કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

તલાલામાં બે દિવસમાં ભૂકંપના છ આંચકા, વહેલી સવારે 2.8ની તીવ્રતાથી ધરતી ધ્રૂજી

Earthquake Tremors  : ગીર સોમનાથ જિલ્લાના તલાલા પંથકમાં ભૂકંપના હળવા આંચકાનો સિલસિલો યથાવત્ રહેતાં સ્થાનિક લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. આજે વહેલી સવારે 3:22 વાગ્યે 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી આશરે 10 કિલોમીટર દૂર અને જમીનથી 6 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. વહેલી સવારે અનુભવાયેલા આંચકાથી આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો.

તાલાલા પંથકમાં ફરી ભૂકંપના આંચકા

તાલાલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી હળવા ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. શુક્રવારે રાત્રે બે અને શનિવારે બપોરે માત્ર 10 મિનિટના ગાળામાં ત્રણ આંચકા નોંધાયા હતા. ત્યારબાદ આજે વહેલી સવારે વધુ એક આંચકો નોંધાતાં વિસ્તારમાં ભૂકંપની ગતિવિધિ ફરી ચર્ચામાં આવી છે.

ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર, શુક્રવારે રાત્રે 9:57 વાગ્યે 2.2ની તીવ્રતાનો પ્રથમ આંચકો નોંધાયો હતો. ત્યારબાદ રાત્રે 10:18 વાગ્યે 1.8ની તીવ્રતાનો બીજો આંચકો આવ્યો હતો. બંને આંચકાનું કેન્દ્રબિંદુ તાલાલા ગીરથી 9થી 12 કિલોમીટર દૂર ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાં નોંધાયું હતું.

શનિવારે 10 મિનિટમાં ત્રણ આંચકા

શનિવારે બપોરે પણ તાલાલા પંથકમાં સતત ત્રણ આંચકા અનુભવાયા હતા. બપોરે 1:59 વાગ્યે 2.4ની તીવ્રતાનો પ્રથમ આંચકો નોંધાયો હતો. ત્યારબાદ 2:02 વાગ્યે 2.9ની તીવ્રતાનો બીજો અને 2:10 વાગ્યે 1.7ની તીવ્રતાનો ત્રીજો આંચકો નોંધાયો હતો. આ પૈકી 2.9ની તીવ્રતાના આંચકાની અસર વધુ અનુભવાઈ હતી. સ્થાનિક સ્તરે ઘરના બારી-દરવાજા ખખડવાની ઘટનાઓ પણ સામે આવી હતી. આ આંચકાઓનું કેન્દ્રબિંદુ તાલાલા ગીરથી આશરે 11 કિલોમીટર દૂર ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાં નોંધાયું હતું. તાલાલા ઉપરાંત ચિત્રોડ, સાંગોદ્રા, ભોજદે, હિરપુર, ચિત્રાવડ અને હિરણવેલ સહિત આસપાસનાં ગામોમાં પણ આંચકાની અસર અનુભવાઈ હતી. ટૂંકા સમયગાળામાં વારંવાર આંચકા નોંધાતાં સ્થાનિક લોકોમાં ચિંતા વધી છે.

ફોલ્ટ લાઇન એટલે શું?

ફોલ્ટ લાઇન એટલે પૃથ્વીના ભૂપડમાં આવેલી એવી તિરાડ અથવા નબળો ભાગ, જ્યાં ખડકોમાં હલનચલન થવાથી ભૂકંપ સર્જાઈ શકે છે. પૃથ્વીની અંદર ટેક્ટોનિક પ્લેટોની હિલચાલને કારણે આવી જગ્યાઓ પર તણાવ એકઠો થાય છે અને તે મુક્ત થતાં ધરતી ધ્રૂજી શકે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ભૂસ્તરશાસ્ત્રમાં જે ફોલ્ટ પર છેલ્લા 10 હજાર વર્ષ દરમિયાન હલનચલન થયું હોય તેને સામાન્ય રીતે સક્રિય ફોલ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં કચ્છનો વિસ્તાર ભૂકંપના ઝોન-5માં આવે છે, જે દેશના સૌથી વધુ ભૂકંપીય જોખમ ધરાવતા વિસ્તારોમાં સામેલ છે. ગુજરાતમાં કચ્છ મેઇનલેન્ડ ફોલ્ટ, કાત્રોલ હિલ ફોલ્ટ અને વાગડ ફોલ્ટ સહિતની જાણીતી ફોલ્ટ પ્રણાલીઓ આવેલી છે. તાલાલા પંથકમાં વારંવાર નોંધાતા આંચકાઓનું ચોક્કસ કારણ અને ભૂગર્ભીય સ્થિતિ સમજવા માટે સિસ્મોલોજીકલ માહિતી મહત્ત્વની છે. ભૂકંપના હળવા આંચકા વારંવાર અનુભવાય ત્યારે નાગરિકોએ ગભરાવાને બદલે સત્તાવાર સૂચનાઓનું પાલન કરવું જોઈએ. નોંધાયેલા આંચકાઓના આધારે મોટા ભૂકંપની આગાહી કરી શકાતી નથી, તેથી પરિસ્થિતિ અંગે સત્તાવાર માહિતી પર નજર રાખવી જરૂરી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં માવઠાની શક્યતા, અંબાલાલ પટેલની આગાહી વચ્ચે હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ

Back to top button