ગુજરાત

UGVCL માં કરોડોનું કૌભાંડ છુપાવવાનો ખેલ? પૂર્વ AGM-HR ના સનસનાટીભર્યા પત્રથી વીજ વિભાગમાં હડકંપ!

UGVCL Promotion Scam Controversy: ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) માં પરસોનેલ ઓફિસર (PO) ની પોસ્ટની બઢતીને લઈને આચરવામાં આવેલા કથિત કૌભાંડનો મામલો વધુ ગરમાયો છે. UGVCLના પૂર્વ એડિશનલ જનરલ મેનેજર (AGM-HR) એ.સી.પ્રજાપતિએ એક સનસનાટીભર્યો પત્ર લખીને આ સમગ્ર ભ્રષ્ટાચારને સમર્થન આપ્યું હતું. આ પત્રમાં સરકારની પૂર્વ મંજૂરી વગર અયોગ્ય પદ્ધતિથી ઊભી કરાયેલી PO ની બે જગ્યાઓ રદ કરવા માટે યોજાયેલી બેઠકો, GUVNL ની સૂચનાઓ, 1 એપ્રિલ, 2021 નો પત્ર તેમજ તત્કાલીન MD ની સલાહ મુજબ મુકવામાં આવેલી ગુપ્ત ફાઇલ ગાયબ કરી દેવાયાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, જેનો અહેવાલ 8 ઓક્ટોબર, 2026 ના રોજ પ્રસિદ્ધ થયો હતો.

પત્ર લખવા છતાં તપાસનો આદેશ કેમ નહીં?

પૂર્વ AGM-HR એ.સી.પ્રજાપતિએ આ ગંભીર પત્ર ઉર્જા વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી, GUVNL ના MD, UGVCL ના MD અને PMO વગેરેને મોકલ્યો હતો. આમ છતાં, આ પ્રકરણમાં તટસ્થ અધિકારીઓ દ્વારા કોઈ સ્વતંત્ર તપાસના આદેશ થયા નથી. PMOPG મારફત મળેલી રજૂઆત સામે UGVCL ના હાલના AGM-HR વી.એચ.અસારીએ પ્રજાપતિને ગોળ-ગોળ જવાબ આપ્યો હતો. જેમાં વર્ષ 2018 માં ડેલીગેશન ઓફ પાવર અને નિયમો મુજબ સક્ષમ અધિકારીની મંજૂરીથી આ જગ્યાઓ મંજૂર કરાઈ હોવાનો દાવો કરાયો હતો. આ ગોળ-ગોળ જવાબ સામે પૂર્વ અધિકારી પ્રજાપતિએ 15 ઓક્ટોબરના રોજ વળતો પત્ર પાઠવીને સ્પષ્ટ કર્યું હતું કે હાલના તંત્ર દ્વારા સંસ્થા, સમાજ અને સરકારને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

ગેરસમજથી થયેલી ગંભીર ભૂલ છુપાવવા માટે પ્રમોશન આપ્યાનો ઘટસ્ફોટ

પ્રજાપતિએ પોતાના પત્રમાં પર્દાફાશ કર્યો છે કે તેમના સેવાકાળ દરમિયાન 2018 માં HR વિભાગમાં નવી જગ્યાઓ ઊભી કરીને PO નું પ્રમોશન આપવામાં આવ્યું હતું, જે એક ગેરસમજને લીધે થયેલી ગંભીર ભૂલ હતી. આશ્ચર્યની વાત એ છે કે GUVNL ના વર્તમાન GM-HR (જેઓ ગુજરાતની તમામ વીજ કંપનીઓના ટોપ મોસ્ટ HR હેડ છે) આ સમગ્ર બેઠકો અને પ્રક્રિયાથી સારી રીતે વાકેફ હોવા છતાં કેમ મૌન સેવી રહ્યા છે? GUVNL ની સૂચનાઓનું પાલન ન કરનાર UGVCL ની સામે શા માટે કોઈ પગલાં લેવાતા નથી? આ ઉપરાંત GUVNL ના હાલના MD શાલીની અગ્રવાલ દ્વારા 1 એપ્રિલ, 2021 ના પત્રના અમલ માટે તમામ વીજ કંપનીઓને સ્મૃતિપત્ર પાઠવવામાં કેમ વિલંબ થઈ રહ્યો છે તે પણ એક મોટો સવાલ છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

અન્ય કંપનીઓમાં નિયમોનું પાલન થયું છતાં UGVCL માં ભેદભાવ કેમ?

પત્રના અંતે પૂર્વ AGM-HR પ્રજાપતિએ એક અત્યંત મહત્વનો મુદ્દો રજૂ કરતા જણાવ્યું છે કે UGVCL સિવાય અન્ય વીજ કંપનીઓ (જેમ કે અગાઉ PGVCL અને નજીકના ભૂતકાળમાં DGVCL) માં GUVNL ની લેખિત સૂચનાનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું છે. આ કંપનીઓમાં પૂર્વ મંજૂરી વગર ઊભી કરેલ પોસ્ટો પર અપાયેલા ચાર્જ કે પ્રમોશન પરત લઈ લેવામાં આવ્યા છે. જ્યારે UGVCL મેનેજમેન્ટ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ જ કાર્યવાહી કરાઈ નથી. એટલું જ નહીં, પરંતુ પ્રજાપતિની નિવૃત્તિ પછી આ ભૂલ સુધારવાને બદલે તેને છુપાવવાના હેતુથી સત્તાવાર નિયમોથી તદ્દન વિપરીત જઈને (એક્સપાયર્ડ સિલેક્શન લિસ્ટમાંથી) સંબંધિત અધિકારીને DGM તરીકેનું નવું પ્રમોશન પણ આપી દેવામાં આવ્યું છે, જે સમગ્ર પ્રક્રિયા પર ગંભીર સવાલો ઊભા કરે છે.

આ પણ વાંચો: ઈ-કોમર્સ ક્ષેત્રે ગ્રાહકો સાથે છેતરપિંડીમાં ચિંતાજનક વધારો, ગુજરાતમાં ફરિયાદો 33% વધી

Back to top button