રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવનોથી ઠંડી વધી, અમદાવાદમાં પ્રદૂષણનું જોખમી સ્તર

અમદાવાદ 11 જાન્યુઆરી 2025: ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકથી હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યના વિવિધ ભાગોમાં ઉત્તર અને ઉત્તર-પૂર્વના ઠંડા અને સૂકા પવનો ફૂંકાવાનું શરૂ થતા લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, જેના કારણે જનજીવનમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ખાસ કરીને વહેલી સવારે અને મોડી રાત્રે કાતિલ ઠંડીની અસર વધુ જોવા મળી રહી છે.
તાપમાનમાં વધ-ઘટની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૪૮ કલાક દરમિયાન પવનની ગતિ અને દિશામાં સાધારણ ફેરફાર થવાને કારણે લઘુત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો વધારો થઈ શકે છે. જોકે, આ રાહત ટૂંકા ગાળાની હશે. ૪૮ કલાક પૂર્ણ થયા બાદ ફરી એકવાર પવનની દિશા બદલાશે અને ઉત્તરીય પવનો ફૂંકાતા તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો નોંધાશે. પવનની દિશામાં વારંવાર થતા આ ફેરફારને કારણે રાજ્યમાં આગામી એક અઠવાડિયું તાપમાનમાં સતત વધ-ઘટ ચાલુ રહેશે, જેને પગલે મિશ્ર ઋતુનો અનુભવ થશે.
અમદાવાદમાં ધુમ્મસ અને પ્રદૂષણનો કહેર
રાજ્યના મેટ્રો સિટી અમદાવાદમાં ઠંડીની સાથે પ્રદૂષણે પણ માઝા મૂકી છે. વહેલી સવારે શહેરમાં ગાઢ ધુમ્મસ જોવા મળી રહી છે, જેના કારણે વાહનચાલકોને વિઝિબિલિટીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ચિંતાજનક બાબત એ છે કે, અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ૨૭૯ સુધી પહોંચી ગયો છે, જે ‘ખરાબ’ શ્રેણીમાં ગણાય છે. ઠંડા પવનોને કારણે હવામાં રહેલા રજકણો જમીનની નજીક રહેતા હોવાથી શહેરની હવા વધુ પ્રદૂષિત બની છે.
આરોગ્ય પર અસર
એક તરફ હાડ થીજવતી ઠંડી અને બીજી તરફ ઝેરી ધુમ્મસને કારણે લોકોમાં શ્વાસની તકલીફ, ઉધરસ અને ગળામાં ઇન્ફેક્શનના કેસોમાં વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે. આરોગ્ય નિષ્ણાતોએ વડીલો અને બાળકોને વહેલી સવારે બહાર નીકળતી વખતે માસ્ક પહેરવા અને ગરમ કપડાંનો યોગ્ય ઉપયોગ કરવાની સલાહ આપી છે.
આ પણ વાંચો: છોકરીને મેટ્રિમોનિયલ સાઇટ્સ પર જીવનસાથી શોધવો મોંઘો પડ્યો!, આ નવા ફ્રોડ અંગે જરૂર જાણી લો તમે












