ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઢાકાની ઝૂંપડપટ્ટીને નવી દિલ્હી ગણાવી રહ્યા છે ચીની વ્લોગર્સ: ગંદકી અને ગરીબીના દૃશ્યો બતાવી ભારતની છબી ખરડવાનો પ્રયાસ?

Chinese Vloggers: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ચીની વ્લોગર્સની એક એવી પ્રવૃત્તિ સામે આવી છે, જેણે અનેક સવાલો ઊભા કર્યા છે. અહેવાલો અનુસાર અંદાજે 150 ચીની નાગરિકો ઢાકાના ગરીબ અને ઓછી આવક ધરાવતા વિસ્તારોમાં વીડિયો બનાવી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે આ વીડિયોને ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઇવ કરતી વખતે ઢાકાના વિસ્તારોને ભારતની રાજધાની નવી દિલ્હી તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં આ દરમિયાન ભારતીયોની રહેણીકરણી અને સ્વચ્છતા અંગે અપમાનજનક ટિપ્પણીઓ પણ કરવામાં આવી રહી છે. બાંગ્લાદેશના અખબાર પ્રથમ આલો દ્વારા 6 નવેમ્બરે પ્રકાશિત તપાસ અહેવાલમાં આ સમગ્ર મામલો સામે આવ્યો છે. અહેવાલ મુજબ ચીની નાગરિકો ઢાકાના ઉત્તરા સેક્ટર-12 અને ટેકપારા વિસ્તારની સાંકડી ગલીઓમાં ફરીને વીડિયો બનાવી રહ્યા છે. આ વીડિયોને WeChat અને Douyin જેવા ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઇવ કરવામાં આવે છે.

ઢાકાને નવી દિલ્હી ગણાવી ગરીબીનું ચિત્રણ

તપાસ દરમિયાન મિયાનમિયાન નામની એક ચીની મહિલા વ્લોગર ઉત્તરા સેક્ટર-12માં કેનાલ પાસે લાઇવ કરતી જોવા મળી હતી. તેણે આ વિસ્તારને નવી દિલ્હી ગણાવ્યો હતો અને ત્યાંનાં મકાનોને ગંદા, અવિકસિત અને અસ્વચ્છ ગણાવ્યાં હતાં. એ જ રીતે ટેકપારાના ચાના સ્ટોલ પર વીડિયો બનાવતા ‘વાંગ વેઈ’ નામના એક વ્લોગરે સ્થાનિક લોકો જે ચા પી રહ્યા હતા તેને ગાયના મૂત્ર અને ગંદા પાણીમાંથી બનેલી હોવાનું કહીને અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ પ્રકારની ટિપ્પણીઓ દ્વારા દર્શકો સમક્ષ ભારતની ખોટી છબી રજૂ થતી હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મહિનાઓથી ચાલી રહી છે વીડિયો બનાવવાની પ્રવૃત્તિ

આ કોઈ એકાદ દિવસની ઘટના નથી. બાંગ્લાદેશના અન્ય અખબારે મે મહિનામાં પણ ઢાકાના ટેકપારા વિસ્તારમાં ચીની વ્લોગર્સ દ્વારા વીડિયો બનાવવામાં આવતા હોવાનો અહેવાલ આપ્યો હતો. જ્યારે જુલાઈમાં ‘કલેેર કંઠો’ અખબારે ઉત્તરા સેક્ટર-12માં ચીની નાગરિકોની વધતી હાજરી અંગે અહેવાલ પ્રકાશિત કર્યો હતો. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર આ લોકો છેલ્લા કેટલાક મહિનાઓથી સતત વિસ્તારમાં ફરીને દુકાનો, રહેણાંક વિસ્તારો અને ગલીઓના વીડિયો બનાવી રહ્યા છે. કેટલાક રહેવાસીઓએ તો ઘરો અને બાથરૂમ જેવી ખાનગી જગ્યાઓમાં પણ પરવાનગી વિના પ્રવેશ કરીને વીડિયો ઉતારવામાં આવતા હોવાની ફરિયાદ કરી છે.

પૈસા આપીને સ્થાનિક મહિલાઓની મદદ લેવાતી હોવાનો દાવો

અહેવાલમાં જણાવ્યા અનુસાર કેટલાક સ્થાનિક લોકો ચીની વ્લોગર્સને વિસ્તારની મુલાકાત દરમિયાન મદદ પણ કરી રહ્યા છે. એક સ્થાનિક મહિલા માર્ગદર્શકે પ્રથમ આલોને જણાવ્યું હતું કે તે વ્લોગર્સને મદદ કરવા બદલ દરરોજ 700થી 800 બાંગ્લાદેશી ટાકા કમાય છે. જોકે, આ વીડિયોના ચોક્કસ હેતુ અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. એક ચીની નાગરિકે આ પ્રવૃત્તિને પ્રોડક્ટ પ્રમોશન સાથે જોડેલી હોવાનું જણાવ્યું હતું, પરંતુ ઢાકાના ગરીબ વિસ્તારોને જ કેમ પસંદ કરવામાં આવ્યા અને વીડિયોમાં તેમને નવી દિલ્હી તરીકે કેમ દર્શાવવામાં આવે છે તે અંગે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો.

શું ભારત વિરુદ્ધ દૂષપ્રચારનું અભિયાન છે?

આ સમગ્ર ઘટનાને પગલે સવાલ ઊભો થયો છે કે શું આ માત્ર સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા અને કમાણી મેળવવાનો પ્રયાસ છે કે પછી ભારતની છબી ખરડવા માટે કોઈ મોટું દૂષપ્રચાર અભિયાન ચાલી રહ્યું છે? જોકે અત્યાર સુધીના અહેવાલોમાં આ વ્લોગર્સ કોઈ સંગઠિત અભિયાનનો ભાગ હોવાનો પુરાવો મળ્યો નથી. તેઓ સ્વતંત્ર રીતે કામ કરી રહ્યા છે કે કોઈ નેટવર્કના ભાગરૂપે વીડિયો બનાવી રહ્યા છે તે પણ સ્પષ્ટ થયું નથી. ઉત્તરા વેસ્ટ પોલીસ સ્ટેશનના અધિકારીએ પણ ચીની નાગરિકો દ્વારા વીડિયો બનાવવામાં આવતા હોવાની જાણકારી હોવાની વાત કહી છે. આ અંગે વરિષ્ઠ અધિકારીઓને જાણ કરવામાં આવી હોવાનું અને તપાસની કાર્યવાહી ચાલી રહી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. હાલમાં સૌથી મોટો સવાલ એ છે કે બાંગ્લાદેશના વિસ્તારોને ભારતનાં હોવાનું દર્શાવીને ખોટી માહિતી ફેલાવવાનો આ સિલસિલો કયા હેતુથી ચલાવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં દીપડાની યાદગીરી હવે દીવાલ પર કંડારાઈ, 4 મહિના જૂની ઘટનાને સોસાયટીએ બનાવી કાયમી યાદ
Back to top button