જામનગરમાં નણંદ-ભાભી વચ્ચે ફરી રાજકીય જંગ: શિક્ષણ વિભાગના નવા પરિપત્ર સામે નયનાબા જાડેજાના મંત્રી રિવાબા પર આકરા પ્રહારો

Nayanaba Slams Rivaba Over Gujarat Education Controversy: જામનગરમાં શિક્ષણ વિભાગના એક નવા પરિપત્રને લઈને રાજકીય માહોલ બરાબરનો ગરમાયો છે. શાળાઓમાં સામાન્ય લોકોના પ્રવેશ તેમજ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પર નિયંત્રણો મૂકતા પરિપત્ર સામે કોંગ્રેસના મહિલા નેતા નયનાબા જાડેજાએ મોરચો માંડ્યો છે. તેમણે આ મુદ્દે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજા પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા છે. નણંદ-ભાભી વચ્ચે ફરી એકવાર તીખો વિવાદ છેડાતાં જામનગરના રાજકારણમાં ચર્ચાઓનું બજાર ગરમ થઈ ગયું છે.
“શિક્ષણમંત્રી રીલ બનાવવામાં વ્યસ્ત છે”
કોંગ્રેસ નેતા નયનાબા જાડેજાએ શિક્ષણ વિભાગના આ નિર્ણય સામે રોષ ઠાલવતાં શિક્ષણમંત્રી રિવાબા જાડેજા સામે સીધું નિશાન સાધ્યું હતું. તેમણે આકરા શબ્દોમાં કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, “રાજ્યના શિક્ષણમંત્રી પોતાના વિભાગની પ્રાથમિકતાઓ અને કામગીરી સંભાળવાને બદલે સોશિયલ મીડિયા પર રીલ બનાવવામાં વ્યસ્ત રહે છે.” નયનાબાના આ નિવેદને રાજ્યના શિક્ષણ વિભાગ અને મંત્રીની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
“શાળાઓ સરકારના બાપની નથી”
શાળાઓમાં પ્રવેશ કરવા અને શૈક્ષણિક વ્યવસ્થાની માહિતી મેળવવા પર મૂકવામાં આવેલા નિયંત્રણો અંગે નયનાબાએ આકરો વિરોધ નોંધાવ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “શાળાઓ સરકારના બાપની નથી.” તેમણે દલીલ કરી હતી કે શિક્ષણ વ્યવસ્થામાં રહેલી ખામીઓ અને વાસ્તવિક સ્થિતિને સુધારવાને બદલે સરકાર અને તંત્ર આવા આકરા નિયંત્રણો લાદીને સત્યને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
જામનગરના રાજકારણમાં ભારે ગરમાવો
નયનાબા જાડેજાએ સરકારના હેતુ સામે સવાલો ઉઠાવતા આક્ષેપ કર્યો હતો કે રાજ્યની સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર અને સુવિધાઓ અત્યંત કથળી ગઈ છે. હાલમાં જ્યારે સામાન્ય જનતા જાગૃત થઈને શાળાઓની ખામીઓ ઉજાગર કરી રહી છે, ત્યારે આ વાસ્તવિકતા લોકો સુધી ન પહોંચે તે માટે જ શિક્ષણ વિભાગ દ્વારા આવો પ્રતિબંધિત પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ વિવાદ બાદ જામનગરમાં નણંદ-ભાભી વચ્ચેનો રાજકીય જંગ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.
આ પણ વાંચો: સુરતમાં Amazonના પાર્સલમાંથી બ્રાન્ડેડ કુર્તી બદલવાનું કૌભાંડ ઝડપાયું, ચાર આરોપીઓની ધરપકડ












