ગુજરાત

અમદાવાદમાં દિવાળી ટાણે ‘બ્લેડ ગેંગ’ સક્રિય: કાલુપુરમાં એજન્ટની થેલી ફાડીને 2 લાખની રોકડ ચોરાઈ, મુસાફરોના સ્વાંગમાં લૂંટ

Ahmedabad Kalupur Blade Gang Theft: અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે બજારોમાં ખરીદીની ભારે ભીડ અને લાખો-કરોડો રૂપિયાના રોકડ વ્યવહારોનો લાભ લઈને અસામાજિક તત્વો અને ચોર ગેંગ સક્રિય થઈ ગઈ છે. શહેરમાં ભીડભાડવાળા વિસ્તારો, બસ સ્ટેશનો અને શટલ રિક્ષાઓમાં મુસાફરોની બેગ કે થેલામાં બ્લેડ મારીને લાખો રૂપિયા સેરવી લેવાની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં જ કાલુપુર ચોખા બજાર બસ સ્ટેન્ડ પાસે એજન્ટની રોકડ ભરેલી થેલીને બ્લેડ મારીને 2 લાખ રૂપિયા ચોરી લેવાનો કિસ્સો સામે આવતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

કાલુપુર અને માણેકચોક જેવા વ્યસ્ત વિસ્તારો ટાર્ગેટ પર

દિવાળીની ખરીદીના માહોલ વચ્ચે શહેરના મુખ્ય વેપારી વિસ્તારો જેવા કે માણેકચોક, કાલુપુર અને આંગડિયા પેઢીઓમાં રોકડ રકમની અવરજવર ખૂબ વધી ગઈ છે. આ ભીડભાડવાળા માહોલનો ફાયદો ઉઠાવીને ‘બ્લેડ ગેંગ’ના સભ્યો હથિયાર તરીકે બ્લેડનો ઉપયોગ કરી રહ્યા છે. AMTS બસોમાં ચડતી કે ઉતરતી વખતે અથવા શટલ રિક્ષામાં મુસાફરી દરમિયાન મુસાફરોના થેલા નીચેથી કાપીને રોકડ રકમ સેરવી લેવામાં આવે છે. ભોગ બનનાર અસહાય નાગરિકોને ચોરી થયાની જાણ થાય ત્યાં સુધીમાં તો આ ચાલાક તસ્કરો ભીડમાં ફરાર થઈ ચૂક્યા હોય છે.

એજન્ટની થેલીમાંથી 2 લાખ રૂપિયા ગાયબ

થલતેજના સાગર બંગ્લોઝમાં રહેતા વિનોદ કંસારા કાલુપુર ચોખા બજારના કબૂતરખાના કોમ્પ્લેક્ષમાં ‘મેક્સ કોર્પોરેશન’ નામની પેઢી ચલાવે છે અને ડિમાન્ડ ડ્રાફ્ટ તથા બેન્કિંગ કામમાં કમિશન એજન્ટ તરીકે ફરજ બજાવે છે. કમરના ભાગે ઓપરેશન કરાવેલું હોવાને કારણે તેઓ વાહન ચલાવી શકતા નથી અને અવરજવર માટે AMTS બસનો ઉપયોગ કરે છે. તેઓ ઘરેથી કપડાની થેલીમાં 2 લાખ રૂપિયા રોકડ મૂકીને સતાધારથી કાલુપુર જવા નીકળ્યા હતા. કાલુપુર ઉતરતી વખતે ભારે ભીડનો લાભ લઈને કોઈ અણજાણ શખ્સે તેમની થેલી બ્લેડથી કાપી નાખી હતી અને અંદર રાખેલા 2 લાખ રૂપિયા ચોરી લીધા હતા. આ અંગે તેમણે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેઠેલા ગઠિયાઓએ 1.70 લાખ ઉડાવ્યા

આ પ્રકારની અન્ય એક ગંભીર ઘટનામાં ગીતામંદિર ST સ્ટેન્ડથી સિવિલ હોસ્પિટલ જવા નીકળેલાં 67 વર્ષીય વૃદ્ધા સજનબા કિરીટસિંહ જાડેજા શટલ રિક્ષામાં શિકાર બન્યા હતા. ગત 6 મે ના રોજ બનેલી આ ઘટનામાં રિક્ષામાં અગાઉથી ત્રણ શખ્સો બેઠા હતા અને જગ્યા ઓછી હોવા છતાં ચાલકે તેમને બેસાડ્યા હતા. રિક્ષા સારંગપુર બ્રિજ પહોંચી ત્યારે કોઈએ તેમના થેલામાં બ્લેડ મારીને અંદર રાખેલા 1.70 લાખ રૂપિયા ચોરી લીધા હતા. ત્યારબાદ રિક્ષાચાલકે એક પેસેન્જરને ઉતારવાનું કહી વૃદ્ધાને રસ્તામાં જ ઉતારી દીધા હતા અને ભાડું લીધા વિના ફરાર થઈ ગયો હતો. આ મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Ahmedabad: દારૂના નશામાં બિલ્ડરનો આતંક, CCTV ઢાંકી 30 મિનિટ સુધી શ્રમિકોને માર માર્યો

Back to top button