FCRA બિલ પર 12 ઓગસ્ટે સંસદમાં ચર્ચા, અમિત શાહે ખ્રિસ્તી આગેવાનો સાથે બેઠક કરી

Amit Shah Holds Meeting: વિદેશી અનુદાન નિયમન કાયદા (FCRA) સંબંધિત પ્રસ્તાવિત નવા બિલને લઈને રાજકીય અને વહીવટી સ્તરે ચર્ચાઓ તેજ બની છે. સંસદમાં બિલ રજૂ થાય તે પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિવિધ હિતધારકોના પ્રતિનિધિમંડળો સાથે બેઠક કરીને તે: મની ચિંતાઓ અને સૂચનો સાંભળ્યા હતા.
મિઝોરમના પ્રતિનિધિમંડળે રજૂ કરી ચિંતાઓ
મિઝોરમના મુખ્યમંત્રી લાલદુહોમાના નેતૃત્વમાં ખ્રિસ્તી સમાજના અગ્રણીઓએ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન પ્રસ્તાવિત બિલની કેટલીક જોગવાઈઓમાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે સરકાર તરફથી ખાતરી આપવામાં આવી છે કે નવો કાયદો પૂર્વલક્ષી (Retrospective) અસરથી અમલમાં મૂકવામાં આવશે નહીં.
ખ્રિસ્તી આગેવાનો સાથે પણ થઈ બેઠક
ત્યારબાદ ખ્રિસ્તી સમાજના 10 બિશપ અને પાદરીઓના પ્રતિનિધિમંડળે પણ ગૃહમંત્રી સાથે મુલાકાત કરી હતી. બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન પણ હાજર રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, અમિત શાહે પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા તમામ મુદ્દાઓ અને સૂચનો ગંભીરતાથી નોંધ્યા હતા અને સંબંધિત મંત્રીઓ સાથે તેની ચર્ચા કરવાની ખાતરી આપી હતી.
12 ઓગસ્ટે સંસદમાં થઈ શકે છે ચર્ચા
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, FCRA બિલ પર 12 ઓગસ્ટથી સંસદમાં ચર્ચા થવાની સંભાવના છે. બિલ ક્યારે રજૂ કરવું અને ચર્ચા માટે સૂચિબદ્ધ કરવું તે નિર્ણય લોકસભા અધ્યક્ષ અને બિઝનેસ એડવાઇઝરી કમિટી (BAC)ની પ્રક્રિયા અનુસાર લેવામાં આવે છે.
સરકારનો દાવો – ગેરસમજો ફેલાવવામાં આવી રહી છે
સરકારે જણાવ્યું છે કે પ્રસ્તાવિત બિલ અંગે કેટલીક ગેરસમજો અને ભ્રામક માહિતી ફેલાવવામાં આવી રહી છે. સરકારના મતે, બિલની મૂળ રચના વર્ષ 2010ના FCRA કાયદાના માળખાને આધારે તૈયાર કરવામાં આવી છે અને હાલમાં તેના મૂળ ડ્રાફ્ટમાં કોઈ નવા ફેરફારનો પ્રસ્તાવ નથી.
કોઈ એક સમુદાયને નિશાન બનાવવાનો ઇનકાર
સરકારે સ્પષ્ટ કર્યું કે કોઈ એક સમુદાયને નિશાન બનાવવાનો આરોપ નિરાધાર છે. સરકારના જણાવ્યા મુજબ, દેશમાં આવતાં કુલ વિદેશી અનુદાનમાંથી લગભગ 30 ટકા અનુદાન ખ્રિસ્તી સંસ્થાઓને મળે છે, તેથી કોઈ ચોક્કસ સમુદાય વિરુદ્ધ કાર્યવાહી કરવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.












