ગાંધીનગર મનપામાં AI કૌભાંડનો આક્ષેપ, કામ કર્યા વિના બિલ માટે બનાવટી ફોટા રજૂ કર્યા

AI SCAM: ગાંધીનગર મહાનગરપાલિકાની ઇજનેરી શાખામાં સરકારી કામકાજના નામે કથિત ગેરરીતિ આચરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. વોર્ડ નંબર 11માં રસ્તા, શેડ અને અન્ય સુવિધાઓનું કામ કર્યા વિના જ કામ પૂર્ણ થયાનું દર્શાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence)ની મદદથી બનાવટી ફોટોગ્રાફ્સ અને પ્રમાણપત્રો તૈયાર કરાયાં હોવાનો આક્ષેપ છે. આ મામલે મ્યુનિસિપલ કમિશનરે પ્રાથમિક તબક્કે જવાબદાર ઇજનેરોની સામૂહિક બદલીના આદેશ આપ્યા છે. હાલ સમગ્ર પ્રકરણની તપાસ ચાલી રહી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સમીર કન્સ્ટ્રક્શન એજન્સીને સોંપાયું હતું કામ
ગાંધીનગર મનપાના વોર્ડ નંબર 11માં શેડ, પેવર બ્લોક, ચેઇન લિંક ફેન્સિંગ અને આંતરિક રસ્તાઓ બનાવવા માટે વિવિધ એજન્સીઓને વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા. આ કામોની મુખ્ય જવાબદારી સમીર કન્સ્ટ્રક્શન એજન્સીને સોંપવામાં આવી હતી. જોકે, એજન્સીએ અંદાજે રૂ. 70થી 80 લાખનાં કામ પેટા કોન્ટ્રાક્ટ પર અન્ય વ્યક્તિને આપ્યાં હતાં.
આ મામલાની તપાસ દરમિયાન હર્ષવર્ધન નામના વ્યક્તિનું નામ સામે આવ્યું છે. તે અગાઉ ગાંધીનગર મનપાની ઇજનેરી શાખામાં આઉટસોર્સિંગ કર્મચારી તરીકે ફરજ બજાવી ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે. આક્ષેપ છે કે સંબંધિત કામોનું નિરીક્ષણ કરતા ઇજનેરો સાથે સાંઠગાંઠ કરીને સ્થળ પર કામ કર્યા વિના જ કામ પૂર્ણ થયાનું દર્શાવવાની અને તેના આધારે બિલ મંજૂર કરાવવાની યોજના બનાવવામાં આવી હતી.
AIથી તૈયાર કરાયા બનાવટી ફોટા અને PMC સર્ટિફિકેટ
સામાન્ય રીતે સરકારી કામ પૂર્ણ થયા બાદ બિલ મંજૂર કરાવવા માટે કામના ફોટોગ્રાફ્સ સહિતના પુરાવા રજૂ કરવા પડે છે. આ ઉપરાંત, મહાનગરપાલિકા દ્વારા નિયુક્ત પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી (Project Management Consultancy – PMC) એજન્સીનું પ્રમાણપત્ર પણ જરૂરી હોય છે.
જોકે, મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવેલી તપાસમાં વોર્ડ નંબર 11નાં કેટલાંક કામ વાસ્તવમાં થયાં ન હોવા છતાં તે પૂર્ણ થયાં હોવાનું દર્શાવતા ફોટોગ્રાફ્સ રજૂ કરાયાની વિગતો સામે આવી હતી. તપાસ મુજબ, આ ફોટોગ્રાફ્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી તૈયાર કરવામાં આવ્યા હોવાની શંકા છે.
આ મામલે વધુ તપાસ કરતાં PMC એજન્સીના પ્રમાણપત્ર અંગે પણ સવાલો ઊભા થયા હતા. સંબંધિત એજન્સીનો સંપર્ક કરવામાં આવતાં તેણે આવું કોઈ પ્રમાણપત્ર જારી કર્યું ન હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પ્રમાણપત્રો પણ AIની મદદથી બનાવટી રીતે તૈયાર કરાયાં હોવાના આક્ષેપ સામે આવ્યા હતા.
ઇજનેરોની સામૂહિક બદલી, તપાસ બાદ વધુ કાર્યવાહી શક્ય
આ સમગ્ર પ્રકરણમાં ઇજનેરી શાખાના ઇન્ચાર્જ એડિશનલ સિટી એન્જિનિયર નંદીશ માંડલિયા સહિત સંબંધિત ઇજનેરોની ભૂમિકા તપાસ હેઠળ આવી છે. કામની દેખરેખ અને બિલ મંજૂરીની પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ થઈ છે કે કેમ તે અંગે સવાલો ઊભા થયા છે. મ્યુનિસિપલ કમિશનરે પ્રાથમિક પગલાં તરીકે જવાબદાર ઇજનેરોની સામૂહિક બદલીના આદેશ આપ્યા છે. જોકે, આ કાર્યવાહી અંતિમ દોષનિર્ધારણ નથી. તપાસ પૂર્ણ થયા બાદ અન્ય અધિકારીઓ કે કર્મચારીઓની સંડોવણી સામે આવે તો તેમની સામે પણ ખાતાકીય કાર્યવાહી થઈ શકે છે. AIની મદદથી બનાવટી પુરાવા અને પ્રમાણપત્રો તૈયાર કરાયાના આક્ષેપને પગલે મનપામાં સરકારી કામોની સ્થળ પર ચકાસણી, ગુણવત્તા નિયંત્રણ અને બિલ મંજૂર કરવાની પ્રક્રિયા સામે પણ સવાલો ઊભા થયા છે.
આ પણ વાંચો : રાજ્યમાં સરકારની સહાય સામે મોટા સવાલો, ખેડૂતોને માત્ર 2 ટકા વ્યાજની રાહત












