ગુજરાત

સુરતમાં ઝારખંડ પોલીસની મોટી સફળતા: જે પરિણીતાની હત્યાની ફરિયાદ નોંધાઈ હતી તે સુરતમાંથી જીવતી મળી

Jharkhand Woman Found Alive Surat: ઝારખંડ અને સુરત પોલીસને દોડતી કરી દેનાર એક અત્યંત ચોંકાવનારો અને સસ્પેન્સ થ્રિલર ફિલ્મ જેવો કિસ્સો સામે આવ્યો છે. ઝારખંડના રાંચી જિલ્લાના ખલારી પોલીસ મથકમાં જે 36 વર્ષીય પરિણીતાની હત્યા થઈ ગઈ હોવાની અને લાશ સગેવગે કરી દીધી હોવાની તેના પિતાએ ફરિયાદ નોંધાવી હતી, તે જ મહિલા સુરતના સચિન GIDC વિસ્તારમાંથી એકદમ સલામત હાલતમાં જીવિત મળી આવી છે. આ મહિલા ખરેખર મૃત્યુ પામી ન હતી, પરંતુ પતિ અને સાસરિયાઓના અમાનવીય ત્રાસથી પોતાનો જીવ બચાવવા માટે ઘર છોડીને સુરત ભાગી આવી હતી.

પિતાએ જમાઈ અને સાસરિયાઓ સામે દીકરીની હત્યાનો આરોપ મૂક્યો હતો

આ સમગ્ર ઘટનાની શરૂઆત ઝારખંડથી થઈ હતી, જ્યાં 65 વર્ષીય વૃદ્ધ પિતા છઠુ ગોપએ ખલારી પોલીસ સ્ટેશનમાં ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેમની 36 વર્ષીય પુત્રી વીણી ઉર્ફે વીણા દેવીના લગ્ન વર્ષ 2010 માં સામુ મહતો સાથે થયા હતા. લગ્ન બાદ દહેજ માટે પતિ અને સાસરિયાઓ તેને સતત મારઝૂડ કરતા હતા. પિતાનો ગંભીર આરોપ હતો કે, 24 ઓગસ્ટ 2026 ના રોજ જમાઈ સામુ મહતો અને તેના સાથીદારોએ ભેગા મળી વીણાની નિર્મમ હત્યા કરી દીધી છે અને પુરાવાનો નાશ કરવા લાશને ક્યાંક છુપાવી દીધી છે.

સાસરિયાઓના નરક જેવા ત્રાસથી બચવા મહિલાએ સુરત તરફ દોટ મૂકી

વાસ્તવિકતામાં આ કેસનું સત્ય કંઈક અલગ જ હતું. વીણા દેવી તેના પતિ અને સાસરિયાઓ દ્વારા અપાતા શારીરિક-માનસિક ત્રાસથી એટલી હદે કંટાળી ગઈ હતી કે તેને પોતાના જીવનું જોખમ લાગતું હતું. રોજ-રોજના મારઝૂડથી બચવા તે કોઈને પણ કહ્યા વગર 10 દિવસ પહેલાં ઝારખંડથી ભાગીને સુરત આવી ગઈ હતી. સુરત આવીને તેણે એકલી રહીને નવું અને શાંતિપૂર્ણ જીવન શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેથી તે સાસરીના નરક સમાન વાતાવરણમાંથી કાયમી છુટકારો મેળવી શકે.

મોબાઈલના લોકેશને ખોલ્યો સમગ્ર ઘટનાનો પર્દાફાશ

બીજી તરફ, ઝારખંડ પોલીસે પિતાની ફરિયાદના આધારે હત્યા અને પુરાવા નાશ કરવાની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. કેસની તપાસ દરમિયાન ટેક્નિકલ સર્વેલન્સ અને મોબાઈલ નંબર ટ્રેસ કરતા પોલીસને જાણવા મળ્યું કે, જે મહિલાની તેઓ લાશ શોધી રહ્યા છે તેનો મોબાઈલ નંબર સુરતમાં એક્ટિવ છે. આ ટેક્નિકલ લોકેશન મળતા જ ઝારખંડ પોલીસ ચોંકી ઉઠી હતી અને તેમણે તુરંત સુરતની સચિન GIDC પોલીસનો સંપર્ક સાધી મદદ માંગી હતી.

સચિન GIDC પોલીસે ગણતરીના કલાકોમાં મહિલાને શોધી કાઢી

ઝારખંડ પોલીસ તરફથી સત્તાવાર માહિતી મળતા જ સુરતની સચિન GIDC પોલીસ ત્વરિત એક્શન મોડમાં આવી ગઈ હતી. પોલીસે મળેલી બાતમી અને લોકેશનના આધારે સચિન GIDC વિસ્તારમાં આવેલી શિવાંજલી સોસાયટી, રાજુભાઈની ચાલમાં દરોડો પાડ્યો હતો. અહીં એક રૂમમાંથી પોલીસે 36 વર્ષીય વીણા દેવીને એકદમ સુરક્ષિત હાલતમાં શોધી કાઢી હતી, જ્યાં તે એકલી રહીને મજૂરી કામ કરતી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સુરત પોલીસે મહિલાનો કબજો ઝારખંડ પોલીસને સોંપ્યો

મહિલા સશરીર જીવતી મળી આવતા પિતા દ્વારા નોંધાવવામાં આવેલી હત્યાની ફરિયાદ પાછળનું અસલ સત્ય સામે આવી ગયું હતું. સચિન GIDC પોલીસે તમામ જરૂરી કાયદાકીય કાગળિયા અને પ્રક્રિયા પૂરી કરી આગળની કાર્યવાહી માટે મહિલાનો કબજો ઝારખંડ પોલીસને સોંપ્યો છે. હવે ઝારખંડ પોલીસ મહિલાનું સત્તાવાર નિવેદન નોંધીને તેના પતિ અને સાસરિયાઓ સામે ઘરેલું હિંસા અને શારીરિક ત્રાસ અંગે કાનૂની કાર્યવાહી હાથ ધરશે.

આ પણ વાંચો: સુરતમાં સાલાસર ટેક્સટાઈલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 10 ફાયરફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે

Back to top button