ગુજરાત

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર બેવડું સંકટ: વીજળીના ભાવમાં વધારો અને અનિયમિત પાવર કટથી મિલ માલિકો મુશ્કેલીમાં

Surat Textile Mills Crisis: સુરત જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ ટેક્સટાઇલ ઉદ્યોગ પર હાલમાં બેવડું સંકટ તોળાઈ રહ્યું છે. એક તરફ ઇન્ડસ્ટ્રીઝને નિયમિત પાવર સપ્લાયની પૂરતી માંગ પૂર્ણ થતી નથી, તો બીજી તરફ વીજ કંપની દ્વારા ફ્યુઅલ અને વેરીએબલ ચાર્જનો ભારે બોજો લાદવામાં આવ્યો છે. રોજબરોજના 1 થી 2 કલાકના પાવર કટ વચ્ચે તારીખ 1 જુલાઈ 2026 થી વીજળીના બિલમાં યુનિટ દીઠ 60 થી 70 પૈસાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ વીજ વધારા અને અનિયમિત પાવર સપ્લાયના કારણે સુરતની આશરે 450 જેટલી મિલોના માલિકોની આર્થિક હાલત અત્યંત કફોડી બની ગઈ છે.

પ્રોડક્શન કોસ્ટમાં તોતિંગ ઉછાળો

વીજળીના ભાવમાં થયેલા આ વધારાને કારણે મિલોની પ્રોડક્શન કોસ્ટમાં મોટો ઉછાળો આવ્યો છે. અગાઉ વીજળીનું એક યુનિટ આશરે 7 થી 7.5 રૂપિયામાં પડતું હતું, જે હવે વધીને 8.5 થી 9 રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ નવા વધારાના કારણે માત્ર એક જ મિલ દીઠ અંદાજે 4 થી 5 લાખ રૂપિયાનો વધારાનો નાણાકીય બોજો વધી ગયો છે. છેલ્લા 2 વર્ષમાં દર મહિને વીજ બિલિંગમાં 5 થી 6 લાખ રૂપિયા સુધીનો અધધ ઉછાળો જોવા મળ્યો છે, જે ટેક્સટાઇલ ઉદ્યોગોના મૂળ આર્થિક માળખાને નબળું પાડી રહ્યો છે.

અનિયમિત પાવર કટ અને ઇલેક્ટ્રોનિક જર્કથી મશીનરીને ભારે નુકસાન

આજના આધુનિક યુગમાં મિલોમાં લેટેસ્ટ અને અત્યાધુનિક મશીનરીનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આ અનિયમિત પાવર સપ્લાય ઉત્પાદનમાં મોટું સ્પીડબ્રેકર સાબિત થઈ રહ્યો છે. મિલ સંચાલકોના જણાવ્યા મુજબ, જ્યારે અચાનક વીજળી આવ-જા કરે છે ત્યારે મશીનો પર ભારે ઇલેક્ટ્રોનિક જર્ક (ઝટકો) લાગે છે, જેના કારણે સેન્સરવાળા મોંઘા મશીનોને ગંભીર નુકસાન પહોંચે છે. પાવર કટ થયા બાદ મશીનોને ફરી ચાલુ કરવામાં પણ પુષ્કળ સમય વેડફાય છે. જોકે શટડાઉનમાં થોડી રાહત મળી છે, પરંતુ અચાનક થતા વીજ કાપની સમસ્યા હજુ પણ યથાવત છે.

“પૈસા વધારે ચાલે પણ વીજળી રેગ્યુલર આપો”

આ ગંભીર સમસ્યા અંગે વાત કરતા સુરત મિલ એસોસિએશનના પ્રમુખ જીતુ વખારિયાએ જણાવ્યું હતું કે, “ઇન્ટરનેશનલ ફ્યુઅલના ભાવ વધવાને કારણે એકંદર કોસ્ટ વધી છે. અમારું માત્ર એક જ કહેવું છે કે જો થોડા પૈસા વધારે લાગે તો અમને કોઈ વાંધો નથી, પરંતુ વીજ પુરવઠો કોઈપણ જાતના સ્ટોપેજ કે બ્રેકેજ વગર અઠવાડિયાના 6 કે 7 દિવસ સતત મળવો જોઈએ. જો અમને રેગ્યુલર પાવર સપ્લાય મળે, તો અમારા ઘણા બધા કામો સરળતાથી થઈ શકે અને અમે મોટા નુકસાનથી બચી શકીએ.”

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ઉદ્યોગને બચાવવા માટે તંત્રના સક્રિય સહકારની આવશ્યકતા

સતત વધી રહેલા વીજળીના ભાવ અને નબળા પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે કાપડ ઉદ્યોગ અત્યારે અત્યંત કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. મિલ માલિકોની સ્પષ્ટ માંગ છે કે જો વીજ કંપનીઓ દ્વારા ઊંચો હાઇ ટેન્શન ચાર્જ વસૂલવામાં આવતો હોય, તો તેની સામે નિરંતર અને ગુણવત્તાસભર પાવર સપ્લાયની ખાતરી પણ મળવી જ જોઈએ. મોંઘા જનરેટર પર સતત નિર્ભર રહેવું કોઈપણ ઉદ્યોગ માટે પોસાય તેમ નથી. જો આ ગંભીર સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહીં આવે, તો ઉત્પાદન ઘટવાની સાથે સાથે હજારો કામદારોની રોજગારી પર પણ માઠી અસર પડી શકે છે.

આ પણ વાંચો: સુરતમાં દિવાળી પહેલા ખાનગી ટ્રાવેલ્સની ખુલ્લી લૂંટ: વતન જતા રત્નકલાકારો પાસેથી વસૂલાઈ રહ્યું છે ₹3000 સુધીનું તોતિંગ ભાડું!

Back to top button