અમદાવાદગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદમાં 9 મહિનામાં કૂતરા કરડવાના 65 હજાર કેસ, રસીકરણ પાછળ 7 વર્ષમાં 18 કરોડ ખર્ચાયા

Dog Bite Cases : અમદાવાદમાં રખડતાં કૂતરાંનો ત્રાસ યથાવત્ રહેતાં નાગરિકોની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. શહેરમાં ચાલુ વર્ષના જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીના નવ મહિનામાં કૂતરાં કરડવાના કુલ 65,313 કેસ નોંધાયા છે. બીજી તરફ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા છેલ્લાં સાત વર્ષમાં 1,96,894 રખડતાં કૂતરાંનું ખસીકરણ કરવામાં આવ્યું છે. આ કામગીરી પાછળ આશરે રૂ. 18 કરોડનો ખર્ચ થયો હોવા છતાં કૂતરાં કરડવાના બનાવો અટક્યા નથી.

વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને અમદાવાદને રેબીસમુક્ત (Rabies-Free) બનાવવાની દિશામાં કામગીરી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, ચાલુ વર્ષના નવ મહિનામાં નોંધાયેલા કૂતરાં કરડવાના કેસ શહેરમાં રખડતાં શ્વાનની સમસ્યા કેટલી ગંભીર છે તે દર્શાવે છે. કૂતરાં ઉપરાંત બિલાડીઓ કરડવાના પણ 5,747 કેસ નોંધાયા છે.

સાત વર્ષમાં 1.96 લાખ કૂતરાંનું ખસીકરણ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતાં કૂતરાંની સંખ્યા નિયંત્રિત કરવા માટે ખસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લાં સાત વર્ષમાં કુલ 1,96,894 કૂતરાંનું ખસીકરણ કરવામાં આવ્યું હોવા છતાં કૂતરાં કરડવાના બનાવોમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાના સંકેત આંકડાઓ પરથી મળતા નથી.

આ સ્થિતિને પગલે ખસીકરણની કામગીરીની અસરકારકતા અને રખડતાં કૂતરાંની વસતી નિયંત્રણમાં આવી છે કે નહીં તે અંગે સવાલો ઊભા થયા છે. વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સ પહેલાં શહેરને રેબીસમુક્ત બનાવવાનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે તંત્ર સામે મોટો પડકાર છે.

સાત વર્ષ બાદ રખડતાં કૂતરાંની નવી વસતી ગણતરી

અમદાવાદમાં રખડતાં કૂતરાંની વાસ્તવિક સંખ્યા જાણવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના સી.એન.સી.ડી. (Cattle Nuisance Control Department) વિભાગ દ્વારા નવી વસતી ગણતરી શરૂ કરવામાં આવી છે. અગાઉ વર્ષ 2019માં શહેરમાં આશરે 2.10 લાખ રખડતાં કૂતરાં હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

હવે વર્ષ 2026માં ફરીથી વસતી ગણતરી હાથ ધરાતાં શહેરમાં રખડતાં કૂતરાંની સંખ્યામાં કેટલો ફેરફાર થયો છે તે જાણવા મળશે. નવી ગણતરીના આંકડા રખડતાં શ્વાનની સમસ્યાને પહોંચી વળવા માટેની આગામી કામગીરી નક્કી કરવામાં મહત્ત્વના સાબિત થઈ શકે છે. શહેરમાં કૂતરાં કરડવાના હજારો કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે રખડતાં શ્વાનની વસતીનું નિયંત્રણ, ખસીકરણની કામગીરી અને રેબીસ સામેની સુરક્ષાનાં પગલાં કેટલાં અસરકારક સાબિત થાય છે તેના પર હવે સૌની નજર રહેશે.

આ પણ વાંચો : અમદાવાદમાં દિવાળી પહેલાં હોટેલના ભાડામાં 20 ટકાનો વધારો, બુકિંગ મોંઘાં

Back to top button