ઉનામાં 85 વર્ષીય વૃદ્ધાના કાન કાપી સોનાના દાગીનાની લૂંટ, ગળું રેંસીને નિર્મમ હત્યા!

Una Bhingran Elderly Woman Murder: ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભીંગરણ ગામમાં ધોળા દિવસે લૂંટ વિથ મર્ડરની એક સનસનાટીભરી અને ક્રૂર ઘટના સામે આવી છે. આજે (25 ઓકટોબર, 2026) બપોરે 3:00 થી 3:30 વાગ્યાના ગાળામાં આંગણવાડી નજીક પોતાના ઘરે એકલાં રહેતાં 85 વર્ષીય વૃદ્ધા રખમાંઈબેન પીઠાભાઈ બાંભણીયાની લૂંટના ઈરાદે કરપીણ હત્યા કરવામાં આવી છે. અજાણ્યા તત્વોએ વૃદ્ધાના ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તેમજ બંને કાન કાપીને તેમણે પહેરેલા સોનાના ઘરેણાં લૂંટી લીધા હતા. આ અમાનવીય ઘટનાના કારણે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે ભયનો માહોલ ફેલાઈ ગયો છે.
કાન કાપીને સોનાના 2 બૂટિયા અને 3 કડીની લૂંટ
પ્રાથમિક વિગતો અનુસાર, રખમાંઈબેન ગામમાં પોતાના ઘરે એકલાં રહેતાં હતાં, જ્યારે તેમના ત્રણ પુત્રો અને પરિવારના અન્ય સભ્યો વાડીએ રહેતા હતા. વૃદ્ધા ઘરમાં એકલાં હોવાનો લાભ ઉઠાવી લૂંટારુઓ અંદર ઘૂસી ગયા હતા. બપોરના સમયે જ્યારે તેમના એક સંબંધી ઘરે બેસવા માટે આવ્યા ત્યારે ઘરમાં લોહીથી લથપથ હાલતમાં વૃદ્ધાનો મૃતદેહ જોઈને તેમના હોશ ઊડી ગયા હતા. હત્યારાઓએ ધારદાર હથિયાર વડે વૃદ્ધાનું ગળું કાપી નાખ્યું હતું અને કાનમાંથી સોનાના 2 બૂટિયા તથા 3 કડીઓ આંચકી લેવા માટે તેમના બંને કાન પણ કાપી નાખ્યા હતા.
પરિવારનો હૃદયદ્રાવક આક્રોશ
ઘટના અંગે 4:00 વાગ્યે જાણ થતાં ભીંગરણ ગામના સરપંચ જયેશ સોલંકીએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, જેના પગલે ગામ લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. મૃતકના પુત્રવધૂ લલિતાબેને ભારે આક્રંદ સાથે જણાવ્યું હતું કે, જો લૂંટારુઓને દાગીના જ જોઈતા હતા તો અમે અમારા દાગીના પણ આપી દેત, પરંતુ મારા નિર્દોષ સાસુની આવી નિર્મમ હત્યા ન કરવી જોઈતી હતી.
હત્યારાઓને ઝડપી પાડવા સઘન તપાસ શરૂ
ઘટનાની જાણ થતાં જ નવા બંદર પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરીને ફોરેન્સિક અને ટેકનિકલ ટીમોની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. લૂંટારુઓ કેટલા હતા અને કઈ દિશામાં ભાગ્યા છે તે જાણવા આસપાસના વિસ્તારોમાં તપાસ લંબાવવામાં આવી છે. આ સનસનાટીભરી લૂંટ વિથ મર્ડરની ઘટનાથી સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં અરેરાટી વ્યાપી ગઈ છે.












