પશ્ચિમ રેલવેની એન્ટી નાર્કોટિક્સ વિંગનો મોટો સપાટો: પુરી-અમદાવાદ એક્સપ્રેસમાંથી મળી આવ્યો ₹5.92 લાખનો ગાંજો!

Ahmedabad Puri Express Ganja Seized: પશ્ચિમ રેલવેની એન્ટી નાર્કોટિક્સ વિંગ (ANW) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) દ્વારા રાજ્યમાં ડ્રગ્સ અને નશાકારક પદાર્થોના નેટવર્કને ડામવા માટે શરૂ કરવામાં આવેલા ‘મિશન સેફ સ્ટેશન’ અભિયાન અંતર્ગત એક મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે. ઓડિશાના પુરીથી અમદાવાદ તરફ આવતી ટ્રેનમાં રેલવે પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત ઓપરેશન પાર પાડીને ટ્રેનમાંથી 11.85 કિલોગ્રામ શંકાસ્પદ ગાંજાનો જથ્થો બિનવારસી હાલતમાં ઝડપી પાડ્યો છે. પોલીસે આંતરરાજ્ય નશાકારક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરીના આ રેકેટનો પર્દાફાશ કરીને અંદાજે ₹ 5,92,750 ની કિંમતનો વિદેશી અને પ્રતિબંધિત મુદ્દામાલ કબજે કર્યો છે.
ટ્રેન નંબર 20861 માં મળી આવ્યો શંકાસ્પદ જથ્થો
રેલવે પોલીસના ઇન્ચાર્જ અધિક પોલીસ મહાનિદેશક કે.એમ. ડામોર અને પશ્ચિમ રેલવે વડોદરાના પોલીસ અધિક્ષક અભય સોનીના સીધા માર્ગદર્શન હેઠળ દેશભરમાંથી ટ્રેનો મારફતે થતી નશાકારક પદાર્થોની તસ્કરીને રોકવા માટે વિશેષ અભિયાન ચલાવાઈ રહ્યું છે. આ ઝુંબેશના ભાગરૂપે ANW ની એક વિશેષ ટીમ નંદુરબાર રેલવે સ્ટેશનથી ટ્રેન નંબર 20861 (અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ) માં સુરક્ષા અને સઘન પેટ્રોલિંગ માટે સવાર થઈ હતી. ટ્રેન જ્યારે મુસાફરી કરી રહી હતી ત્યારે પોલીસ ટીમ દ્વારા કોચની અંદર ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
જનરલ કોચ વચ્ચેના કોરિડોરમાંથી મળી બે શંકાસ્પદ બેગ્સ
સૂત્રો અને પોલીસ તપાસ મુજબ જ્યારે ટ્રેન વરણામા રેલવે સ્ટેશન પસાર થઈ રહી હતી, તે દરમિયાન એન્જિન તરફના ભાગે આવેલા બે જનરલ કોચ વચ્ચેના કનેક્ટિંગ કોરિડોરમાંથી મરૂન અને વાદળી રંગની બે શંકાસ્પદ બેગ્સ બિનવારસી હાલતમાં મળી આવી હતી. પોલીસ જવાનોએ તુરંત જ સાવચેતી રાખીને આ બેગ્સની તપાસ કરતા તેમાંથી કુલ 11.855 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પોલીસ પકડાઈ જવાની અથવા કડક ચેકિંગના ડરે કોઈ અજાણ્યો તસ્કર આ માલ ટ્રેનમાં જ મૂકીને રફુચક્કર થઈ ગયો હોવો જોઈએ.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ
વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ (NDPS) એક્ટની કલમો હેઠળ ગુનો નોંધીને સમગ્ર જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. હાલ પોલીસ એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે કે આટલી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ટ્રેનમાં કયા સ્ટેશનથી કોણે ચઢાવ્યો હતો અને કયા શખસો તેને પહોંચાડવાના હતા. આંતરરાજ્ય રેકેટના આ તસ્કરોને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.












