ટ્રેન્ડિંગવર્લ્ડ

હોર્મુઝ બાદ હવે પનામા કેનાલ પર ખતરો? અલ-નીનોના કારણે વૈશ્વિક વેપાર પર ફરી સંકટના વાદળ

threat to the Panama Canal? : અમેરિકા અને ઈરાન વચ્ચે તાજેતરમાં થયેલી શાંતિ સમજૂતી બાદ હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં તણાવ થોડો ઓછો થયો છે, પરંતુ હવે વૈશ્વિક વેપાર માટે વધુ એક મહત્વના સમુદ્રી માર્ગ પર ખતરો ઊભો થયો છે. આ વખતે કારણ યુદ્ધ નહીં પરંતુ અલ-નીનોની અસર છે. પ્રશાંત મહાસાગરમાં અલ-નીનો ફરી સક્રિય બનતા પનામા કેનાલના સંચાલન પર ગંભીર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અમેરિકાની નેશનલ ઓશિયનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA)એ સત્તાવાર રીતે જણાવ્યું છે કે પ્રશાંત વિસ્તારમાં અલ-નીનોની સ્થિતિ બની ગઈ છે અને વર્ષ 2026ના અંત સુધીમાં તે અત્યંત શક્તિશાળી બની શકે છે. ક્લાઈમેટ પ્રેડિક્શન સેન્ટરના અંદાજ મુજબ નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન અલ-નીનો મજબૂત બનવાની 88 ટકા શક્યતા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પનામા કેનાલ માટે કેમ વધી ચિંતા?

અલ-નીનોના કારણે વરસાદમાં ઘટાડો થવાથી પનામા કેનાલ માટે જરૂરી પાણીની અછત ઊભી થઈ શકે છે. વર્ષ 2023-24 દરમિયાન પણ અલ-નીનોના કારણે ગંભીર સુકાની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે ગેટુન લેકનું પાણીનું સ્તર ઘટી ગયું હતું. આ તળાવ પનામા કેનાલના લોક સિસ્ટમ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

તે સમયે પનામા કેનાલ ઓથોરિટીએ જહાજોની અવરજવર પર મર્યાદા મૂકી હતી અને ડ્રાફ્ટ લિમિટ ઘટાડવી પડી હતી. જેના કારણે નહેરમાં ટ્રાફિક લગભગ 40 ટકા સુધી ઘટી ગયો હતો. અનેક જહાજોને લાંબી રાહ જોવી પડી હતી અથવા વિકલ્પરૂપે દક્ષિણ અમેરિકાના લાંબા માર્ગનો ઉપયોગ કરવો પડ્યો હતો.

હવે ફરીથી પરિસ્થિતિ બગડવાની આશંકાને ધ્યાનમાં રાખીને પનામા કેનાલ ઓથોરિટીએ 3 જુલાઈથી નિયો-પનામેક્સ જહાજો માટે મહત્તમ ડ્રાફ્ટ 49.5 ફૂટ સુધી ઘટાડવાનો નિર્ણય લીધો છે.

વૈશ્વિક સપ્લાય ચેઇન પર પડશે અસર

વિશ્વના સૌથી મહત્વપૂર્ણ વેપાર માર્ગોમાંથી એક ગણાતી પનામા કેનાલ મારફતે દર વર્ષે આશરે 14 હજાર જહાજો પસાર થાય છે. આ નહેર પ્રશાંત અને એટલાન્ટિક મહાસાગરને જોડે છે અને વૈશ્વિક સમુદ્રી વેપારનો લગભગ 5 ટકા હિસ્સો અહીંથી પસાર થાય છે.

અલ-નીનોના કારણે માત્ર પનામા જ નહીં પરંતુ વિશ્વભરના સપ્લાય નેટવર્ક, લોજિસ્ટિક્સ અને એનર્જી ટ્રેડ પર અસર થઈ શકે છે. અમેરિકાથી વધતા LNG અને LPG નિકાસના કારણે પણ કેનાલ પર દબાણ વધી રહ્યું છે.

ભારત પર શું થશે અસર?

ભારત માટે પણ પનામા કેનાલ અત્યંત મહત્વપૂર્ણ વેપાર માર્ગ છે. ભારત અમેરિકા અને પ્રશાંત ક્ષેત્રના દેશો સાથે વેપાર માટે આ નહેરનો વ્યાપક ઉપયોગ કરે છે. જો પનામા કેનાલમાં અવરજવર પ્રભાવિત થાય તો ભારતીય માલવાહક જહાજોને લાંબો માર્ગ અપનાવવો પડી શકે છે, જેના કારણે ટ્રાન્સપોર્ટ ખર્ચમાં વધારો થઈ શકે છે.

વિશેષજ્ઞોના મતે, અલ-નીનોના કારણે ભારતના મોન્સૂન, કૃષિ ઉત્પાદન અને વૈશ્વિક ફ્રેઇટ માર્કેટ પર પણ અસર થઈ શકે છે. જેના કારણે અનાજ, સોયાબીન અને અન્ય કૃષિ ઉત્પાદનોના વેપાર પર સીધી અસર જોવા મળી શકે છે.

આ પણ વાંચો : બ્રેકિંગ: પાવાગઢ ડુંગર પરથી પથ્થર ગબડતાં કેટલાય યાત્રિકો દટાયા, 2 મૃતદેહ મળ્યા

Back to top button