઓપરેટર પંકજભાઈ પરમાર અને હોમગાર્ડ હર્ષમયભાઈ સૂર્યવંશી સંભાળતા હતા. ફરિયાદ મુજબ, ડિવિઝન કમાન્ડર દ્વારા ટ્રાફિક ડ્યૂટી ચાલુ રાખવા માટે દર મહિને રૂ. 1,000 આપવાની માગણી કરવામાં આવી હતી. જો નાણાં નહીં આપવામાં આવે તો ટ્રાફિક ડ્યૂટીમાંથી દૂર કરીને રાત્રિની ડ્યૂટી સોંપી દેવાની ધમકી પણ અપાઈ હોવાનો આક્ષેપ છે.
ફરિયાદીએ લાંચ આપવાનો ઇનકાર કરતાં તેમને 20 જુલાઈના રોજ ટ્રાફિક ડ્યૂટીમાંથી હટાવીને ફરી ડિવિઝનમાં મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાના કુલ રૂ. 2,000 ચૂકવવામાં આવે તો ફરી ટ્રાફિક ડ્યૂટી ફાળવવાની ખાતરી આપવામાં આવી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ફરિયાદીએ ACBનો સંપર્ક કરતાં ગોઠવાયું છટકું
લાંચ આપવાની ઇચ્છા ન હોવાથી ફરિયાદીએ અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરો (Anti Corruption Bureau)નો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ACBની ટીમે બાપુનગરમાં ભીડભંજન ત્રણ રસ્તા પાસે આવેલા ઇન્દુલાલ યાજ્ઞિક હોલના ગેટ નજીક છટકું ગોઠવ્યું હતું. ACBની કાર્યવાહી દરમિયાન હર્ષમયભાઈએ ફરિયાદીને વિજયભાઈ અને પંકજભાઈ વતી લાંચની રકમ તુષાર નામના વ્યક્તિને આપવા જણાવ્યું હોવાનો ઉલ્લેખ છે. ફરિયાદી પાસેથી તુષારે રૂ. 2,000 સ્વીકાર્યા બાદ ACBની ટીમે તુષાર અને હર્ષમયભાઈને સ્થળ પરથી ઝડપી લીધા હતા.
બે આરોપીઓ ફરાર, ACBની તપાસ ચાલુ
આ કેસમાં વિજયભાઈ જાદવ અને પંકજભાઈ પરમારની ભૂમિકા અંગે પણ તપાસ ચાલી રહી છે. બંને આરોપીઓ ફરાર હોવાનું જણાવાયું છે. ACB દ્વારા લાંચની માગણી, નાણાં સ્વીકારવાની ઘટના અને તેમાં સંડોવાયેલા અન્ય લોકોની ભૂમિકા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ટ્રાફિક પોઈન્ટ પર ફરજ ફાળવવાના બદલામાં નાણાં માગવામાં આવ્યા હોવાના આક્ષેપને પગલે હોમગાર્ડ યુનિટની ડ્યૂટી ફાળવણીની વ્યવસ્થા પણ ચર્ચામાં આવી છે.











