Ahmedabad: દારૂના નશામાં બિલ્ડરનો આતંક, CCTV ઢાંકી 30 મિનિટ સુધી શ્રમિકોને માર માર્યો
Ahmedabad: શહેરના બોપલ-ઘુમા વિસ્તારમાં બિલ્ડરની ગુંડાગીરી અને દાદાગીરીનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ‘આસ્થા અવિરત’ સ્કીમના સંચાલક અને જાણીતા બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડાએ દારૂના નશામાં ધૂત થઈને નજીકમાં આવેલા ‘મહાદેવ ગ્લોરી’ સ્કીમના RMC (રેડી મિક્સ કોન્ક્રીટ) પ્લાન્ટ પર જઈને આતંક મચાવ્યો હતો. કર્મચારીઓ સાથે બેફામ અપશબ્દો બોલી ઢોર માર મારવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપ હેઠળ બોપલ પોલીસે તાત્કાલિક એક્શન લઈ આરોપી બિલ્ડરની ધરપકડ કરી લીધી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
CCTV કેમેરા પર કપડું ઢાંકી 3 થી 4 કર્મચારીઓ પર હુમલો કર્યો
પ્રાપ્ત વિગતો અનુસાર, ઘુમા બીટ વિસ્તારમાં સ્થિત મહાદેવ ગ્લોરી સ્કીમના RMC પ્લાન્ટ પર રાબેતા મુજબ મજૂરો અને હેલ્પરો કામ કરી રહ્યા હતા. તે દરમિયાન નશાની હાલતમાં બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડા પોતાના બે સાગરીતો સાથે ધસી આવ્યો હતો. ગુનાહિત કૃત્ય કેમેરામાં કેદ ન થાય તે હેતુથી તેમણે પ્લાન્ટમાં લગાવેલા સીસીટીવી (CCTV) કેમેરા પર કપડાં ઢાંકી પુરાવા નષ્ટ કરવાનો પૂર્વઆયોજિત પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ અડધા કલાક સુધી 3 થી 4 નિર્દોષ કર્મચારીઓ સાથે હિચકારો મારપીટ કરી સાઈટ પર ફરી પગ મૂકશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સુપરવાઈઝરની ફરિયાદ બાદ બોપલ પોલીસની ત્વરિત કાર્યવાહી
બનાવ અંગે કર્મચારીઓએ પ્લાન્ટના સુપરવાઈઝર અશોક પ્રજાપતિને જાણ કરતાં તેઓ તાત્કાલિક બોપલ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. સુપરવાઈઝરની સત્તાવાર ફરિયાદના આધારે પોલીસે તાબડતોબ ગુનો નોંધી આરોપી બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડાને ઝડપી લીધો હતો. પોલીસ દ્વારા તેની સામે મારામારી, ગેરકાયદે મંડળી રચવી, ધાકધમકી તેમજ ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ પણ વાંચો:AIના જોખમની આશંકા? OpenAIએ લાઇવ ઇન્ટરનેટથી કનેક્શન કાપ્યું!
અગાઉ ફાયરિંગ અને સરખેજ હોટલમાં મારામારીનો ગુનાહિત ઇતિહાસ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડા રીઢો ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. તેની સામે ભૂતકાળમાં પણ ફાયરિંગ કરવા જેવા ગંભીર ગુના દાખલ થઈ ચૂક્યા છે. આ ઉપરાંત મોતી હોટલમાં મારામારી કરવા મામલે પણ સરખેજ પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો નોંધાયો હતો. હાલ બોપલ પોલીસે તેના અન્ય સાગરીતોની સંડોવણી અને સમગ્ર બનાવ પાછળના ચોક્કસ કારણો અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.












