ગુજરાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક છબરડો: B.Com. સેમેસ્ટર-5 ના પેપરમાં પ્રિન્ટિંગ મિસ્ટેકથી 10,000 થી વધુ પરીક્ષાર્થીઓ હેરાન-પરેશાન

Saurashtra University B.Com Exam Paper Error: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ અવારનવાર વિવાદોમાં ઘેરાયેલો રહે છે, ત્યારે વધુ એક મોટી બેદરકારી સામે આવી છે. 21 ઓક્ટોબરથી શરૂ થયેલી સ્નાતક કક્ષાની સેમેસ્ટર-5 ની પરીક્ષાઓના પ્રથમ દિવસે જ B.Com. ના પેપરમાં ભૂલ સામે આવતાં ભારે ધમાસણ મચી ગયું હતું. કોર્પોરેટ એકાઉન્ટિંગ-1 ના પેપરમાં 15 માર્કના એક મહત્વપૂર્ણ દાખલામાં રકમની પ્રિન્ટિંગ મિસ્ટેકને કારણે પરીક્ષા આપી રહેલા 10,000 થી વધુ વિદ્યાર્થીઓને અડધો કલાક સુધી ભારે મૂંઝવણ અને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

15 માર્કના દાખલામાં રકમનો છબરડો

વિગતો મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજે સ્નાતકના સેમેસ્ટર-5 માં અભ્યાસ કરતા કુલ 32,644 વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં B.Com. સેમેસ્ટર-5 ના ‘કોર્પોરેટ એકાઉન્ટિંગ-1’ ના પેપરમાં ‘સલોની લિમિટેડ’ ના પ્રોફિટ અને લોસ એકાઉન્ટનો 15 માર્કનો એક મુખ્ય પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ પ્રશ્નમાં હવાલા નંબર-6 માં પ્રીપેઇડ એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સની રકમ ખરેખર ₹2,000 લખવાની હતી, પરંતુ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની ઘોર બેદરકારીના કારણે ₹20,000 છપાઈ ગયા હતા.

પેપર શરૂ થયાના એક કલાક બાદ ઈ-મેઈલ આવ્યો

યુનિવર્સિટીની સેમેસ્ટર પરીક્ષાનું 50 માર્કનું આ પ્રથમ પેપર બપોરે 2:30 વાગ્યે શરૂ થયું હતું. પેપર શરૂ થયા બાદ વિદ્યાર્થીઓ દાખલો ગણવામાં અટવાયા હતા. ત્યારબાદ પેપર શરૂ થયાના પૂરા એક કલાક પછી એટલે કે બપોરે 3:30 વાગ્યે યુનિવર્સિટી દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો અને કોલેજોને ઈ-મેઈલ મોકલીને આ સુધારા અંગે જાણ કરવામાં આવી હતી. પરીક્ષાના અડધા સમય બાદ સુધારો આવતાં 10,047 જેટલા પરીક્ષાર્થીઓએ યુનિવર્સિટીના અણઘડ વહીવટ સામે ભારે રોષ ઠાલવ્યો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પ્રિન્ટિંગ મિસ્ટેકની કબૂલાત છતાં અપાઈ સફાઈ

આ સમગ્ર વિવાદ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. ધીરેન પંડ્યાએ બેદરકારીનો સ્વીકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પેપરમાં પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ હોવાની બાબત સાચી છે, પરંતુ ભૂલ ધ્યાને આવતાં જ તમામ કોલેજોને તાત્કાલિક મેઈલ કરીને અડધા કલાકમાં સુધારો કરી લેવાની જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી હતી. જોકે, પ્રથમ દિવસે જ સર્જાયેલા આ છબરડાથી યુનિવર્સિટીની કામગીરી સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે.

આ પણ વાંચો: સુરત: અડાજણમાં 76 વર્ષીય કાપડ વેપારી સાથે ₹3.75 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો: ગોરખપુરથી માસ્ટરમાઈન્ડ ઝડપાયો

Back to top button