ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરતમાં 12 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર કિશોરને 20 વર્ષની કેદ, સુરતમાં જુવેનાઇલ કોર્ટે પોક્સો હેઠળ આરોપીને લાંબી સજા ફટકાર્યાનો પહેલો કેસ

સુરત. 17 ફેબ્રુઆરી 2026: સુરતની પોક્સો કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપતા 12 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને 20 વર્ષની સખત કેદ અને રૂપિયા 11 લાખના દંડની સજા ફટકારી છે. આ કેસમાં ખાસ વાત એ છે કે ગુનો કરનાર આરોપી ઘટના સમયે માત્ર 17 વર્ષનો હતો, છતાં તેની ગુનાહિત ગંભીરતાને ધ્યાને રાખી કોર્ટે તેને આકરી સજા કરી છે.

શું હતી સમગ્ર ઘટના ?

આ ઘટનાની વિગતો મુજબ ફેબ્રુઆરી 2023માં સચીન પોલીસ મથકે આ હૃદયદ્રાવક ફરિયાદ નોંધાઈ હતી. એક શ્રમજીવી પરિવારની 12 વર્ષની દીકરીને છેલ્લા બે મહિનાથી માસિક ન આવતા માતા-પિતા ચિંતિત હતા. શરૂઆતમાં નબળાઈ માનીને અવગણના કરી, પરંતુ જ્યારે બાળકીને પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો અને ડોક્ટર પાસે તપાસ કરાવી ત્યારે પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તે માસૂમ બાળકી 4 મહિનાની ગર્ભવતી હતી. બાળકીની પૂછપરછમાં જાણવા મળ્યું કે, જ્યારે તેણીના માતા-પિતા કામ પર ગયા હોય અને ઘરે કોઈ ન હોય ત્યારે પાડોશમાં રહેતો કિશોર અવારનવાર ઘરમાં ઘૂસી આવતો હતો. આરોપીએ બાળકીની મજબૂરીનો ફાયદો ઉઠાવી ત્રણવાર બળાત્કાર ગુજાર્યો હતો. આ હેવાનિયતને કારણે બાળકી ગર્ભવતી બની હતી અને અંતે તેનું ગર્ભપાત કરાવવાની ફરજ પડી હતી.

કાયદાકીય જોગવાઈ મુજબ, જ્યારે 16 થી 18 વર્ષની વચ્ચેનો કિશોર આવો જઘન્ય ગુનો કરે, ત્યારે તેનો મનોવૈજ્ઞાનિક રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. આ કેસમાં બાળ સુરક્ષા અધિકારીના રિપોર્ટમાં સાબિત થયું કે આરોપીની મનોસ્થિતિ કોઈ સામાન્ય બાળક જેવી નહીં પણ પુખ્ત ગુનેગાર જેવી હતી. આ રિપોર્ટને આધારે કોર્ટે તેને બાળક ગણીને રાહત આપવાને બદલે પુખ્ત આરોપીની જેમ કડક સજા ફટકારી છે.

Back to top button