
Gujarat Rain Forecast: ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે સક્રિય બનતું જઈ રહ્યું છે અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે જોરદાર હાજરી નોંધાવી છે. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં મોડી રાત્રિથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે અનેક નદી-નાળાઓ છલકાઈ ઉઠ્યા હતા. અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા સ્થાનિક લોકોને પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યના 13 જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.
સાગબારામાં ચોમાસા પૂર્વે જ પૂર જેવી સ્થિતિ
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં 23 જૂનની મધરાત બાદ ધોધમાર વરસાદ વરસતા સમગ્ર વિસ્તાર પાણીથી તરબોળ થઈ ગયો હતો. જંગલ વિસ્તારોમાંથી પસાર થતી નાની-મોટી નદીઓ અને નાળાઓમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિક જનજીવન પર અસર જોવા મળી હતી. ચોમાસાની સત્તાવાર એન્ટ્રી પહેલાં જ અહીં પૂર જેવી સ્થિતિ સર્જાતા લોકોમાં ચિંતા વધી છે.
આજે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ
હવામાન વિભાગના અનુમાન મુજબ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, ખેડા અને દાહોદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ઉપરાંત વડોદરા, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર, ઉમરગામ ટોચ પર
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ઉમરગામમાં નોંધાયો છે. અહીં 4.33 ઇંચ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. કપરાડામાં 1.46 ઇંચ અને વાપીમાં 1.42 ઇંચ વરસાદ નોંધાયો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ડાંગ જિલ્લાના આહવા વિસ્તારમાં 3.07 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે તાપીના ઉકાઈમાં 1.10 ઇંચ વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લાના માંડવી, અરેઠ, માંગરોળ અને ઉમરપાડા તેમજ નવસારી જિલ્લાના ચીખલી, ગણદેવી અને જલાલપોર વિસ્તારમાં પણ સતત વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ મેઘમહેર
દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદે હાજરી નોંધાવી હતી. રાજકોટ જિલ્લાના ગોંડલમાં 2.13 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે કોટડા સાંગાણીમાં 0.79 ઇંચ વરસાદ નોંધાયો હતો. પંચમહાલના જાંબુઘોડા, છોટાઉદેપુરના કવાંટ અને નર્મદાના સાગબારામાં પણ સારો વરસાદ પડ્યો હતો. અમરેલી, બોટાદ અને જાફરાબાદ જેવા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડતા ગરમીમાંથી રાહત મળી હતી.
રાજકોટ સૌથી ગરમ શહેર, અમદાવાદમાં 40 ડિગ્રી પાર
વરસાદી માહોલ વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો હતો. રાજકોટમાં મહત્તમ 40.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતા તે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. અમદાવાદમાં 40.4 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ડીસા, વડોદરા અને ભુજ સહિતના વિસ્તારોમાં પણ ઉકળાટભર્યું વાતાવરણ અનુભવાયું હતું. જોકે વાદળછાયા વાતાવરણ અને વરસાદી ઝાપટાંને કારણે આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે.
આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી
25 જૂન માટે હવામાન વિભાગે સુરત, નવસારી, વલસાડ, ડાંગ તેમજ દમણ, દાદરા અને નગર હવેલી વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે. સાથે જ અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા, વીજળીના કડાકા અને ગાજવીજ સાથે વરસાદ વરસવાની સંભાવના હોવાથી લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.












