‘પરીક્ષા આવે છે, ભણવા બેસ’ માતાની ટકોર બાદ પુત્રએ જીવન ટૂંકાવ્યું
Surat : શહેરના સચિન વિસ્તારમાં સ્માર્ટફોનના વળગણ અને પરિવારની સામાન્ય ટકોરથી ગુસ્સે ભરાઈને ધોરણ 11ના વિદ્યાર્થીએ આપઘાત કરી લીધાની અત્યંત કરુણ ઘટના સામે આવી છે. 16 વર્ષીય કિશોર પિયુષ ચૌરસિયાને તેની માતાએ પરીક્ષા ટાણે મોબાઈલ મૂકીને ભણવા બેસવાનું કહેતાં, આવેશમાં આવીને તેણે રૂમમાં છતના પંખા સાથે સાડી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. આ હૃદયદ્રાવક બનાવથી શ્રમિક પરિવાર પર આભ તૂટી પડ્યું છે, જ્યારે બાળકોમાં વધતી જતી સ્માર્ટફોનની લત સામે આ ઘટના વાલીઓ માટે ગંભીર લાલબત્તી સમાન સાબિત થઈ છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
‘પરીક્ષા છે, ફોન મૂકી ભણવા બેસ’ કહેતાં આવેશમાં આવ્યો કિશોર
મળતી વિગતો મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ સુરતના સચિન વિસ્તારમાં રહેતા રાજેન્દ્ર ચૌરસિયાનો 16 વર્ષીય પુત્ર પિયુષ ધોરણ 11માં અભ્યાસ કરતો હતો. હાલ તેની પરીક્ષા ચાલી રહી હોવા છતાં રજાનો દિવસ હોવાથી તે સવારથી માતાના ફોનમાં જ રચ્યોપચ્યો રહ્યો હતો. સાંજે પાંચેક વાગ્યાના સુમારે માતાએ તેને ઠપકો આપતાં કહ્યું કે, “આખો દિવસ મોબાઈલ જોયા કરે છે, હવે ફોન મૂકી દે અને આવતીકાલની પરીક્ષાનું ભણી લે.” જેની સામે પિયુષે “મને બધું આવડે છે” કહી ઉદ્ધત જવાબ આપ્યો હતો.
ઘરમાં કોઈ ન હોવાનો લાભ લઈ અંદરથી રૂમ બંધ કરી લીધો
માતા ઘરની બહાર ઓટલા પર બેઠી હતી અને પિતા નોકરી પર ગયા હતા તે દરમિયાન, સાંજે પોણા સાતેક વાગ્યાના સુમારે પિયુષે અંદરના રૂમમાં જઈ દરવાજો બંધ કરી લીધો હતો. આવેશમાં આવીને તેણે છતના પંખા સાથે ધોતી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનો જ્યારે રૂમમાં પહોંચ્યા ત્યારે પુત્રને લટકતી હાલતમાં જોઈ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
આ પણ વાંચો:50 વર્ષની ઉંમરે મીકા સિંહ લેશે સાત ફેરા? લગ્નને લઈને કહી મોટી વાત
પિતાની આંસુ ભરી અપીલ: કોઈ બાળક આવું આત્યંતિક પગલું ન ભરે
પુત્રના અકાળે અવસાનથી ભાંગી પડેલા પિતા રાજેન્દ્ર ચૌરસિયાએ આક્રંદ સાથે જણાવ્યું હતું કે, તેમના પુત્રને મોબાઈલનું અત્યંત ખતરનાક વળગણ હતું. તે શાળાએથી આવતાં જ દફતર ફેંકીને સીધો માતાનો ફોન લઈને ગેમ્સ કે વીડિયોમાં મગ્ન થઈ જતો હતો. ભારે હૈયે તેમણે અન્ય વાલીઓ અને બાળકોને અપીલ કરી હતી કે કોઈનું બાળક સામાન્ય ટકોર કે ગુસ્સામાં આવું અવિચારી પગલું ન ભરે. હાલ સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: ચાર રાજ્યોની MLC ચૂંટણીનાં પરિણામો પર PM મોદીનો કોંગ્રેસ પર કટાક્ષ












