ગુજરાત

સુરતના ‘સ્વચ્છતા નંબર-1’ તાજ પર ખતરો: ધારાસભ્ય કુમાર કાનાણીની ચેતવણીથી મનપા તંત્રમાં દોડધામ

MLA Kumar Kanani Slams Administration: દેશભરમાં હાલ સ્વચ્છતા સર્વેક્ષણની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે નંબર વન સ્થાન ધરાવતા સુરત માટે એક ગંભીર અને ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. સુરતના વરાછા વિસ્તારના સક્રિય ધારાસભ્ય કુમાર કાનાણીએ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર સામે ગંભીર આક્ષેપો કરતા સનસનાટીભર્યો દાવો કર્યો છે કે, શહેરમાં બેફામ વધી રહેલા હોટ ફિક્સ પ્લાસ્ટિક વેસ્ટ (કચરા) ના કારણે સુરત આગામી સર્વેક્ષણમાં પોતાનો નંબર વનનો ગૌરવવંતો તાજ ગુમાવી શકે છે. સ્વચ્છતા સર્વેક્ષણ ચાલુ હોવા છતાં શહેરમાં ફેલાયેલી ગંદકી અને કચરાના ન્યુસન્સે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પુણાગામમાં હોટફિક્સના જ્વલનશીલ કચરાના ઢગલામાં ભીષણ આગ

સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલા શિવમ કોમ્પ્લેક્સના પાછળના ભાગમાં વહેલી સવારે હોટફિક્સના પ્લાસ્ટિક કચરાના વિશાળ ઢગલામાં અચાનક રહસ્યમય સંજોગોમાં આગ ભભૂકી ઉઠતાં ભારે દોડધામ અને અફરાતફરી મચી ગઈ હતી. આગની લપેટો એટલી ઝડપથી પ્રસરી હતી કે તેની બાજુની દીવાલ પાછળ પાર્ક કરવામાં આવેલી બે કાર પણ આગની ઝપેટમાં આવતા માંડ માંડ બચી ગઈ હતી, જેથી સમયસર આગ પર કાબૂ મેળવી લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી. સદ્નસીબે આ ભયાનક ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ રહેણાંક વિસ્તારોની આસપાસ આ રીતે જ્વલનશીલ કચરો સળગવાની ઘટનાઓ વારંવાર બનવાથી સ્થાનિક રહીશોમાં ભારે ભય અને પાલિકા તંત્ર સામે રોષ ફેલાયો છે.

શહેરભરમાં જ્યાં જુઓ ત્યાં પ્લાસ્ટિકના અંબાર

સુરતના વરાછા સહિતના અનેક ઔદ્યોગિક અને રહેણાંક વિસ્તારોમાં હોટ ફિક્સિંગના પ્લાસ્ટિક કચરાના મોટા અંબાર ખડકાઈ ગયા છે. ખુલ્લા પ્લોટો, ગલીઓ અને જાહેર માર્ગો પર બેફામ ફેંકાતા આ અત્યંત જ્વલનશીલ પ્લાસ્ટિક વેસ્ટમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેના કારણે સ્થાનિક નાગરિકોની સુરક્ષા પણ જોખમાઈ છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે આ પ્રકારના જોખમી કચરાના વ્યવસ્થિત અને કાયમી નિકાલ માટે કોઈ જ નક્કર વ્યવસ્થા કે પોલિસી ન હોવાથી સામાન્ય પ્રજાનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકાયું છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.

‘જો સમયસર વ્યવસ્થા નહીં થાય, તો સુરત નંબર-1 નું સ્થાન ગુમાવશે’

સ્વચ્છતા સર્વેક્ષણ અને કચરાના ગંભીર પ્રશ્ને આક્રોશ વ્યક્ત કરતા ધારાસભ્ય કુમાર કાનાણીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “દેશભરમાં સ્વચ્છતા સર્વેક્ષણ ચાલી રહ્યું છે અને આપણું સુરત સ્વચ્છતામાં નંબર વન પર બિરાજમાન છે, પરંતુ હોટ ફિક્સ પ્લાસ્ટિક કચરાના કારણે જે ભયાનક પરિસ્થિતિ ઊભી થઈ છે, તેનાથી આપણા નંબર વન સ્થાન સામે ગંભીર જોખમ ઊભું થયું છે. શહેરમાં જ્યાં જુઓ ત્યાં પ્લાસ્ટિકના ઢગલા છે અને આગ લાગવાના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. વહીવટી તંત્ર જો આ ગંદકી અને પ્લાસ્ટિક ન્યુસન્સ સામે ત્વરિત યોગ્ય વ્યવસ્થા નહીં કરે, તો આપણે ચોક્કસપણે નંબર વન પદ ગુમાવી બેસીશું.”

‘4 વર્ષ અગાઉ ચેતવ્યા છતાં તંત્ર ઊંઘતું રહ્યું’

ધારાસભ્ય કાનાણીએ વધુ રોષ વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે આજના કરતા 4 વર્ષ અગાઉ જ્યારે રહેણાંક વિસ્તારોમાં આ હોટ ફિક્સ મશીનો અને એકમો શરૂ થયા હતા, ત્યારે જ તેમણે તેનો સખત વિરોધ કરીને તંત્રને અગાઉથી જ ચેતવણી આપી હતી. પરંતુ મ્યુનિસિપલ વહીવટી તંત્રએ આ મામલે સંપૂર્ણ બેદરકારી દાખવીને આંખ આડા કાન કર્યા અને કોઈ નક્કર પગલાં ન લીધા. આજે સ્થિતિ એવી છે કે આ ઉદ્યોગ સાથે હજારો પરિવારોની રોજીરોટી જોડાયેલી હોવાથી તેને એકાએક બંધ પણ કરાવી શકાય તેમ નથી. જો શરૂઆતમાં જ નિયમોનું કડક પાલન કરાવવામાં આવ્યું હોત તો આજે આ કપરી સ્થિતિ ન સર્જાત. જો આગામી સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત પ્રથમ ક્રમે નહીં આવે, તો તેની નૈતિક અને સીધી જવાબદારી મ્યુનિસિપલ વહીવટી તંત્રની રહેશે.

આ પણ વાંચો: અમદાવાદમાં દિવાળી ટાણે ‘બ્લેડ ગેંગ’ સક્રિય: કાલુપુરમાં એજન્ટની થેલી ફાડીને 2 લાખની રોકડ ચોરાઈ, મુસાફરોના સ્વાંગમાં લૂંટ

Back to top button