ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

મેટાને 567 મિલિયન ડોલર ચૂકવવાનો આદેશ, યુવાનોને નુકસાન બદલ કોર્ટનો નિર્ણય

Court orders Meta: ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની પેરેન્ટ કંપની મેટાને અમેરિકાના ન્યૂ મેક્સિકોની કોર્ટે 567 મિલિયન અમેરિકન ડોલર (આશરે ₹5,400 કરોડ) ચૂકવવાનો આદેશ આપ્યો છે. કોર્ટનું માનવું છે કે કંપનીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મના કારણે યુવાનોને નુકસાન થયું છે અને તેની ભરપાઈ માટે આ વળતર ચૂકવવું જરૂરી છે.


યુવાનોની સારવાર માટે ખર્ચાશે મોટો હિસ્સો

ન્યાયાધીશ બ્રાયન બિડચેડે પોતાના ચુકાદામાં જણાવ્યું કે આ રકમમાંથી લગભગ 420 મિલિયન અમેરિકન ડોલર યુવાનોની સારવાર અને માનસિક આરોગ્ય સંબંધિત સેવાઓ માટે ખર્ચવામાં આવશે. બાકીની રકમ આગામી પાંચ વર્ષ દરમિયાન જાગૃતિ અભિયાન, સ્ક્રીનિંગ સેવાઓ અને અન્ય નિવારક કાર્યક્રમોમાં વાપરવામાં આવશે.

બાળકોની માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવાનો આરોપ

આ કેસના પ્રથમ તબક્કામાં જ્યુરીએ મેટા પર 375 મિલિયન અમેરિકન ડોલરની સિવિલ પેનલ્ટી ફટકારી હતી. કોર્ટના મત મુજબ કંપનીએ જાણતા હોવા છતાં બાળકોની માનસિક સ્વાસ્થ્ય પર થતી નકારાત્મક અસરોને અવગણી હતી તેમજ પ્લેટફોર્મ પર બાળ યૌન શોષણ સંબંધિત માહિતી પૂરતી રીતે જાહેર કરી નહોતી.

પ્લેટફોર્મમાં ફેરફાર કરવાની પણ માંગ

કેસના બીજા તબક્કામાં સરકારી વકીલોએ કોર્ટને વિનંતી કરી હતી કે મેટાને તેના પ્લેટફોર્મમાં મૂળભૂત ફેરફારો કરવા માટે આદેશ આપવામાં આવે. તેમાં વ્યસન વધારતા ફીચર્સ પર નિયંત્રણ, ઉંમર ચકાસણીની વ્યવસ્થા વધુ મજબૂત બનાવવી અને બાળકો માટે વધુ સુરક્ષિત પ્રાઈવસી સેટિંગ્સ લાગુ કરવાની માંગ સામેલ હતી.

ઉંમર ચકાસણી અંગે કોર્ટની ટિપ્પણી

કોર્ટે જણાવ્યું કે અમેરિકાનો Children’s Online Privacy Protection Act (COPPA) 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અંગે વ્યક્તિગત માહિતી એકત્રિત કરવા અથવા ફરજિયાત ઉંમર ચકાસણી માટે મર્યાદા મૂકે છે. તેથી માત્ર મેટાને જ આવી વ્યવસ્થા લાગુ કરવાનો આદેશ આપવો કાયદાકીય રીતે યોગ્ય નથી અને તે કંપની માટે અયોગ્ય સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો : FCRA બિલ પર 12 ઓગસ્ટે સંસદમાં ચર્ચા, અમિત શાહે ખ્રિસ્તી આગેવાનો સાથે બેઠક કરી


Back to top button