ગુજરાતટોપ ન્યૂઝ

ગાંધીનગર : CM ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં ફરજ બજાવતા PSIએ ગોળી મારી કર્યો આપઘાત

Gandhinagar News : ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની સુરક્ષા વ્યવસ્થામાં ફરજ બજાવતા PSI તન્વીરસિંહ ઝાલાએ સેક્ટર-27 સ્થિત પોલીસ લાઇન ખાતે પોતાના નિવાસસ્થાને સર્વિસ રિવોલ્વર વડે ગોળી મારી આપઘાત કર્યો છે. ફાયરિંગનો અવાજ સાંભળી આસપાસના લોકો તથા સાથી પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જોકે ગંભીર ઇજાને કારણે ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.

મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો

આ બનાવની જાણ થતાં ખળભળાટ મચી ગયો છે. તેમજ ગાંધીનગર જિલ્લા પોલીસ વડા (SP) સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાબડતોબ સ્થળ પર પહોંચ્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી સમગ્ર મામલે કાયદેસરની તપાસ શરૂ કરી છે. મૃતક પીએસઆઈ તન્વીરસિંહ ઝાલા લાંબા સમયથી પાટનગર ગાંધીનગરમાં ફરજ બજાવી રહ્યા હતા.

PSIના આપઘાતનું કારણ અકબંધ

અચાનક ભરેલા આ અંતિમ પગલાં પાછળ પ્રાથમિક દ્રષ્ટિએ કૌટુંબિક કારણો કે, અંગત પારિવારિક વિવાદ જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે, પોલીસનું કહેવું છે કે, આ માત્ર પ્રાથમિક અનુમાન છે. તેઓ કેટલાક સમયથી કોઈ માનસિક તણાવ કે પારિવારિક મુશ્કેલીમાં હતા.  ત્યારે આ આપઘાતનું કારણ જાણવા માટે તેમના પરિવારજનો, નિકટના મિત્રો અને સાથી કર્મીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમ ઘટના સ્થળે

​ઘટનાની ગંભીરતાને જોતાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. એફએસએલ દ્વારા ઘટનાસ્થળેથી બેલેસ્ટિક અને ટેકનિકલ પુરાવા એકત્ર કરાયા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આપઘાતનું ચોક્કસ કારણ સુસાઈડ નોટ અથવા વિગતવાર ફોરેન્સિક અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

શાંત સ્વભાવના અધિકારીના પગલાથી સાથીકર્મીઓ સ્તબ્ધ

​મુખ્યમંત્રી સુરક્ષા જેવા અતિ મહત્ત્વના અને સંવેદનશીલ યુનિટમાં ફરજ બજાવતા PSI તન્વીરસિંહ ઝાલા ફરજ પ્રત્યે નિષ્ઠાવાન ગણાતા હતા. અહેવાલ અનુસાર, બનાવ બન્યો તે સમયે ગોળી ચાલવાનો અવાજ આવતાં જ પાડોશમાં રહેતા પોલીસ પરિવારો એકઠા થયા હતા. પોલીસ બેડામાં ચર્ચા છે કે, તેઓ કોઈ ગંભીર અંગત સમસ્યા સામે ઝઝૂમી રહ્યા હતા, પરંતુ તેમણે સાથીકર્મીઓ સમક્ષ ક્યારેય આ અંગે મોકળા મને વાત કરી નહોતી.

આ પણ વાંચો : ભાવનગરમાં ફરી ભડકી અશાંતધારાની આગ, હિન્દુઓએ ટાયર સળગાવી કર્યો વિરોધ

Back to top button