
Gujarat IAS Transfer List 2026: ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ (GAD) દ્વારા રાજ્યમાં 17 જેટલા IAS અધિકારીઓની બદલીઓ અને વધારાના હવાલા સોંપતો મોટો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ મોટા વહીવટી ફેરફાર અંતર્ગત 14 સંવર્ગના અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જ્યારે 3 સીનિયર અધિકારીઓને વધારાનો પ્રભારી ચાર્જ સુપરત કરાયો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી આણંદ, મહેસાણા અને વાવ-થરાદ સહિત અનેક જિલ્લાઓમાં કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO) ની સ્થિતિ બદલાઈ ગઈ છે. આ ઉપરાંત માહિતી નિયામક, ગ્રામ વિકાસ, રમતગમત અને ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રની સંસ્થાઓના વડાઓની નવી જવાબદારી નક્કી કરાઈ છે.
વાઇબ્રન્ટ સમિટ પૂર્વે iNDEXT-B ઈન્ચાર્જથી ચાલશે
રાજ્યમાં આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ઔદ્યોગિક રોકાણ આકર્ષવા માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી ‘ઇન્ડસ્ટ્રિયલ એક્સટેન્શન બ્યૂરો’ (iNDEXT-B) માં પૂર્ણકાલીન અધિકારીને બદલે ઇન્ચાર્જ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 2012 બેચના IAS અધિકારી ગૌરાંગ એચ. મકવાણા, જેઓ હાલ મહેસાણા ખાતે UGVCL ના મેનેજિંગ ડિરેક્ટર છે, તેમને iNDEXT-B ના MD નો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે. વાઇબ્રન્ટ સમિટમાં નોડલ સંસ્થા તરીકે iNDEXT-B દેશ-વિદેશના રોકાણકારો સાથે સંકલન સાધવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં મહેસાણા અને ગાંધીનગર વચ્ચે બંને કચેરીઓનું સંચાલન કઈ રીતે થશે તે અંગે સચિવાલયના વહીવટી વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.
મહેસાણા કલેક્ટર એસ. કે. પ્રજાપતિની અચાનક બદલી
મહેસાણાના કલેક્ટર એસ. કે. પ્રજાપતિની બદલી કરીને તેમને ગાંધીનગર ખાતે ગ્રામ વિકાસ કમિશનરેટમાં એડિશનલ ગ્રામ વિકાસ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા છે. રજા પરથી પરત ફરતાંની સાથે જ તેમની બદલી થતાં અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. ચર્ચા મુજબ વિસનગર તાલુકાના કડા ગામની ગૌચર જમીનમાં ગેરકાયદે ખનન અને માટી ચોરીનો મુદ્દો મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં રજૂ થયો હતો. સ્થાનિક નેતાઓ સાથેના મતભેદો અને ભૂસ્તરશાસ્ત્રી સામેની કાર્યવાહી બાદ કલેક્ટરની ત્વરિત બદલીને આ વિવાદ સાથે જોડીને જોવામાં આવી રહી છે. હવે તેમની જગ્યાએ ગૃહ વિભાગના અધિક સચિવ ડૉ. હર્ષિત પૃથ્વીરાજ ગોસાવીને મહેસાણાના નવા કલેક્ટર બનાવાયા છે.
આણંદ અને વાવ-થરાદમાં નવા કલેક્ટર નીમાયા
સરકારના આ સપાટામાં આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરીને ધોલેરા SIR અને મંડલ-બેચરાજી SIR ના CEO તરીકે ગાંધીનગર ખસેડવામાં આવ્યા છે. તેમની જગ્યાએ કચ્છ-ભુજના DDO ઉત્સવ ગૌતમ આણંદના નવા કલેક્ટર બન્યા છે. બનાસકાંઠા DDO એમ. જે. દવેને નવનિર્મિત વાવ-થરાદ જિલ્લાના કલેક્ટર તરીકે નિયુક્ત કરાયા છે. ઉપરાંત સચિવ આલોક કુમાર પાંડેને રાહત કમિશનર અને મહેસૂલ વિભાગના એક્સ-ઓફિશિયો સચિવનો વધારાનો ચાર્જ સોંપાયો છે. જ્યારે શિક્ષણ વિભાગના એડિશનલ સેક્રેટરી જી.ટી. પંડ્યાને ગાંધીનગર ખાતે માહિતી નિયામક તરીકે મૂકવામાં આવ્યા છે.
સચિવાલય અને વિવિધ વિભાગોમાં મહત્વપૂર્ણ બદલીઓ
અન્ય મહત્વપૂર્ણ અધિકારીઓમાં સી. સી. કોટકને સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ ડેવલપમેન્ટના સ્પેશિયલ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે સચિન કુમારને ગૃહ વિભાગમાં નાયબ સચિવ બનાવાયા છે. બી. એન. પટેલને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલનો હવાલો સોંપાયો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO) ના સ્તરે વ્યાપક ફેરબદલ
જિલ્લા સ્તરે DDO ની બદલીઓમાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે. તાપીના DDO રામ નિવાસ બુગાલિયાને બનાસકાંઠા-પાલનપુર ખાતે મુકાયા છે, વલસાડના DDO અતિરાગ ચપલોતને કચ્છ-ભુજ DDO બનાવાયા છે, જ્યારે મહિસાગરના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર વંદના મીનાને વલસાડના DDO ની જવાબદારી સોંપાઈ છે. સોનગઢના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર રાજેશ કુમાર મૌર્યને અમરેલી DDO, વાંસદાના સ્વપ્નિલ મિશ્રાને તાપી DDO અને છોટાઉદેપુરના ઓમકાર રાજેન્દ્ર શિંદેને તે જ જિલ્લામાં DDO તરીકે પ્રમોટ કરવામાં આવ્યા છે.












