
વડોદરાના એક યુગલે યુનાઈટેડ વેના ગરબા ગ્રાઉન્ડ પર અછાજતું વર્તન કરતા ગરબાની ગરિમાને પણ લાંછન લાગ્યું છે. જેના કારણે રાજ્યભરમાં રોષ ફાટી નીકળ્યો છે. વડોદરા શહેરના ગરબા સમગ્ર વિશ્વમાં વખણાય છે, ત્યારે આયોજકોના કારણે આ આપણી સાંસ્કૃતિક પ્રવૃત્તિ દિવસેને દિવસે વિવાદનું કેન્દ્ર બિંદુ બનતી જાય છે. વડોદરા શહેરમાં યોજાતા ગુજરાતના સૌથી મોટા યુનાઈટેડ વે ઓફ બરોડાના ગરબા ગ્રાઉન્ડ પર પણ કંઈક એવું જ થયું. ગ્રાઉન્ડ પર હાજર એક યુગલે અશ્લીલ હરકત કરતા ત્યાં આસપાસ ઉભેલા સૌ ખેલૈયાઓ શરમમાં મુકાઈ ગયા હતા. આ યુગલે ગરબાની ગરિમાને નેવે મૂકી જાહેરમાં અશ્લીલ હરકતનો વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરતા હિન્દુ સંગઠનો અને ધર્મગુરુઓ રોષે ભરાયા છે.
કોણ છે આ કપલ?
બીજી તરફ એડવોકેટ ભાવિન વ્યાસે કપલ વિરુદ્ધ અટલાદરા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચ્યા હતા. એડવોકેટ ભાવિન વ્યાસે યુવક યુવતી વિરુદ્ધ અરજી આપતા જણાવ્યું હતું કે વાયરલ વીડિયોમાં જે યુગલ દેખાઈ રહ્યું છે તે રુચિ પટેલ અને પ્રતિક પટેલ છે, આ યુગલ વડોદરાના સમા સાવલી રોડ પર રહેતા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ત્યારે બંને વિરૂદ્ધ BNS કલમ 296,353 હેઠળ ગુનો નોંધવામાં આવે તેવી અમારી માંગ છે.
અશ્લીલ વીડિયો મામલે યુનાઇટેડ વેના આયોજક અને ચેરમેન તારક પટેલે કહ્યું કે અમે આ ખેલૈયાઓના પ્લેયર પાસ રદ કરી નાખીએ છીએ. તેમને મેદાનમાં ગરબા રમવા માટે પ્રવેશ આપવામાં નહીં આવે. તેમજ આયોજકે ખેલૈયાઓને પવિત્ર ગરબામાં અછાજતું વર્તન ન કરવા માટે અપીલ પણ કરી છે.
ઉલ્લેખનીય બાબત છે કે જેમ ગરબા અને વડોદરા એક બીજાના પર્યાય છે તેમ યુનાઈટેડ વે અને વિવાદ બંને એક બીજાના પર્યાય છે. હવે પોલીસ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ અશ્લીલ હરકત કરનાર યુગલ તેમજ આયોજકો સામે કાયદાકીય પગલા ભરે તેવી માંગ ઉઠી છે.












